(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સ્થાનિકમાં ખાંડનો પુરવઠો વધારવા અને ભાવ અંકુશમાં રાખવા માટે સરકારે 10 લાખ ટન ખાંડની આયાતની મંજૂરી આપ્યા બાદ દેશમાં ખાંડનાં ઉત્પાદક રાજ્યોમાં એક્સ મિલ ધોરણે ભાવમાં સતત પીછેહઠ જોવા મળી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે હાજરમાં ખાંડના ભાવમાં વધુ ક્વિન્ટલે રૂ. 152થી 262નો અને નાકા ડિલિવરી ધોરણે ક્વિન્ટલે રૂ. 300થી 400નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતા આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 222 અને ઉપલા મથાળેથી રૂ. 152ના ઘટાડા સાથે રૂ. 5470થી 5700માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 220થી 262ના ઘટાડા સાથે રૂ. 5600થી 5850માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરના નિરુત્સાહી અહેવાલે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 300ના ઘટાડા સાથે રૂ. 5300થી 5350માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 300થી 400ના ઘટાડા સાથે રૂ. 5400થી 5500માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.