કૌશિક મહેતા
ડિયર હની,
વહુ સાસરે આવે ત્યારે એની પરીક્ષા કરવામાં આવે છે. આવો રિવાજ છે. એ રિવાજ એટલે નવી વહુ સાસરે પહેલા દિવસે લાપસી રાંધે.
લાપસી એ પવિત્ર અને સાત્ત્વિક પ્રસાદ ગણાય છે. નવું જીવન શરૂ કરતી વખતે ઘરમાં મીઠાશ અને સકારાત્મકતા આવે તે માટે લાપસીનું આગમન શુભ શુકન ગણવામાં આવે છે. એક લોકગીત પણ છે કે
પહેલે જ દિને રસોડે મારે લાપસીનો ભાર,
અજાણ્યું રસોડું ને અજાણ્યો સંસાર રે...
સાસુજી ઊભાં ઓસરીએ, નણંદલ જોતી વાટ,
કેવી રીતે પાર ઊતરું, આ તો અગ્નિપરીક્ષાની વાટ રે!
ઘી, ઘઉંના ફાડા અને ગોળથી બનતી લાપસી સમૃદ્ધિ,અન્ન અને લક્ષ્મીનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં કાયમ અન્ન-ભંડાર ભરેલા રહે છે. આમ તો આ પરંપરા માત્ર એક રિવાજ નથી, પરંતુ નવા પરિવારમાં સદ્ભાવ, મીઠાશ અને સ્નેહના સેતુ બાંધવાની એક સુંદર રીત છે, પરંતુ વાસ્તવમાં તે ઘણીવાર નવી વહુ માટે અજાણતાં જ એક મોટી માનસિક ‘પરીક્ષા’ બની જાય છે, કારણ કે દરેક ઘરના રસોડાની ગોઠવણ, વાસણો, મસાલા મૂકવાની જગ્યા અને ગૅસની આંચ અલગ હોય છે. લગ્નના થાક વચ્ચે, પહેલા જ દિવસે આ તદ્દન નવા માહોલમાં કામ કરવું કોઈ પણ માટે તણાવપૂર્ણ હોઈ શકે છે.
લાપસી બનાવવી એ એક કળા છે. તેમાં પાણી, ગોળ, ફાડા અને ઘીનું પ્રમાણ સચોટ હોવું જરૂરી છે. જો લાપસી છૂટી ન પડે, ચીકણી થઈ જાય કે કાચી રહી જાય તો સીધું જ વહુની ‘રસોઈ આવડત’ પર અનુમાન લગાવવામાં આવે છે.
વળી, સાસરીમાં સૌને સાસુના કે ઘરના જૂના સભ્યોના હાથના સ્વાદની ટેવ હોય છે. નવી વહુની લાપસીની સરખામણી, જાણ્યે-અજાણ્યે, તે જૂના અને પરિચિત સ્વાદ સાથે થવા લાગે છે. ઘણીવાર ઘરમાં અન્ય મહેમાનો કે સગાંવહાલાં પણ હાજર હોય છે જે ‘વહુના હાથનો સ્વાદ’ કેવો છે તે જોવા ઉત્સુક હોય છે. આ સ્થિતિ નવી વહુ માટે કોઈ પ્રૅક્ટિકલ એક્ઝામ આપવા જેવી ગભરામણ ઊભી કરે છે.
જોકે હવે ધીમે ધીમે સમાજમાં બદલાવ આવી રહ્યો છે. સમજદાર અને પ્રેમાળ પરિવારો હવે આ રિવાજને માત્ર એક ‘શુકન’ પૂરતો જ સીમિત રાખે છે. નવી વહુને એકલી મૂકી દેવાને બદલે સાસુ કે નણંદ તેની સાથે ઊભા રહીને હળવાશથી મદદ કરે છે.
