નવી દિલ્હીઃ એશિયન ગેમ્સનું આયોજન કરી રહેલા જાપાનના આઇચી-નાગોયામાં સ્પર્ધાના માત્ર ૧૦ દિવસ પહેલા રેકોર્ડ વરસાદ પડવાથી મુશ્કેલીઓ સર્જાઇ છે. ૮ સપ્ટેમ્બરના મધ્ય જાપાની શહેરના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાથી ડઝનબંધ રસ્તાઓ અને ઘરો ડૂબી ગયા હતા. તેમજ બસ અને મેટ્રો સેવાઓ પણ કામચલાઉ ખોરવાઇ હતી. પરિણામે આશરે ૩,૫૦૦ લોકોને કટોકટી રાહત કેન્દ્રોમાં આશરો લેવાની ફરજ પડી હતી.
નાગોયાના મેયર ઇચિરો હિરોસાવાએ જણાવ્યું કે શહેરમાં પહેલાથી જ આવી પહોંચેલા ૪૦૦ રમતવીરો અને અધિકારીઓને અસ્થાયી રીતે સુરક્ષિત ઊંચાણવાળા સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
જાપાની મીડિયા દ્વારા પ્રસારિત ફૂટેજમાં જળમગ્ન રસ્તાઓ અને મેટ્રો સ્ટેશન સહિત સમગ્ર શહેરમાં વ્યાપક પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. છતમાંથી પાણી ટપકવાની ઘટનાઓ પણ બની છે, પરંતુ એશિયન ગેમ્સના ડઝનબંધ સ્થળોને કોઇ ગંભીર નુકસાન થયું ન હોવાનું મેયર હિરોસાવાએ સ્પષ્ટ કર્યું હતું.
હિરોસાવાએ જણાવ્યું કે અમે સ્થળોની સ્થિતિ અંગે ચિંતિત નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે કે એશિયન ગેમ્સનું આયોજન યોજના મુજબ યોજવામાં કોઇ સમસ્યા આવશે નહીં. અત્રે એ નોંધનીય છે કે એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન ૧૯ સપ્ટેમ્બરના રોજ નાગોયા અને આસપાસના વિસ્તારોમાં થશે. આ રમત સ્પર્ધા ૪ ઓક્ટોબર સુધી ચાલશે.