Wed Oct 14 2026

Logo

માઈભક્તો માટે મોટા સમાચાર: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મંદિરે આટલા મીટરથી મોટી ધજા નહીં ચઢે!

2026-09-10 09:49:00
Author: Mayur Patel
માઈભક્તો માટે મોટા સમાચાર: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મંદિરે આટલા મીટરથી મોટી ધજા નહીં ચઢે!

અંબાજીઃ ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાંથી અનેક સંઘો પગપાળા અંબાજી યાત્રાનો આરંભ કરે છે. માઈ ભક્તોમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું ખૂબ મહત્વ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો 20 સપ્ટેમ્બર 2026 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે.  ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને નોંધાયેલા 1600થી વધારે સંઘો તેમજ વગર નોંધાયેલા લાખો પદયાત્રા સંઘો અંબાજી ખાતે માતાજીની ધજા લઈ નીકળવાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ધજાઓને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અંબાજી મંદિરના શિખરે માત્ર 5 મીટરની ધજા જ ચઢાવવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે.

5 મીટરથી લાંબી ધજા હશે તો શું થશે

તંત્ર દ્વારા જણાવાયું છે કે, જે સંઘો 5 મીટરથી લાંબી ધજા લઈને આવશે તેને મંદિરના શિખર પર ચઢાવવાના બદલે માતાજીના મંદિરમાં મૂકાશે અને 5 મીટર ની પૂજા મંદિર ટ્રસ્ટ પાસેથી મેળવવાની રહેશે. આ ઉપરાંત પગપાળા સંઘો માતાજીના રથ અને માંડવીઓ લઈને પણ મંદિર સુધી પહોંચતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલી કોરિડોરની કામગીરીના કારણે પદયાત્રીઓને સાથે લાવેલા રથ તથા માંડવી તેમના ઉતારા પર જ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય

ધજા ચઢાવવાની લંબાઈ મર્યાદિત કરવા પાછળ મુખ્ય કારણ શિખર અને ધજા દંડની સુરક્ષા તેમજ દર્શનાર્થીઓની સલામતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ લાંબી ધજાઓના કારણે શિખર પર વધારાનો ભાર અને સુરક્ષાને લગતી ચિંતા ઉભી થતી હતી. મંદિર ટ્રસ્ટે સુરક્ષા અને ધાર્મિક પરંપરા બંનેને ધ્યાનમાં રાખીને ધજાની મહત્તમ લંબાઈ 5 મીટર નક્કી કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધજાનો 5 મીટરનો નિર્ણય છ મહિના અગાઉ જ લઈ લેવાયો હતો. પરંતુ ભાદરવી મહામેળામાં ભક્તોને અગવડતા ન પડે અને પોતાના ગામથી લાવેલી ધજા મંદિર શિખર ઉપર ચડે તે માટે તમામ સંધો અને ભક્તોને 5 મીટરની ધજા લઈને જ આવવા અપીલ કરવામાં આવી હતી.

ડ્રોન શો અને રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે

ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આકાશમાં આધુનિક ડ્રોન શોની ભવ્યતા અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી ધામ અત્યારથી જ ભક્તિમય માહોલમાં રંગાયું છે. વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પૌરાણિક ગ્રંથ 'માર્કંડેય પુરાણ' અને 'શ્રીદુર્ગા સપ્તશતી'માં અંબાજી શક્તિપીઠનો મહિમા સદીઓથી વર્ણવવામાં આવ્યો છે. 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ તરીકે પૂજાતા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.