સાચો આવકાર એ જ છે, જેમાં નવી વહુને ભૂલ કરવાની છૂટ હોય અને તેના પ્રયાસને પ્રેમથી સ્વીકારવામાં આવે, નહીં કે પહેલા જ દિવસે તેની કસોટી કરવામાં આવે. એક પરિવાર તરીકે આવો ટેકો જ તેના નવા જીવનની સાચી અને મીઠી શરૂઆત કરાવી શકે છે.
સમય મુજબ પરિવર્તન આવ્યું છે પણ કોઈ ને કોઈ પ્રકારે આ નિયમ જોવા તો મળે છે. આપણા જ ઘરનો પ્રસંગ છે. નવી વહુ આવી અને બીજા ત્રીજા દિવસે એ ઘરમાં ઢોસા બનાવાયા હતા. ઢોસા બધાને આવડતા નથી હોતા. સાસુએ ઢોસા ઉતારવાનું શરૂ કર્યું અને પછી આવ્યો વહુનો વારો. અને એય ઢોસા બનાવવા લાગી અને સાસુ કરતાં વધુ સારા ઢોસા બનાવ્યા ને વહુની વાહવાહી થઈ. એ સાસુને ગમ્યું નહોતું.
આપણા એક મિત્રના ઘરની વાત. લગ્ન હતાં દીકરાનાં. આ પરિવાર ચુસ્ત જૈન. ઘરમાં કોઈ કંદમૂળ ના ખાય અને વહુ બધું ખાતી. એણે ઘરમાં આવી ઘરની એ પરંપરા તો નિભાવી એટલું જ નહીં, કંદમૂળથી બનતી બધી વાનગીઓ કંદમૂળ વિના બનાવી અને એય સ્વાદિષ્ટ. જો નવી વહુને એની રીતે કામ કરવાની છૂટ મળે તો એનાં સારાં પરિણામ મળે જ છે. સમસ્યા એ છે કે સાસુ એમ વહુને રસોડું સોંપતી નથી. સાસુની ખુદની સાસુએ પણ એવો જ વ્યવહાર કર્યો હોય છે એ ભાર અજાણતાં પણ એના માથા પર હોય છે. પરિણામે એ વહુ સાથે એવો વ્યવહાર કરે છે.
ઘણી વહુ ગભરાઈ જાય છે. નવું ઘર અને એની રીતભાત અપનાવતાં વાર તો લાગે, પણ નવી વહુ એની જે રીતભાત હોય એ નવા ઘરમાં અપનાવે તો વાંધો શું? આ મુદે પણ ટસલ થતી હોય છે.
હમણાં આપણે બહારગામ પિતરાઈના ઘેર રોકાયેલા.
પિતરાઈની પત્ની રસોઈમાં પારંગત, પણ કોઈ મહેમાન આવે તો એના મનમાં ફડકો હોય કે બધું સારું બનશે કે નહીં. અને એમાં કોઈ વાર વાનગી બગડી પણ જાય. પછી એ અફસોસ કરે કે ‘મારી રસોઈ બરાબર ના થઈ...’ આવો ફડકો શા માટે? ઘરનું વાતાવરણ જ એવું હોવું જોઈએ કે કોઈ કામ બરાબર ના થાય તો એનો ડર ના હોવો જોઈએ. તારે પણ ઘણીવાર એવું બને છે તો ઘરના બધા એ વાત તરફ ધ્યાન દોરે છે, પણ ડરનો માહોલ નથી હોતો. દરેક વેળા સારી રસોઈ બને જ એવું જરૂરી નથી... વિરાટ દર વખતે સેન્ચુરી ન પણ ફટકારી શકે!
વહુ રસોઈ કલામાં પારંગત હોવી જ જોઈએ એવો આગ્રહ શાનો? જોકે હવે આવી માનસિકતા ધીરેધીરે બદલાઈ રહી છે, છતાં હજુય જોવા તો મળે છે ખરી. આ દૃશ્ય ઝડપથી બદલાવું જોઈએ.
તારો બન્ની