કીવઃ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી મોલ્દોવાતી ઉડાન ભરી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન એક ડ્રોનની અડફેટે આવતા સહેજમાં બચ્યું હતું. જોનાસ ગારે જણાવ્યું કે, તેઓ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી મોડી રાત સુધી સાથે હતા. બંનેએ યુક્રેનની હવાઈ સુરક્ષાને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. સ્ટોરે કહ્યું કે યુક્રેનમાં સતત થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી બચવા માટે હવાઈ સુરક્ષા જરૂરી છે.
આ પરાંત જોનાસ ગારે કહ્યું, હું અને ઝેલેન્સકી મોડી રાત સુધી સાથે હતા. અમે યુક્રેનને હવાઈ સુરક્ષા પૂરી પાડવામાં કેવી રીતે મદદ કરી શકાય તે અંગે ચર્ચા કરતા હતા.. યુક્રેનમાં જે ભયાનક ઘટનાઓ બની રહી છે તેનાથી બચવા માટે આ જરૂરી છે. તેઓ સવારે મારી ઑફિસમાં પણ આવ્યા હતા. તે સમયે તેઓ ફોન પર સતત માહિતી મેળવી રહ્યા હતા કે મિસાઇલે ક્યાં હુમલો કર્યો છે. યુક્રેન પોતે એર ડિફેન્સ સિસ્ટમ બનાવી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ઝેલેન્સકી મોલ્દોવાથી ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે તેમનું વિમાન ડ્રોનની અડફેટમાં આવતા માંડ-માંડ બચ્યું હતું. વડાપ્રધાન સ્ટોરે આગળ કહ્યું, ઝેલેન્સકીને સમર્થન મેળવવા માટે અલગ-અલગ દેશોનો પ્રવાસ કરવો પડી રહ્યો છે. હવે તેઓ કેનેડા જઈ રહ્યા છે. અહીં અમારી વચ્ચે બે સારી બેઠકો થઈ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને મેં પણ મારી ઑફિસમાં ઝેલેન્સકી સાથે અલગથી બેઠક કરી હતી.
રશિયા-યુક્રેન વાટાઘાટો ફરી શરૂ થઈ શકે છે: માર્કો રુબિયો
બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં આગળનો રસ્તો નક્કી કરવાનો પ્રયાસ થઈ શકે છે. આ બાબત કિવ અને મોસ્કોમાં થયેલી વાતચીત બાદ સામે આવી છે.
રુબિયોએ શું આશા વ્યક્ત કરી?
રુબિયોએ રાજદ્વારી પ્રયાસોને લઈને સાવધાનીપૂર્વક પોતાની વાત રજૂ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ છે. રુબિયોએ કોલંબિયાના બેરનક્વિલામાં જણાવ્યું હતું કે, હું જરૂર કરતાં વધુ આશા રાખવા માંગતો નથી, પરંતુ હું નિરાશ પણ નથી. તેમણે કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં આગળનો માર્ગ તૈયાર કરવાની તક છે. તેનાથી વાતચીત ફરી શરૂ થઈ શકે છે અને કદાચ બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવા સમાધાન સુધી પહોંચવાનો પ્રયાસ પણ થઈ શકે છે.