Mon Oct 05 2026

Logo

રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 409નો અને ચાંદીમાં રૂ. 1423નો સુધારો

2026-09-09 20:02:32
Author: Ramesh Gohil
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 409નો અને ચાંદીમાં રૂ. 1423નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના વધેલા ભાવ અને તેને કારણે ફુગાવામાં વધારાની ચિંતા ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ તેમ જ અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાનાં ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોના-ચાંદીમાં સાવચેતીનું વલણ અપનાવતા આજે ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, આજે ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 34 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 407થી 409નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1423નો વધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1423 વધીને રૂ. 2,35,249ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં રૂપિયો નબળો પડતાં હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 407 વધીને રૂ. 1,52,871 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 409 વધીને રૂ. 1,53,486ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4385.09 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 4430.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 66.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે સોનાના ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હોવાનું સ્ટોન એક્સનાં માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવિલોનીસે જણાવતાં ઉમેર્યું હતું કે યમન સમર્થક હુતીઓએ સઉદીની એનર્જી સુવિધાઓ પર હુમલો કર્યાનાં અહેવાલ અને અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપતા વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવે બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવતા ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવી હતી. 

બજારે અમેરિકાનાં પ્રોત્સાહક જોબ ડેટા પચાવી લીધા છે. હવે બજાર વર્તુળોની નજર અમેરિકાનાં જાહેર થનારા ઑગસ્ટ મહિનાના ક્નઝ્યુમર અને પ્રોડ્યુસર ડેટા પર સ્થિર થઈ છે.  પરંતુ ક્રૂડતેલના ભાવવધારાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હોવાનું ઝેનર મેટલ્સનાં સ્ટ્રેટેજિસ્ટ પીટર ગ્રાન્ટે જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 60 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.