Mon Aug 17 2026

Logo

મહારાષ્ટ્રમાં 5 મહિનામાં ₹ 30 કરોડની વીજળી ચોરાઈ, 19,599 કેસ ઝડપાયા

2026-08-17 20:53:00
Author: Mumbai Samachar Team
Article Image

મહારાષ્ટ્રમાં વીજ ચોરી કરનારાઓ વિરુદ્ધ એમએસઈડીસીએલની લાલ આંખ 

મુંબઈ: મહારાષ્ટ્રમાં વીજ ચોરી સામે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એટલે કે એમએસઈડીસીએલ)એ હવે લાલ આંખ કરી છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ઘરેલું, વ્યાવસાયિક, ઔદ્યોગિક અને અન્ય કેટેગરીના ગ્રાહકોમાં વીજ ચોરીના કુલ 19,599 કેસ ઝડપાયા છે. આ પૈકી માત્ર જુલાઈ મહિનામાં જ 11,032 કેસ સામે આવ્યા છે, જે રાજ્યમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે થઈ રહ્યું હોવાનો અધિકારીએ સંકેત આપ્યો હતો.

કુલ કેસમાં 30.36 કરોડની વીજળીની ચોરી નોંધાઈ

એમએસઈડીસીએલના જણાવ્યા અનુસાર, એપ્રિલથી હાથ ધરાયેલા તપાસ અભિયાન દરમિયાન વીજ લાઈનમાં સીધું હૂકિંગ કરવાના અથવા વીજ મીટર સાથે ચેડાં કરવાના 15,965 કેસ મળી આવ્યા છે. આ કેસોમાં અંદાજે ₹ 30.36 કરોડની વીજળીની ચોરી નોંધાઈ છે. જ્યારે અન્ય 3,634 કેસમાં વીજ ચોરીનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.

છત્રપતિ સંભાજી નગર, નાગપુરમાં સૌથી વધુ ચોરી

વીજ વિતરણ અને વ્યાવસાયિક નુકસાન ઘટાડવાના હેતુથી એપ્રિલમાં આ વિશેષ વીજ ચોરી વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ વીજ ચોરીના કેસ કોંકણ વિસ્તારમાંથી સામે આવ્યા છે. અહીં કુલ 7,496 કેસ નોંધાયા છે. ત્યાર બાદ છત્રપતિ સંભાજીનગર વિસ્તારમાં 4,597, નાગપુર વિસ્તારમાં 4,521 અને પુણે વિસ્તારમાં 2,985 કેસ ઝડપાયા છે.

4,959 કેસમાં સમાધાન ચાર્જ તરીકે ₹1.85 કરોડની વસૂલાત કરી

મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં જે કેસનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે તેમાં એમએસઈડીસીએલ દ્વારા વીજ ચોરીના કુલ ₹ 30.36 કરોડના બિલ જારી કરવામાં આવ્યા છે. તેમાંથી આશરે 6,629 ગ્રાહકોએ ₹ 14.12 કરોડની રકમ ચૂકવી દીધી છે. 
આ ઉપરાંત વીજ ચોરીના કેસોમાં દંડ અને સમાધાન સંબંધિત ચાર્જ પણ વસૂલવામાં આવી રહ્યા છે. એમએસઈડીસીએલએ અત્યાર સુધીમાં 4,959 કેસમાં સમાધાન ચાર્જ તરીકે ₹1.85 કરોડની વસૂલાત કરી છે. કંપની દ્વારા વીજ ચોરી સામેની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે અને બાકી કેસોમાં મૂલ્યાંકન તથા દંડની ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ગેરકાયદે હૂકિંગ અને મીટર સાથે ચેડાં કરીને વીજ ચોરીનું પ્રમાણ વધુ

જુલાઈ મહિનામાં એમએસઈડીસીએલએ મેદાની તપાસ વધુ સઘન બનાવી હતી. આ દરમિયાન ગેરકાયદે હૂકિંગ અને મીટર સાથે ચેડાં કરીને વીજ ચોરીના 11,032 નવા કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 8,462 કેસમાં તપાસ અને મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે અને ₹ 15.11 કરોડની વીજ ચોરી સામે આવી છે. 
સંબંધિત ગ્રાહકોને વીજ ચોરીના બિલ પણ જારી કરવામાં આવ્યા છે. જુલાઈમાં ઝડપાયેલા કેસોમાંથી 3,036 ગ્રાહકોએ અત્યાર સુધીમાં ₹6.22 કરોડની રકમ ચૂકવી છે. બાકીના કેસોમાં વીજ ચોરીનું મૂલ્યાંકન અને દંડની ગણતરી હજુ ચાલી રહી છે.જુલાઈમાં વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો કોંકણમાં સૌથી વધુ 4,084 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. છત્રપતિ સંભાજીનગરમાં 2,365, નાગપુરમાં 2,324 અને પુણેમાં 2,259 કેસ નોંધાયા હતા.

વીજ અધિનિયમ, 2003ની કલમ 135 હેઠળ કાર્યવાહી થઈ શકે

એમએસઈડીસીએલના મેનેજિંગ ડિરેક્ટર લોકેશ ચંદ્રાએ ચેતવણી આપી છે કે વીજ ચોરીના મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવેલી રકમ અને દંડ નિર્ધારિત સમયમર્યાદામાં નહીં ભરનાર ગ્રાહકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. વીજ ચોરીના મામલામાં વીજળી અધિનિયમ, 2003ની કલમ 135 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ હેઠળ વીજ ચોરી સાબિત થાય તો દંડ ઉપરાંત ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

એમએસઈડીસીએલ દ્વારા ડિસ્કનેક્ટ કરવામાં આવેલા વીજ જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક ડિફોલ્ટર ગ્રાહકો અન્ય સ્થળેથી ગેરકાયદે રીતે વીજળી મેળવી રહ્યા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આવા કિસ્સાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યમાં વીજ ચોરીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને એમએસઈડીસીએલનું આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. વીજ ચોરીને કારણે વીજ વિતરણ કંપનીને થતું નુકસાન ઘટાડવા ઉપરાંત કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરતા ગ્રાહકો પર વધારાનો બોજ ન આવે તે માટે પણ આવી કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે.