Sat Oct 03 2026

Logo

શિયાળામાં મુંબઈને પ્રદૂષણથી બચાવવા મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી:

2026-10-03 07:54:00
Author: Sapna Desai
શિયાળામાં મુંબઈને પ્રદૂષણથી બચાવવા મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી:

વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા  ‘એર પોલ્યુશન કંટ્રોલ ઍન્ડ ઈમ્પ્લિમેન્ટેશન એક્શન પ્લાન-૨૦૨૬’
વોર્ડમાં ૧૦ પ્રદૂષણ કરનારા હોટ સ્પોટ  નક્કી કરાશે, ક્ધસ્ટ્રકશન સાઈટ અને સાર્વજનિક સ્થળે કચરો બાળનારા અને પ્રદૂષણ ફેલાવનારાં વાહનો પર ધ્યાન અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘એર પોલ્યુશન કંટ્રોલ ઍન્ડ ઈમ્પ્લિમેન્ટેશન એક્શન પ્લાન-૨૦૨૬’ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રશાસને વાતાવરણમાં પ્રદૂષણ નિર્માણ કરનારા  મુખ્ય સ્રોતને ઓળખીને તેને નિયંત્રણમાં લાવવા માટે તેમ જ  નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરાં  પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે, જે અંતર્ગત દરેક પ્રશાસકીય વોર્ડમાં ઓછામાં ઓછા ૧૦ વાયુ પ્રદૂષણ કરનારા હોટસ્પોટ્સને ઓળખી કાઢવાના રહેશે. સાર્વજનિક સ્થળે કચરો બાળનારાથી લઈને ક્ધસ્ટ્રકશન સાઈટને કારણે પ્રદૂષણ વધી ગયું તો આ લોકોની સામે આકરી કાર્યવાહી કરવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. 

દર વર્ષે મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય સાથે જ ખાસ કરીને શિયાળાના આગમન સાથે જ વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધી જતું હોય છે. તેથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા   ૨૨ મુદ્દાની સાથેની ગાઈડલાઈન પર અમલમાં મૂકવામાં આવી છે અને હવે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેના માર્ગદર્શનમાં ‘એર પોલ્યુશન કંટ્રોલ ઍન્ડ ઈમ્પ્લિમેન્ટેશન એક્શન પ્લાન-૨૦૨૬’ ને અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ  એક્શન પ્લાન અનુસાર દરેક પ્રશાસકીય વોર્ડમાં ઓછામાં ઓછામાં ૧૦ વાયુ પ્રદૂષણ નિર્માણ કરનારા હોટ સ્પોટ નક્કી  કરીને તેની યાદી અને નકશા તૈયાર કરવામાં આવશે. મોટી ક્ન્સ્ટ્રકશન સાઈટ, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ, માળખાકીય પ્રોજેક્ટના કામ, જાહેરમાં કચરો બાળવાનાં સ્થળો, કાટમાળ નાખવાના સ્થળ તેમ જ ટ્રાફિક જૅમ થતો હોય એવાં સ્થળોનો હોટ સ્પોટમાં સમાવેશ કરવામાં આવવાનો છે. દરેક હોટ સ્પોટ માટે જવાબદાર અધિકારી નિશ્ર્ચિત કરીને નિયમિત સ્વરૂપે ધ્યાન રાખવામાં આવશે.

કન્સ્ટ્રક્શન સાઈટ પર પ્રદૂષણ પર નિયંત્રણ
મુંબઈમાં હાલ મોટા પ્રમાણમાં કન્સ્ટ્રક્શનના કામ ચાલી રહ્યા છે, જેમાં અનેક હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટથી લઈને અનેક માળખાગત પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે ત્યારે બાંધકામ અને તોડવાનું કામ ચાલુ હોય ત્યાં ૨૮ મુદ્દા સાથેની પાલિકાની અગાઉ જાહેર થયેલી ગાઈડલાઈનનું સખતાઈપૂર્વક પાલન કરવામાં આવવાનું છે. નિયમનું ઉલ્લંઘન કરનારી કન્સ્ટ્રક્શનસાઈટને શો-કોઝ નોટિસ, સ્ટોપ વર્ક નોટિસ તેમ જ આવશ્યકતા જણાઈ તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દરેક ટીમને દરરોજ બે કલાક કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બાંધકામને તોડી પાડવાનું કામ ચાલુ હોય ત્યારે યોગ્ય રીતે બેરિકેડિંગ, તાડપત્રી અથવા લીલા કપડાથી ઢાંકવાનું તેમ જ પાણીનો છંટકાવ કરવાનું આવશ્યક રહેશે.

