નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2027નાં પહેલા ત્રિમાસિકગાળામાં ઘણી સિમેન્ટ કંપનીઓએ તેની ક્ષમતામાં વધારો કરવાની સાથ બજાર હિસ્સામાં વધારો કર્યો હતો. તેમ જ પ્રાદેશિક સ્તર માગમાં સુધારો થવાથી કંપનીઓનાં વૉલ્યૂમ વૃદ્ધિમાં પણ મદદ મળી હોવાથી અગ્રણી સિમેન્ટ ઉત્પાદકોએ તેની આવકોનો અલગ અલગ સેટ નોંધાવ્યો છે. જોકે, ઈંધણ અને કાચા માલ સહિતનાં ખર્ચમાં વધારો થવાને કારણે ઘણાંખરાં ખેલાડીઓની નફાશક્તિ પર માઠી અસર પડી છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં લિસ્ટેડ સિમેન્ટ ઉત્પાદકોનાં વેચાણના વૉલ્યૂમમાં એકમાત્ર અંબુજા સિમેન્ટે દાખવેલા 14 ટકાનાં ઘટાડાને બાદ કરતાં 27 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. આમ ઘણી કંપનીઓએ વેચાણમાં દ્વિઅંકી સંખ્યામાં વૃદ્ધિ દાખવી છે. જ્યારે ઈંધણના ખર્ચમાં વધારો, પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવની અસર હેઠળ રિઅલાઈઝેશન દબાણ હેઠળ આવતાં કંપનીઓના નફા દબાણ હેઠળ આવ્યા છે.
વધુમાં સિમેન્ટ ઉત્પાદકોએ પ્રીમિયમ પોર્ટફોલિયોમાં વધારો નોંધાવ્યો છે અને પ્રાપ્તિ વધારવા, માર્જિનનું રક્ષણ કરવા અને વધતાં ઈંધણ ખર્ચ, નૂર ભાડા અને કાચા માલના ખર્ચને સરભર કરવા માટે તેમનાં વેપાર પરિપ્રેક્ષ્યમાં સુધારો કર્યો છે. જોકે, તેઓ વર્તમાન નાણાકીય વર્ષમાં વૉલ્યૂમમાં સાતથી આઠ ટકાના વધારા અંગે પણ આશાવાદી છે. વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં અગ્રણી સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાંચમાં ક્રમાંકની ઉત્પાદક નુવોકો વિસ્ટાસે નફામાં સ્વસ્થ વૃદ્ધિ દાખવી છે, જ્યારે અંબુજા સિમેન્ટ્સ, શ્રી સિમેન્ટ્સ, દાલમીયા ભારત, જેકેલક્ષ્મી સિમેન્ટ અને બિરલા કોર્પોરેશનના વૉલ્યૂમમાં વધારો થયો હોવા છતાં નફામાં ઘટાડો દર્શાવ્યો છે.
જૂન અંતના ત્રિમાસિકગાળામાં અલ્ટ્રાટેક સિમેન્ટનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 17.23 ટકા વધીને રૂ. 2603.72 કરોડની સપાટીએ રહ્યો હતો, જ્યારે કાર્યકારી આવકો 15.85 ટકા વધીને રૂ. 24,648.20 કરોડના સ્તરે રહી હતી અને તેનું સ્થાનિકમાં વેચાણ 13.1 ટકા વધીને 3.92 કરોડ ટનના સ્તરે રહ્યું હતું. તેની સામે અદાણી જૂથની અંબુજા સિમેન્ટનો ચોખ્ખો નફો 36.6 ટકા ઘટીને રૂ. 660 કરોડના સ્તરે, કાર્યકારી આવકો 7.51 ટકા ઘટીને રૂ. 9474 કરોડનાં સ્તરે રહી હતી અને તેનું વેચાણનું વૉલ્યૂમ 14 ટકા ઘટીને 1.71 કરોડ ટનના સ્તરે રહ્યું હતું.
આ ત્રિમાસિકગાળામાં માળખાકીય, હાઉસિંગ અને બાંધકામ પ્રવૃત્તિને ટેકે માગ સ્થિર રહી છે અને ઉદ્યોગ ઈંધણ અને નૂરભાડામાં વધારા સહિત પશ્ચિમ એશિયાનાં ભૂરાજકીય તણાવને કારણે દબાણ હેઠળ રહ્યો હોવાનું અંબુજા સિમેન્ટ લિ.નાં સીઈઓ વિનોદ બાહતેએ જણાવ્યું હતું. જોકે, નોન ટ્રેડ સેગ્મેન્ટ તરફ ઓછું લક્ષ્ય આપવાથી અને દક્ષિણ તથા પૂર્વ ભારત જેવાં ઓછી નફાશક્તિ ધરાવતા પ્રદેશોમાંથી બહાર જવાને કારણે વૉલ્યૂમમાં ઘટાડો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં કંપનીના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે કંપની ઓછું વળતરનાં વૉલ્યૂમ તરફ દોડતી નથી. કરવેરા અને એમોર્ટાઈઝેશન પહેલાના ઓછા અથવા તો સાધારણ નફાનો કોઈ અર્થ નથી.
