Tue Aug 18 2026

Logo

જન્મદિવસના પાંચ દિવસ પહેલાં 36 વર્ષની અભિનેત્રીએ દુનિયાને કરી અલવિદા, ઇન્ડસ્ટ્રી આઘાતમાં....

2026-08-17 22:33:30
Author: Mumbai Samachar Team
Article Image

Hollywood actress Hayden Panettiere


હજુ ગઈકાલે બોલીવુડની ઉભરતી અભિનેત્રીના નિધનના સમાચારને 24 કલાક થયા નથી ત્યાં હોલીવુડની જાણીતી અભિનેત્રીના નિધને દુનિયાને ચોંકાવી છે. ‘હીરોઝ’ અને ‘નૅશવિલ’ જેવી જાણીતી સિરીઝથી લોકપ્રિય બનેલી હોલીવુડની અભિનેત્રી હેડન પેનેટિયેરનું 36 વર્ષની વયે નિધન થયું છે. તેના નિધનના સમાચાર 16 ઓગસ્ટે સામે આવ્યા હતા, જ્યારે તેનો 37મો જન્મદિવસ માત્ર પાંચ દિવસ બાદ 21 ઓગસ્ટે આવવાનો હતો. તેના નિધનની સત્તાવાર પુષ્ટિ તેમના પિતા સ્કિપ પેનેટિયેરે કરી હતી. તેના મૃત્યુનું કારણ હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. 

હેડનના પિતાએ પત્રકારો સાથે વાત કરતાં પરિવાર વતી ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અત્યંત દુઃખ સાથે તેઓ પોતાની પ્રિય હેડનના નિધનની જાણ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર હેડન એક અદભુત વ્યક્તિ હતી અને તેણે પોતાના જીવનમાં મળેલા લોકો ઉપરાંત પડદા પર તેને જોનારા લાખો લોકોના જીવનમાં પ્રેમ અને ખુશીઓ ભરી હતી. પરિવારે આ મુશ્કેલ સમયમાં લોકો તેમના ખાનગી જીવનનું સન્માન કરે અને ગોપનીયતા જાળવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

હેડન પેનેટિયેરનું મનોરંજન જગત સાથેનું જોડાણ બાળપણથી જ શરૂ થઈ ગયું હતું. માત્ર 11 મહિનાની ઉંમરે તેઓ એક રમકડાની જાહેરાતમાં જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ તેમણે બાળ કલાકાર તરીકે અનેક જાહેરાતોમાં કામ કર્યું હતું.

Hayden Panettiere Child Actress

વર્ષ 1998માં ‘ધ ઑબ્જેક્ટ ઑફ માય અફેક્શન’ ફિલ્મથી તેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમનો નાનો રોલ હતો. ત્યારબાદ તેમણે ટેલિવિઝન અને ફિલ્મોમાં સતત કામ કર્યું અને વર્ષ 2006માં આવેલી ટેલિવિઝન સિરીઝ ‘હીરોઝ’થી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી. ‘હીરોઝ’માં ક્લેર બેનેટના પાત્રે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યાં હતાં. 

હેડન પેનેટિયેર પોતાના લાંબા કરિયરમાં 70થી વધુ પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી ચૂક્યાં હતાં. તેમણે ફિલ્મો ઉપરાંત ટેલિવિઝન સિરીઝ અને અવાજના કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. તેમની જાણીતી કૃતિઓમાં ‘ધ ગુડ સ્ટુડન્ટ’, ‘ધ ડસ્ટ ફેક્ટરી’, ‘ધ અફેર ઑફ ધ નેકલેસ’, ‘આલ્ફા એન્ડ ઓમેગા’ અને ‘અમાન્ડા નૉક્સ’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે ‘સ્ક્રીમ’ ફિલ્મ શ્રેણીમાં કિર્બી રીડનું પાત્ર પણ ભજવ્યું હતું. આ ઉપરાંત ‘નૅશવિલ’ જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરીઝમાં પણ તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.  
 
અભિનય ક્ષેત્રે લાંબા વિરામ બાદ હેડન પેનેટિયેરે ફરી એક વાર મોટા પડદા પર વાપસી કરી હતી. વર્ષ 2023માં ‘સ્ક્રીમ 6’માં જોવા મળ્યા બાદ તેમણે અભિનય ચાલુ રાખ્યો હતો. 2026માં તેમની આત્મકથા ‘ધિસ ઈઝ મી: અ રેકનિંગ’ પણ પ્રકાશિત થઈ હતી, જેમાં તેમણે પોતાના જીવનના અનેક અંગત અનુભવો અને સંઘર્ષો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. 

હેડન પેનેટિયેરની કારકિર્દીનો છેલ્લો ફિલ્મી પ્રોજેક્ટ ‘સ્લીપવૉકર’ હતો, જે 9 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ હતી. માત્ર 36 વર્ષની ઉંમરે તેમના અચાનક નિધનથી હોલીવુડ અને તેના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના સહકલાકારો અને મનોરંજન જગતની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.