રસ્તા પર ધૂળ પર ધ્યાન અપાશે
ચોમાસા બાદ રસ્તા પર  જમા થઈ રહેલા કાદવ, કીચડ અને ધૂળ હટાવવા માટે ઑક્ટોબરના પહેલા અને બીજા અઠવાડિયામાં ‘પોસ્ટ-મોન્સૂન ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ અમલમાં મૂકવામાં આવવાની છે. મહત્ત્વના રસ્તા, ડીવાઈડર, ચોક પર ખાસ સફાઈ કરવામાં આવશે. તેમ જ પુનર્વપરાશ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ રસ્તાના ધોવા માટે અને પાણીનો છંટકાવ કરવા માટે કરાશે.

ડેવલપરની જવાબદારી રહેશે
ક્ધસ્ટ્રકશન સાઈટ પર બાંધકામના આકાર અનુસાર સંબંધિત ડેવલપર અથવા કૉન્ટ્રેક્ટરને તેમની નજીકના રસ્તા સાફ કરવાનું ફરજિયાત રહેશે. ૪,૦૦૦ ચોરસ મીટર સુધીના પ્રોજેક્ટ માટે ૧૦૦ મીટર, ૪,૦૦૦થી ૧૦,૦૦૦ ચોરસ મીટર પ્રોજેક્ટ માટે ૨૦૦ મીટર અને ૧૦,૦૦૦ ચોરસ મીટ અને તેનાથી વધુ ક્ષેત્રફળના પ્રોજેક્ટ માટે બંને બાજુએ ૫૦૦ મીટર સુધીના રસ્તા સ્વચ્છ રાખવા પડશે.

કાટમાળ લઈ જનારાં વાહનો પર નિયંત્રણ આવશે
ક્ધસ્ટ્રકશન સાઈટ અને બાંધકામને તોડી પાડયા બાદ નીકળનારા કાટમાળ, કચરાનું વહન કરનારાં વાહનો સંપૂર્ણરીતે ઢાંકેલા હોવા આવશ્યક રહેશે. કાટમાળનું ટ્રાન્સપોર્ટેશન અને તેના નિકાલનું નિયંત્રણ મુંબઈ ડેબ્રીસ કંટ્રોલ ઍન્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. રેડી મિક્સ કૉંક્રીટ વાહનમાંથી રસ્તા પર કૉંક્રીટ અથવા અન્ય સામાન નીચે પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.


કચરો બાળનારાનું આવી બનશે
મુંબઈમાં ખૂલ્લી જગ્યા પર કચરો બાળીને પ્રદૂષણ ફેલાવનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવવાની છે. વોર્ડ સ્તરે માર્શલ્સ અને સીસીટીવી માધ્યમથી આવી ઘટનાઓને રોકવામાં આવશે. તેમ જ મુખ્ય રસ્તા અને ટ્રાફિક જૅમ થતા રસ્તા પર વિશેષ પીયૂસી તપાસની ઝુંબેશ અમલમાં મૂકવામાં આવશે. તેમ જ વાહનોથી ધુમાડો છોડીને પ્રદૂષણ કરનારા વાહન સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.


એક્યુઆઈ પર નજર રખાશે
વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું તો  તેની અસર હવાની ગુણવત્તા પર પડે છે. એટલે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)પર સતત નજર રાખીને પરિસ્થિતિ અનુસાર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અંતર્ગત ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે.  જે વિસ્તારમાં એક્યુઆઈ ૨૦૦ કરતાં વધુ જશે તે સંબંધિત વિસ્તારમાં સફાઈ પર અને આવશ્યકતા જણાઈ તો રસ્તા ધોવા અને પાણીના છંટકાવ પર તેમ જ મિસ્ટિગ પર અને ખુલ્લામાં કચરો બાળનારા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. કોઈ પણ સ્થળે સળંગ ત્રણ દિવસ એક્યુઆઈ ૩૦૦ કરતાં વધુ રહ્યો તો તે સ્થળના બે કિલોમીટરના પરિસરમાં પ્રદૂષણ નિર્માણ કરનારા કામ બંધ કરવામાં આવશે.