દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) અનંત ચતુર્દશીના પાવન અવસરે મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' (Lalbaugcha Raja)ના દર્શને પહોંચ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ અંબાણી પરિવારે બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ આશીર્વાદ લીધા હતા. આ સમયના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
જોકે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો વચ્ચે નેટિઝન્સનું સૌથી વધુ ધ્યાન તેમની વહાલી પૌત્રી આદિયાએ ખેંચ્યું હતું. આદિયા અને અનંત અંબાણીની મીઠડી નોકઝોક નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. મુકેશ અને નીતા અંબાણી પોતાની પૌત્રી સાથે બાપ્પાના પંડાલમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ શ્રદ્ધાભાવથી વિસર્જન પૂર્વે ગણેશજીની આરતી અને પૂજા-અર્ચના કરી હતી. આ પારિવારિક દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
લાલબાગચા રાજાના પંડાલમાં દર્શન દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પૌત્રી આદિયાનો હાથ પકડીને તેને બાપ્પાના આશીર્વાદ અપાવતા જોવા મળ્યા હતા. અંબાણી દંપતીએ લાલબાગચા રાજાના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા હતા અને વિસર્જન પૂર્વે સમગ્ર પરિવાર તથા દેશની સુખ-સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
વાત કરીએ નીતા અંબાણીના ટ્રેડિશનલ લૂકની તો નીતા અંબાણી પારંપરિક અને ભવ્ય એથનિક પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા, જેમાં તેમની સાદગી અને આધ્યાત્મિક ભાવ સ્પષ્ટ છલકાતો હતો. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી હંમેશની જેમ પરંપરાગત વ્હાઈટ કુર્તા-પાયજામામાં અત્યંત સરળ લુકમાં બાપ્પાના દરબારમાં પહોંચ્યા હતા. નાનકડી આદિયા પણ સુંદર પરંપરાગત આઉટફિટમાં જોવા મળી હતી, જેની માસૂમિયત અને ક્યૂટનેસ પર ફેન્સ ઓવારી ગયા હતા.
પંડાલમાંથી સામે આવેલા વીડિયોમાં અંબાણી પરિવારની સાદગી અને ધાર્મિક આસ્થાની પ્રશંસા થઈ રહી છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન માટે બોલિવૂડ સિતારાઓ, રાજકારણીઓ અને દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉમટી પડ્યા હતા, જેમાં અંબાણી પરિવારની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી.