Mon Sep 14 2026

Logo

અમેરિકાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી ગુજરાતી મૂળના ડોક્ટર મૃત મળતાં ચકચાર

2026-08-17 10:50:00
Author: Mayur Patel
અમેરિકાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી ગુજરાતી મૂળના ડોક્ટર મૃત મળતાં ચકચાર

અમદાવાદઃ અમરેકિાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપોનો સામનો કરી રહેલા ગુજરાતી મૂળના ડૉકટરનું મોત થયું હતું.   40 વર્ષીય મૂળ ગુજરાતી ડૉક્ટર ફ્લોરિડાની અલાચુઆ કાઉન્ટી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  તેમનો મૃતદેહ મળ્યો તેના થોડા દિવસો પહેલા જ તેમની સામે વધુ નવા આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.

 સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના ભૂતપૂર્વ એસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર અને યુએફ હેલ્થ શેન્ડ્સના નેફ્રોલોજિસ્ટ ચિંતન વિમલકુમાર શાહ જે બેરેકમાં એકલા બંધ હતા, ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. શાહના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. સત્તાધીશો દ્વારા હજુ સુધી મોતના કારણનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 

કેટલા આરોપ હતા

શાહની સૌપ્રથમ ધરપકડ 8 જુલાઈના રોજ એક સાયબર ટીપના આધારે કરવામાં આવી હતી. આ ટીપ દ્વારા તપાસકર્તાઓ કિક એકાઉન્ટ સુધી પહોંચ્યા હતા, જેનો ઉપયોગ સગીર બાળકીનો વીડિયો શેર કરવા માટે થયો હોવાનો આરોપ હતો. ત્યારબાદ તેમના ફોનની તપાસ કરતા અન્ય 6 આરોપો ઉમેરાયા હતા, જ્યારે 18 જુલાઈના રોજ વધુ પુરાવા મળતા અન્ય 34 આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં તપાસકર્તાઓએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વધારાના આરોપો જોડ્યા હતા, જેમાં શાહે જે છોકરી સાથે વાતચીત કરી હતી તેની ઓળખ સગીર તરીકે થઈ હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, પીડિતાએ જણાવ્યું કે શાહે તેની પાસેથી અશ્લીલ તસવીરો માંગી હતી અને જો તે વાત નહીં માને તો તેના માતા-પિતાનો સંપર્ક કરવાની ધમકી પણ આપી હતી. તપાસકર્તાઓએ આ ઓનલાઇન ગતિવિધિઓને શાહના નામે નોંધાયેલા ઇન્ટરનેટ એકાઉન્ટ સાથે ટ્રેસ કરી હતી અને ત્યારબાદ તેમના નિવાસસ્થાન તેમજ ડિજિટલ એકાઉન્ટ્સ માટે સર્ચ વોરંટ મેળવ્યા હતા.

આ ઉપરાંત AIનો ઉપયોગ કરીને બિકીની પહેરેલી સગીરાઓની તસવીરોમાંથી કપડાં હટાવવામાં આવ્યા હોવાનો પણ તેમના પર આરોપ હતો. પોલીસને જે તસવીરો મળી તેમાંથી એક મહિલાની તસવારી તેમની પરિચિત હતી.

પૂછપરછ દરમિયાન શાહે કિક એકાઉન્ટ વિશે જાણ હોવાનો ઇનકાર કર્યો હતો અને વકીલ સાથે વાત કરવાની માંગ કરી હતી. શાહ મૂળ ભારતના હોવાથી અને તેઓ ભારત ભાગી જવાની શક્યતા દર્શાવીને પ્રોસિક્યુટર્સે તેમના જામીનનો વિરોધ કર્યો હતો. આ કેસ પહેલાં શાહનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો. ધરપકડ બાદ, યુએફ હેલ્થે તેમને રજા પર ઉતારી દીધા હતા અને તેમની વેબસાઇટ પરથી તેમની પ્રોફાઇલ હટાવી દીધી હતી.