ચંદ્રપુર: બિહારના 'માઉન્ટેન મેન' દશરથ માંજીના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ આજે મહારાષ્ટ્રના 'માઉન્ટેન મેન'ની વાત જાણો. તેલંગાણા બોર્ડર પાસે મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામમાં માર્ગ ન હોવાના લીધે એક આદિવાસી મહિલાનું મૃત્યુ થયું હતું. તેના બે મહિના બાદ જીવતી તાલુકાના ઘોડાકપ્પી ગામના લોકોએ પોતે રસ્તો બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમના મતે તેઓ હવે પ્રશાસનના પગલાં ઉપાડવાની રાહ જોઈ શકતા નથી.
એમ્બ્યુલન્સ નહીં પહોંચતા જીવ ગુમાવ્યો પત્નીએ
14 જૂને બાળકને જન્મ આપ્યા બાદ સંગીતાનું મૃત્યુ થયું હતું. એમ્બ્યુલન્સ અંતરિયાળ પહાડી ગામમાં પાક્કો રસ્તો નહોતા સમયસર પહોંચી નહોતી. આ દુઃખદ ઘટના બાદ સંગીતાના પતિ તુલસીરામ ગેડમે ગ્રામીણોને એકત્ર કર્યા અને પોતાની મહેનતથી રસ્તો બનાવવાનું શરૂ કર્યું હતું.
'વિશ્વ આદિવાસી દિવસ' પર ઘોડાકપ્પીમાં મોટી સંખ્યામાં આદિવાસી નિવાસી ભેગા થયા અને ગામમાં હાજર રસ્તાને જોડનારા લગભગ 1.5 કિલોમીટર લાંબા રસ્તાને સરખો કરવાનું કાર્ય શરૂ કર્યું હતું, જેમાં અડધા રસ્તાનું કાર્ય પૂર્ણ થઈ ચુકયું છે.
પ્રશાસનને ઘણી વખત કરાઈ રજૂઆત પણ...
મીડિયાના રિપોર્ટ અનુસાર તુલસીરામે કહ્યું હતું કે 'અમે રસ્તો બનાવવા માટે પ્રશાસનને ઘણીવાર રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહોતું. પત્નીને ગુમાવ્યા બાદ મેં નક્કી કર્યું કે અમે હવે વધારે રાહ નહીં જોઈ શકીએ. હું નથી ઈચ્છતો કે કોઈ અન્ય પરિવારને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડે.'
સંગીતાના મૃત્યુ બાદ નવજાત બાળકીની દેખરેખ તેના દાદી કરી રહ્યા છે. તુલસીરામ પોતાની પત્નીને ગુમાવ્યા બાદ દુઃખમાંથી ઉગરવાના પ્રયાસો કરતા પોતાના ત્રણ વર્ષના દીકરાની પણ સંભાળ રાખી રહ્યા છે. લગભગ 20 ઘરો વાળા ઘોડાકપ્પી ગામમાં લોકો ત્રણ દસકાથી રહી રહ્યા છે. જો કે આ નાના ગામમાં સિમેન્ટના રસ્તા અને એક આંગણવાડી છે પણ મુખ્ય માર્ગથી જોડનારો કોઈ ઠીકઠાક રસ્તો નથી.
દોઢ કિલોમીટરનો રસ્તો બન્યો 'અવરોધ'
ગામના રહેવાસીઓને પથરાળ માર્ગ પરથી પસાર થવું પડે છે, જે ચોમાસામાં વધારે મુશ્કેલી પેદા કરે છે. અહીં સુધી મોટરસાઇકલ પણ પહોંચી શકતી નથી. ગામ બહાર એક જિલ્લા પરિષદની સ્કૂલ છે, જેનો અર્થ એ છે કે બાળકોને શાળાએ જવા માટે કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. 2021માં મુખ્ય પ્રધાન ગ્રામીણ માર્ગ યોજના અંતર્ગત ઘોડાકપ્પીથી લગભગ દોઢ કિલોમીટર દૂર સુધી માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પહાડી નીચે વસેલા ગામ સુધી જવા માટે કોઈ યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો નહોતો.
મહારાષ્ટ્રના માઉન્ટેન મેન કહેવાયા તુલસીરામ
તુલસીરામે કહ્યું 'ઈમરજન્સીની સ્થિતિમાં દરેક મિનિટ કિંમતી હોય છે. મારી પત્નીને સારવારની જરૂર હતી, પરંતુ એમ્બ્યુલન્સ અમારા ગામ સુધી પહોંચી ના શકી. મેં એને ગુમાવી દીધી. હું નથી ઈચ્છતો કે માર્ગના લીધે કોઈ અન્યને તેના પરિવારના સભ્યને ગુમાવવું પડે,' તેમના આ સંકલ્પની તુલના બિહારના 'માઉન્ટેન મેન' દશરથ માંઝી સાથે કરવામાં આવી રહી છે, જેમને પોતાની પત્નીના મૃત્યુ બાદ પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો. તેમની જેમ જ તુલસીરામે પણ સરાહનીય કાર્ય કર્યું છે.