લંડન/મુંબઈ: બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર વાશુ ભગનાની લંડનમાંથી હોસ્પિટલમાં દાખલ થયાના અહેવાલ છે. હાલમાં જ આવકવેરા (I-T) વિભાગ દ્વારા મુંબઈ અને અન્ય સ્થળોએ ફિલ્મ પ્રોજેક્ટ્સ તથા વિદેશી ફંડિંગને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા, જેની વચ્ચે તેમની તબિયત બગડવાની ચર્ચાએ જોર પકડ્યું છે
જોકે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનું ચોક્કસ કારણ કે તેમની હાલની તબિયત અંગે સત્તાવાર માહિતી મળી નથી. વાશુ ભગનાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમણે વધુ વિગતો આપ્યા વિના તેમની તબિયત સુધારે એની રાહ જોવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં એડમિટ
વાશુ ભગનાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની આ ખબર એવા સમયે સામે આવી છે, જ્યારે આવકવેરા વિભાગની કાર્યવાહી પણ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે વિદેશમાં કથિત રીતે નાણાં મોકલવા અને ફંડિંગમાં ગેરરીતિની આશંકાને પગલે આવકવેરા વિભાગે રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જોડાયેલા સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જોકે, હોસ્પિટલમાં દાખલ થવા અને આ તપાસ વચ્ચે કોઈ સીધો સંબંધ સત્તાવાર રીતે સ્થાપિત થયો નથી.
12 જગ્યા પર 'રેડ' પાડી
મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગે મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા નાણાકીય દસ્તાવેજો, રેકોર્ડ અને કથિત વિદેશી વ્યવહારો સાથે સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસનો હેતુ ફિલ્મના શૂટિંગ, વિદેશી વિતરણ અને પ્રોડક્શન સંબંધિત નાણાકીય વ્યવહારોની વિગતો સમજવાનો હોવાનું જણાવાયું હતું.
કોણ છે વાશુ ભગનાની?
વાશુ ભગનાની બોલીવુડના જાણીતા નિર્માતાઓમાં સામેલ છે. તેમણે 1995માં પૂજા એન્ટરટેઇનમેન્ટની શરૂઆત કરી હતી અને એ જ વર્ષે ગોવિંદાની ફિલ્મ ‘કુલી નંબર 1’થી નિર્માતા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે ‘હીરો નંબર 1’, ‘બીવી નંબર 1’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘રહના હૈ તેરે દિલ મેં’ જેવી ફિલ્મો બનાવી હતી.
પૂજા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ વાશુ ભગનાનીએ ‘સરબજીત’, ‘બેલ બોટમ’ અને 2024માં આવેલી અક્ષય કુમાર તથા ટાઇગર શ્રોફ અભિનીત ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું. હવે પ્રોડક્શન હાઉસની જવાબદારી તેમના પુત્ર જેકી ભગનાની સંભાળી રહ્યા છે.