Thu Oct 15 2026

Logo

લાંચના કેસમાં ભૂતપૂર્વ સબ-રજિસ્ટ્રાર, ક્લર્ક અને સ્ટૅમ્પ વિક્રેતાને બે વર્ષની કેદ

2026-09-09 18:47:31
Author: Yogesh C. Patel
લાંચના કેસમાં ભૂતપૂર્વ સબ-રજિસ્ટ્રાર, ક્લર્ક અને સ્ટૅમ્પ વિક્રેતાને બે વર્ષની કેદ

લાતુર: જમીન પ્રકરણમાં પચીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારવાના કેસમાં લાતુરની સેશન્સ કોર્ટે ભૂતપૂર્વ સબ-રજિસ્ટ્રાર, જુનિયર ક્લર્ક અને ખાનગી સ્ટૅમ્પ વિક્રેતાને બે વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજે સોમવારે આપેલા ચુકાદામાં ત્રણેય આરોપીને દસ-દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.ફરિયાદ પક્ષ અનુસાર ઔસા તહેસીલના શિંદાલા ગામમાં રહેતા ફરિયાદીએ જાન્યુઆરી, 2015માં કૃષિલક્ષી જમીન ખરીદી હતી અને રજિસ્ટર્ડ કરાવી હતી. આ માટે સ્ટેમ્પ ડ્યુટી પૂરી ભરી હોવા છતાં ઔસાના તે સમયના સબ-રજિસ્ટ્રાર અશોક પોમાજી બોરવકે (47)એ રજિસ્ટર કરાવેલા ઑરિજિનલ દસ્તાવેજો સુપરત કરવા માટે પચીસ હજાર રૂપિયાની કથિત માગણી કરી હતી.

જોકે આ બોરવકેએ આ રકમ જુનિયર ક્લર્ક રાજેન્દ્રકુમાર નાનારાવ પાટીલ (40) અને ખાનગી સ્ટૅમ્પ વિક્રેતા નીતિન લક્ષ્મીકાંતરાવ અપસિંગેકર (45) મારફત સ્વીકારી હતી, એવું ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું.ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. અધિકારીઓએ તપાસ બાદ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કોર્ટે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ત્રણેય આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા. (પીટીઆઈ)