વોશિંગ્ટનઃ જાણીતા કથાકાર મોરારીબાપુની ૯૮૨મી રામકથાના અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિને 15 ઓગસ્ટે પાવન રાષ્ટ્રીય પર્વના દિવસથી આરંભ થયો છે. મોરારીબાપુ અમેરિકાની ધરતી પર આ પહેલાં ૩૯ વખત રામકથા કરી ચૂક્યા છે તેથી અમેરિકામાં તેમની આ 40મી રામકથા છે. આ રામકથાની વિશેષતા એ છે કે મોરારીબાપુ અમેરિકામાં તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના દિવસે યોજાનારા તુલસી જયંતિના મહોત્સવ માટે મોરારીબાપુ ભારતના પચાસ કથાકારોને પોતાની સાથે અમેરિકા લઇ ગયા છે. આ રામકથા લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવી છે.
મોરારીબાપુએ ૨૦૧૦ થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કર્યો છે. રામચરિત માનસના સર્જક કલિ પાવનાવતાર પૂજ્ય તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરુપે મોરારીબાપુએ મહુવાના કૈલાસ ગુરુકુળથી તુલસી જન્મ જયંતિના અવસરે ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, કથા વાચકો, રામ ચરિત માનસના ચિંતનકારો તથા રામ કથા સંદર્ભમાં યોગદાન આપનારી સંસ્થાઓ પૈકી કોઇ એકની પસંદગી કરીને એમના યોગદાન બદલ તુલસી એવૉર્ડથી તેમને વિભુષિત કરવાનો ઉપક્રમ ૨૦૧૦થી શરૂ કર્યો હતો.

પછીનાં વરસોમાં તુલસી એવૉર્ડની સાથોસાથ વ્યાસ એવૉર્ડ અને વાલ્મીકિ એવૉર્ડનો પણ આ સમાવેશ કરવામાં આવ્યો છે . ૨૦૧૦ થી ૨૦૨૪ સુધી પ્રતિવર્ષ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું હતું પણ ગત વર્ષે તુલસીદાસજીના જન્મ સ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અમેરિકામાંમાં યોજાશે.
મોરારી બાપુ માટે રામચરિત માનસ સ્વયં સદગુરુ છે. પ્રભુ રામના વાંગ્મય સ્વરુપ રામચરિત માનસના રચનાકાર માટે પ્રતિવર્ષ તુલસીદાસજીના પાવન સ્મરણમાં રામચરિત માનસ અને રામાયણ પર વિશેષ ચિંતન મનન માટે સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે. મોરારીબાપુ શ્રોતા તરીકે એકાગ્રતાથી રામાયણ વિશેના નવા વિચારોનું શ્રવણ કરે છે.રામકથા ની સાથોસાથ સાયંકાલીન સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોના શ્રવણનો લાભ શ્રોતાઓ પ્રાપ્ત કરશે. ભારતના સ્વતંત્રતા દિવસે આ કથા આરંભાઇ રહી છે એ સુંદર યોગાનુયોગ છે.
