Mon Sep 14 2026

Logo

ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય: દક્ષિણ કોરિયા સાથેના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં કાપ મૂકવા પેન્ટાગોનને આદેશ

Washington DC   2026-08-17 10:39:00
Author: Vimal Prajapati
ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય: દક્ષિણ કોરિયા સાથેના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં કાપ મૂકવા પેન્ટાગોનને આદેશ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અચાનક અને આશ્ચર્યજનક નિર્ણયો માટે વૈશ્વિક સ્તરે જાણીતા છે. વેનેઝુએલામાં લશ્કરી કામગીરી હોય, વિવિધ દેશો પર ટેરિફ ઝીંકવાની બાબત હોય કે ઈરાન અંગેની તેમની આક્રમક નીતિ હોય, ટ્રમ્પના દરેક પગલાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો ઉથલપાથલ મચાવી છે. હવે તેમણે એક નવો વિવાદાસ્પદ આદેશ આપીને મિત્ર દેશોને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે પિન્ટાગોનને દક્ષિણ કોરિયા સાથે અગાઉથી નક્કી કરાયેલી સંયુક્ત સૈન્ય અભ્યાસ (Joint Military Exercise)માં મોટો કાપ મૂકવા જણાવ્યું છે. આ મામલે અત્યારે આંતરરાષ્ટ્રીય વિવાદ છેડાયો છે. 

ખર્ચાળ કવાયત અને ઉત્તર કોરિયાને ખોટો સંદેશ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો કે, આ સપ્તાહથી શરૂ થઈ રહેલો આ સૈન્ય અભ્યાસ અત્યંત ખર્ચાળ છે. વધુમાં, આ કવાયત ઉત્તર કોરિયા માટે એક બિનજરૂરી અને દુશ્મનાવટભર્યો સંદેશ મોકલે છે. વધુમાં કહ્યુ, તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાએ ક્યારે અમેરિકાને ધમકી નથી આપી, હંમેશા સન્માનજનક વ્યવહાર રાખ્યો છે.  અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને ઈરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણના યુએસ પ્રયાસોમાં જોડાવા માટે કહ્યું હતું, પરંતુ સિઓલે ઇનકાર કર્યો હતો.

ઈરાન મુદ્દે દક્ષિણ કોરિયાથી ટ્રમ્પ નારાજ

ટ્રમ્પે એ વાત પણ જાહેર કરી કે તેમણે તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને ઈરાનને પરમાણુ મુક્ત (Denuclearize) કરવાના અમેરિકી અભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી. પરંતુ દક્ષિણ કોરિયાએ મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ કવાયત રદ કરવામાં હવે ઘણું મોડું થઈ ગયું હોવાથી, મેં વોર સેક્રેટરી પીટ હેગસેથને સંયુક્ત લશ્કરી અભ્યાસનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે! મેં હાલમાં જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને પૂછ્યું હતું કે શું તેઓ ઈરાન પરમાણુ મુક્ત કરવાના અમારા પ્રયાસોમાં સાથ આપશે? તેમણે કહ્યું, 'ના, આભાર!'"

અમેરિકી વિદેશ નીતિમાં મોટો ફેરફાર

ટ્રમ્પ તંત્રના આ પગલાને અમેરિકાની પરંપરાગત નીતિથી વિપરીત જોવામાં આવી રહ્યું છે. તેઓ એક તરફ જૂના સહયોગી દેશ (દક્ષિણ કોરિયા)થી અંતર બનાવી રહ્યા છે, તો બીજી તરફ ભૂતકાળમાં દુશ્મન ગણાતા દેશ (ઉત્તર કોરિયા) તરફ નરમ વલણ દાખવી રહ્યા છે. આ સિવાય ઈરાન સામેના સંઘર્ષમાં પૂરતો સાથ ન આપવા બદલ ટ્રમ્પ અગાઉ નાટો (NATO) દેશોની પણ જાહેરમાં ટીકા કરી ચૂક્યા છે.  

શું હતો આ સંયુક્ત સૈન્ય અભ્યાસનો હેતુ?

આશરે 11 દિવસ સુધી ચાલનારા આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં દક્ષિણ કોરિયાના 18,000 જેટલા જવાનો ભાગ લેવાના હતા. ઉત્તર કોરિયા દ્વારા સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણો ફરી શરૂ કરાયા બાદ આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ ઉત્તર કોરિયાના સંભવિત જોખમો સામે બંને દેશોની સૈન્ય સજ્જતા મજબૂત કરવાનો હતો. ડેમોક્રેટિક સેનેટર માર્ક કેલી સહિત ઘણા યુએસ નેતાઓએ ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. કેલીએ જણાવ્યું કે, મિત્ર દેશો સાથેની સૈન્ય તૈયારીઓને નબળી પાડવી એ અમેરિકા માટે નુકસાનકારક અને સંકુચિત માનસિકતા દર્શાવે છે.

વધુ જુઓ...