Thu Oct 01 2026

Logo

જુનિયર હૉકીમાં મેન્સ અને વિમેન્સ, બન્ને ભારતીય ટીમ સાત-સાત ગોલ કરીને વિજયી, ટાઇટલથી બહુ દૂર નથી

Mouqi   2026-09-08 17:19:00
Author: Ajay Motiwala
જુનિયર હૉકીમાં મેન્સ અને વિમેન્સ, બન્ને ભારતીય ટીમ સાત-સાત ગોલ કરીને વિજયી, ટાઇટલથી બહુ દૂર નથી

મૉકી (ચીન): અહીં જુનિયર એશિયા કપ હૉકી (Hockey)માં ભારતના ખેલાડીઓ એક પછી એક મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યા છે અને એક સાથે બે ટાઇટલ જીતી શકે એમ છે, કારણકે ભારતના પુરુષોની ટીમ સેમિ ફાઇનલની લગોલગ પહોંચી ગઈ છે અને મહિલાઓની ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

મંગળવારે મેન્સ જુનિયર એશિયા કપ (Asia Cup)ના લીગ મુકાબલામાં ભારતે સાઉથ કોરિયાને 7-3થી હરાવી દીધું હતું, જ્યારે મહિલા વર્ગમાં જાપાન સામે ભારતનો 7-0થી શાનદાર વિજય થયો હતો.

સાઉથ કોરિયા સામેની મૅચમાં ભારતનો પર્ફોર્મન્સ શરૂઆતથી માંડીને મોટા ભાગના સમય સુધી સંતુલિત હતો, પરંતુ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે છેલ્લાં ક્વૉર્ટરમાં ત્રણ ગોલ કરીને બાજી પલટી નાખી હતી અને વિજય નિશ્ચિત કર્યો હતો. ભારત વતી કૅપ્ટન અનમોલ એક્કાએ બે ગોલ કર્યા હતા. ત્રણ મૅચ રમ્યા બાદ ભારતના સાત પૉઇન્ટ છે. હવે બુધવારે છેલ્લી લીગ મૅચમાં તાઇપેઇને હરાવીને ભારત સેમિ ફાઇનલમાં સ્થાન પાક્કું કરી શકશે.

મહિલા વર્ગમાં કોરિયા સામે 4-1થી અને મલયેશિયા સામે 11-1થી જીતનાર ભારત નવ પૉઇન્ટ સાથે એલીટ પૂલમાં મોખરાનું સ્થાને છે. બુધવારે ચીન સામે મુકાબલો થાય એ પહેલાં ભારતે જાપાનને 7-0થી જીતીને ચીનની ટીમે પોતાની તાકાત વિશે ચેતવી દીધી હતી. મંગળવારે જાપાન સામે ભારત વતી ક્રિષ્ના શર્મા, સુપ્રિયા, પુર્ણિમા યાદવ અને ગીતા યાદવે એક-એક ગોલ કરીને ભારતને 4-0ની સરસાઈમાં મૂક્યું હતું. ગીતા અને પૂર્ણિમાએ વધુ એક-એક ગોલ કરીને 6-0ની કરી હતી અને 50મી મિનિટમાં સનિકા ચંદ્રકાન્ત માનેએ પણ ગોલ કરીને જાપાનના નામે શર્મનાક પરાજય લખાવવામાં યોગદાન આપ્યું હતું.