Tue Sep 01 2026

Logo

પાટનગરમાં PM મોદી અને CM ફડણવીસ વચ્ચે 'હાઈલેવલ' બેઠક! મહારાષ્ટ્રના મેગા પ્રોજેક્ટ્સ અને રોકાણ અંગે થઈ મોટી ચર્ચા

2026-08-17 14:50:00
Author: Darshana Visaria
પાટનગરમાં PM મોદી અને CM ફડણવીસ વચ્ચે 'હાઈલેવલ' બેઠક! મહારાષ્ટ્રના મેગા પ્રોજેક્ટ્સ અને રોકાણ અંગે થઈ મોટી ચર્ચા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવિધ મોટા વિકાસ કાર્યો, મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સંકલનથી ચાલતી લોક કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વડા પ્રધાનને વિગતવાર માહિતગાર કર્યા હતા. જોકે, દેવાભાઉના પાટનગરના ફેરાની સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ દિલ્હીની મુલાકાતો વધી રહી છે, તેથી દિલ્હીથી લઈ મુંબઈનું રાજકારણ ગરમાયું છે, જ્યારે અનેક લોકો તર્ક-વિતર્ક પણ કરી રહ્યા છે.

બેઠકમાં કયા મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા?

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીએમ નરેન્દ્ર મોદી સાથેની આ બેઠક અંગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને દેશની વિકાસ યાત્રામાં મોખરે રાખવા માટે કેન્દ્ર સરકારનો સતત સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ મોદીજી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસ વચ્ચેની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને લગતા અનેક ક્ષેત્રો પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. 

છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે મજબૂત સંકલનની ચર્ચા

આ બેઠકમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવે, મેટ્રો, રેલવે અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની સમીક્ષા, રાજ્યમાં દેશ-વિદેશના મોટા રોકાણો આકર્ષવા અને યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવા અંગે ચર્ચા, ખેડૂતોના કલ્યાણ માટેની યોજનાઓ, સિંચાઈ પ્રોજેક્ટ્સ તેમ જ ઔદ્યોગિક નીતિઓના અમલીકરણ પર ભાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે વધુ મજબૂત સંકલન જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

મુલાકાત બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને મહારાષ્ટ્રના વિવિધ વિકાસ પ્રકલ્પોની વિગતવાર માહિતી આપી હતી અને હંમેશની જેમ તેમની સાથેની મુલાકાત નવી ઊર્જા આપનારી અને માર્ગદર્શક રહી છે. 

વિકાસલક્ષી વિષયો પર તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન અને મહારાષ્ટ્રને મળેલું મજબૂત સમર્થન અમારા માટે પ્રેરણાદાયી છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં તેમણે એવું પણ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સક્ષમ નેતૃત્વકર્તા છે અને ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.