મુંબઈઃ મુંબઈના રસ્તાઓ પર દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાતા વાહનચાલકો અને રોજબરોજ પ્રવાસ કરનારા નાગરિકો માટે ઓક્ટોબર મહિનામાં સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઓગસ્ટ, 2024થી સમારકામ અને પુનઃનિર્માણ માટે બંધ રાખવામાં આવેલા શહેરના 3 અત્યંત મહત્વપૂર્ણ બ્રિજ ઓક્ટોબરમાં વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવશે.
સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અહીં ત્રણ જે મહત્વના બ્રિજની વાત કરીએ તો આ બ્રિજમાં સાયન રેલવે બ્રિજ, વિદ્યાવિહાર રેલવે ઓવરબ્રિજ (ROB) અને ગોરેગાંવ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. આ બ્રિજ શરૂ થવાથી પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચેનો મુસાફરી સમય સીધો 75 મિનિટથી ઘટીને માત્ર 25 મિનિટ થઈ જશે.
સાયન રેલવે બ્રિજ:
બ્રિટિશ કાળનો 112 વર્ષ જૂનો સાયન રેલવે બ્રિજ સુરક્ષાના કારણોસર ઓગસ્ટ, 2024થી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણો અને રેલવે બ્લોકના કારણે આ બ્રિજની કામગીરી અટકી પડી હતી અને બે વખત સમયમર્યાદા વધારવી પડી હતી. હવે તમામ અડચણો દૂર કરી 15મી ઓક્ટોબર સુધીમાં તેને ખુલ્લો મૂકવાનું આયોજન છે, જેનાથી સાયન સર્કલ, ધારાવી, એલબીએસ માર્ગ અને પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટીમાં થતી ભયંકર ટ્રાફિક સમસ્યા હળવી થશે.
વિદ્યાવિહાર રેલવે ઓવરબ્રિજ:
વિદ્યાવિહાર ખાતે છેલ્લા 8 વર્ષથી 178 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ ફોન-લેન (Four-Lane) રેલવે ઓવરબ્રિજનું કામ આખરે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ આરઓબીને કારણે ઘાટકોપર અને SCLR પર ટ્રાફિક ઘટશે, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બ્રિજ કાર્યરત થતાંની સાથે જ ઘાટકોપર, કુર્લા અને સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (SCLR) પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે અને મુંબઈગરાઓને એક નવો વૈકલ્પિક માર્ગ મળશે.
ગોરેગાંવ ફ્લાયઓવર:
દાદાસાહેબ ફાળકે ફિલ્મ સિટી કનેક્ટિવિટી: ગોરેગાંવમાં તૈયાર થયેલો 1.26 કિલોમીટર લાંબો આ ફ્લાયઓવર પશ્ચિમ એક્સપ્રેસ હાઇવેને સીધો દાદાસાહેબ ફાળકે ફિલ્મ સિટી (ચિત્રનગરી) પરિસર સાથે જોડશે. બ્રિજનું સિવિલ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં આ પુલનું વજન વહન ક્ષમતા પરીક્ષણ (Load Testing) કરવામાં આવશે અને ત્યારબાદ 15મી ઓક્ટોબર સુધીમાં તેને વાહનો માટે ખોલી દેવાશે. આ ફ્લાયઓવર શરૂ થવાથી પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો વચ્ચે પીક અવર્સમાં થતી 75 મિનિટની કંટાળાજનક મુસાફરી સીધી 25 મિનિટમાં પૂર્ણ થઈ જશે.