મુંબઈઃ વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળામાં સિંગાપોરનાં પ્રવાસન ક્ષેત્ર માટે ભારતનું સ્થાન મહત્ત્વના બજાર તરીકે જળવાઈ રહ્યું હતું અને જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળામાં સિંગાપોરની મુલાકાત લેનાર ભારતીયોની સંખ્યા છ લાખ કરતાં વધુ રહી હોવાનું સિંગાપોર ટુરિઝમ બોર્ડે જણાવ્યું હતું.
તાજેતરમાં વૈશ્વિક પડકારોના સમયગાળામાં પ્રવાસન ઉદ્યોગને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને ધ્યાનમાં લેતા ભારતનું સાતત્યભર્યું પ્રદર્શન અર્થપૂર્ણ છે. ભારતીય પ્રવાસીઓ, અમારા એરલાઈન્સ ભાગીદારો અને વર્ષોના ટ્રાવેલ વેપાર અમારા મજબૂત સંબંધોનો પુરાવો છે, એમ સિંગાપોર ટુરિઝમ બોર્ડના ભારત, મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકા વિભાગના પ્રાદેશિક ડિરેક્ટર માર્કસ ટેને જણાવ્યું હતું.
બોર્ડની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં ખર્ચની દૃષ્ટિએ પણ ભારતીય મુલાકાતીઓ મોખરે રહ્યા હતા અને 27.4 કરોડ સિંગાપોર ડૉલરનો ખર્ચ કર્યો હતો. એકંદરે વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળામાં સિંગાપોરમાં મુલાકાતીઓની સંખ્યા 81.9 લાખની રહી હતી.
વધુમાં સિંગાપોરને સુલભ અને આકર્ષક રાખવા માટે તેના ભાગીદારો સાથે નિકટતાથી કાર્ય કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રખાશે અને સાથે સાથે ગુણવત્તાયુક્ત મુસાફરીને આગળ ધપાવીને પ્રવાસન ક્ષેત્રને લાંબાગાળા માટે વધુ સઘન બનાવાશે, એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ 2025માં સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની સંખ્યા 1.69 કરોડ સુધી પહોંચી હતી જેમાં ચીની મુલાકાતીઓની સંખ્યા 31 લાખની, ઈન્ડોનેશિયાના મુલાકાતીઓની સંખ્યા 24 લાખ, મલયેશિયાના મુલાકાતીઓની સંખ્યા 13 લાખ, ઑસ્ટ્રેલિયન મુલાકાતીઓની સંખ્યા 13 લાખ અને ભારત 12 લાખ મુલાકાતીઓની સંખ્યા સાથે પાંચમું સ્થાન ધરાવતું હતું.
બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે ભારત એક મુખ્ય વિકસતી બજાર હોવાથી તે સિંગાપોરના આકર્ષણને મજબૂત કરવા અને ભારતમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રવાસનને આગળ વધારવા માટે મુસાફરી, ઉડ્ડયન અને વ્યવસાયીક કાર્યક્રમોમાં સહયોગનો વિસ્તાર કરી રહ્યું છે.