સમીક્ષા હેઠળના સમયગાળામાં ક્ષમતાની દૃષ્ટિએ દેશની ત્રીજા ક્રમાંકની શ્રી સિમેન્ટનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 17.48 ટકા વધીને રૂ. 5312.12 કરોડનાં સ્તરે અને કંપનીની કાર્યકારી આવકો 18.03 ટકા વધીને રૂ. 6233.13 કરોડની સપાટીએ રહી હતી. તેમ જ કંપનીનું સિમેન્ટનું વેચાણ વૉલ્યૂમ વર્ષાનુવર્ષ ધોરણે 17 ટકા વધીને 1.023 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું, જ્યારે ક્લિન્કર સહિતનું વેચાણ વૉલ્યૂમ 17.2 ટકા વધીને 1.049 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ઈક્રાના અહેવાલ અનુસાર ગત જૂન અંતના ત્રિમાસિકગાળામાં સિમેન્ટના સરેરાશ ભાવ આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં ચાર ટકા વધીને ગૂણીદીઠ રૂ. 350 રહ્યા હતા. જોકે, ગત સાલના સમાનગાળાની સરખામણીમાં ભાવ બે ટકા નીચા રહ્યા હતા.વધુમાં ગત જૂન અંતના ત્રિમાસિકગાળામાં દાલમીયા ભારતનો કોન્સોલિડેટેડ ધોરણે મુખ્યત્વે અપવાદીત ચીજોને કારણે ચોખ્ખો નફો 51.4 ટકા ઘટીને રૂ. 192 કરોડની સપાટીએ રહ્યો હતો, જ્યારે કાર્યકારી આવકો સાત ટકા વધીને રૂ. 3890 કરોડના સ્તરે અને તેનું વેચાણનું વૉલ્યૂમ નવ ટકા વધીને 76 લાખ ટનના સ્તરે રહ્યું હતુ.
આ સિવાય નિરમા જૂથના બિલ્ડિંગ મટિરિઅલ એકમ નુવોકો વિસ્ટાસ કોર્પોરેશનનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 19.87 ટકા વધીને રૂ. 159.63 કરોડ, આવકો 8.9 ટકા વધીને રૂ. 3128.71 કરોડ અને તેનું સિમેન્ટનું વેચાણ વૉલ્યૂમ વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને 53 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. એકંદરે માગ અંગે કંપનીના સીએફઓ મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે ંમારા મતે આગામી ત્રણ ત્રિમાસિકગાળામાં માગ વૃદ્ધિ સાતથી આઠ ટકાના સ્તરે રહેશે.
ગત જૂન અંતના ત્રિમાસિકગાળામાં જેકે લક્ષ્મી સિમેન્ટનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 27.9 ટકા ઘટીને રૂ. 108.07 કરોડના સ્તરે રહ્યો હતો. જોકે, કાર્યકારી આવકો 9.4 ટકા વધીને 1904.78 કરોડના સ્તરે રહી હતી અને વેચાણનું વૉલ્યૂમ 8.17 ટકા વધીને 35.9 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. તે જ પ્રમાણે એમપી બિરલા જૂથની બિરલા કોર્પોરેશનનો ચોખ્ખો નફો 3.2 ટકા ઘટીને રૂ. 115.73 કરોડના સ્તરે અને કાર્યકારી આવકો 7.8 ટકા વધીને રૂ. 2646.45 કરોડની સપાટીએ રહ્યો હતો અને જેએસડબ્લ્યુ સિમેન્ટની કોન્સોલિડેટેડ ધોરણે આવકો બાવીસ ટકા વધીને રૂ. 1896 કરોડ રહી હતી, જ્યારે ચોખ્ખો નફો 7.5 ટકા ઘટીને રૂ. 299 કરોડની સપાટીએ રહ્યો હતો અને સિમેન્ટના વેચાણનું વૉલ્યૂમ 27 ટકા વધીને 23.4 લાખ ટનની સપાટીએ રહ્યું હતું.