Tue Aug 18 2026

Logo

ભાજપના સંગઠનમાંથી આ એક નેતાની બાદબાકીને કોંગ્રેસે ખોબલે ખોબલે વધાવી! કહ્યું, 'એનું જવું જરૂરી હતું!

2026-08-17 22:24:51
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભાજપે આજે તેની નવી ટીમની જાહેરાત કરી છે અને તેની દેશના રાજકારણમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ નવી લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તો બીજી તરફ ભાજપ આઈટી સેલની જવાબદારી સંભાળી રહેલા અમિત માલવિયાનું પાર્ટીએ પત્તું કાપ્યું છે. તેમના સ્થાને આ જવાબદારી છત્તીસગઢના દિપક મહસ્કેને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આ ફેરફારનું સ્વાગત કર્યું છે, કોંગ્રેસના નેતા મુમતાજ પટેલે કહ્યું કે સૌથી વધારે આવકારવા જેવો ફેરફાર એ અમિત માલવિયાને છુટ્ટા કરવાનો છે. 

કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે કહ્યું કે, "જે વ્યક્તિએ એકલા હાથે પોતાના આખા આઈટી સેલ દ્વારા દેશભરમાં નફરત ફેલાવી, કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યો, રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રચાર કર્યો, અફવાઓ ફેલાવી અને ખોટા સમાચાર ફેલાવ્યા, તેને તો કાઢવા જ જોઈએ. તેમણે આગળ કહ્યું કે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપે તેના આઈટી સેલ પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પણ છેલ્લા બે મહિનામાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા તેના પ્રોપગેન્ડાનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો અને સમગ્ર ભાજપનો પર્દાફાશ કરી દીધો છે. તેમણે કહ્યું કે અમિત માલવિયાજીનું જવું એ ખૂબ જ જરૂરી હતું.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે , "બાકીની નવી ટીમ આવી ગઈ છે. હું તેમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તમે ખંતથી કામ કરો છો, તો તે અલગ વાત છે, પરંતુ જે રીતે તમારી પાર્ટી અને ટીમોએ ફક્ત વોટ બેંકની રાજનીતિ અને નફરતની રાજનીતિ કરી છે, જો તમે એ જ સિસ્ટમ ચાલુ રાખશો, તો દેશ છેતરાશે નહીં. 2029 માં ભાજપ અને નીતિન નવીનજીની નવી ટીમને અલવિદા કહી દેશે. 

આ દરમિયાન અમિત માલવિયાએ દીપક મ્હસ્કે સહિત તમામ નવનિયુક્ત ભાજપ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે "હું ખાસ કરીને દીપક મ્હસ્કેને અભિનંદન આપવા માંગુ છું, જેઓ મારા સ્થાને ભાજપના સોશિયલ મીડિયા વિભાગના વડા બનશે. છેલ્લા એક દાયકામાં મને તે બધા સાથે નજીકથી કામ કરવાનો લહાવો મળ્યો છે. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ, ભાજપનો ડિજિટલ સંદેશાવ્યવહાર નવી ઊંચાઈએ પહોંચશે."