Wed Sep 09 2026

Logo

છ ખાદ્ય કંપનીઓએ દરોડા પશ્ચાત્‌‍ ગેરમાર્ગે દોરતા લેબલમાં સુધારા કર્યા, એફએસએસએઆઈ

2026-08-16 19:02:53
Author: Ramesh Gohil
છ ખાદ્ય કંપનીઓએ દરોડા પશ્ચાત્‌‍ ગેરમાર્ગે દોરતા લેબલમાં સુધારા કર્યા, એફએસએસએઆઈ

નવી દિલ્હીઃ ખાદ્ય ચીજોના નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ આજે જણાવ્યું હતું કે છ ખાદ્ય કંપનીઓને કાયદાનો ભંગ કરવા બદલ નોટિસ પાઠવવામાં આવતા તેઓએ ગેરમાર્ગે દોરતા લેબલો અને ટ્રેડ માર્કે પાછાં ખેંચ્યા છે.

આજે સોશ્યલ મિડિયા પોસ્ટ પર એફએસએસએઆઈએ જણાવ્યું હતું કે છ ફૂડ બિઝનૅસ ઓપરેટરો(એફબીઓ)એ નિયામક તરફથી નોટિસ પાઠવવામાં આવતા તાકીદે પગલાં લઈને પ્રોડક્ટ પેકેજિંગમાં ગેરમાર્ગે દોરતા લેબલોમાં ફેરફાર અથવા સુધારા કરીને ગ્રાહકોની સલામતી અને ધારાધોરણોના પાલનની બાંયધરી આપી છે. 

વધુ વિગતો આપતાં એફએસએસએઆઈએ જણાવ્યું હતું કે લિવ્યોર વેન્ચર પ્રા. લિ.એ વેગન (શાકાહારી) અને હૅલ્ધીનો ગેરમાર્ગે દોરતો દાવો પાછો ખેંચ્યો છે. કંપનીએ લિવ્યોર રોસ્ટેડ એડમામે બીન્સ ઉત્પાદનના લેબલ પર કરવામાં આવેલા ભ્રામક દાવાના સંદર્ભમા જવાબ આપતા કહ્યું હતું કે લાગુ થયેલી નિયમનકારી આવશ્યકતાઓની જાગૃતિના અભાવમાં ઉત્પાદન પર વેગન અને હેલ્ધી દાવાઓ અજાણતામાં છાપવામાં આવ્યા હતા અને આ ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરીને નિયમનકારી ઉલ્લંઘન માટે માફી માગી હતી અને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં કાયદાનું ગેરપાલન નહીં થાય.

વધુમાં એફબીઓએ જણાવ્યું હતું કે તેઓએ ઉત્પાદનનાં નવાં લેબલની પ્રક્રિયા શરૂ કરી છે અને હાલનાં પેકેજિંગ મટિરિઅલનો નાશ કરી રહ્યા છીએ અને તેનો ભવિષ્યમાં ઉપયોગ નહીં થાય તેની ખાતરી આપી હોવાનું એફએસએસએઆઈએ જણાવ્યું હતું. 

તે જ પ્રમાણે હોનેસ્ટ ઈનોવેશન્સનાં ફોર યુ પ્રા. લિ. અને હેલિસ્ટોન સ્પેશિયાલિટીઝ પ્રા. લિ. પણ તેનાં ગેરમાર્ગે દોરતા ટ્રેડ માર્કમાં બદલાવ કર્યો છે. તેમ જ રાજસ્થાન એગ્રો અને જનરલ ઈન્ડસ્ટ્રીઝે નોટિસનું અનુપાલન કરીને ગેરમાર્ગે દોરતા દાવા દૂર કર્યા છે અને પ્રોડક્ટ પેકેજિંગ મટિરિઅલ વાપરવાનું બંધ કર્યું છે. આ સિવાય લોટા નેનોટેક્નોલોજી પ્રા. લિ.એ ગેરમાર્ગે દોરતા લેબલ દૂર કર્યા છે અને નોન સ્ટાર્ન્ડડાઈઝ પાણીનું ઉત્પાદન બંધ કર્યું છે, જ્યારે પંચામુર્તા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.એ તેની વેબસાઈટ પરથી તેનું ઉત્પાદન (ઈલેક્ટ્રોલેટ ડ્રિન્ક) ડિલિસ્ટ કર્યું છે. 

નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાક મહિનાઓથી એફએસએસએઆઈ ઘણાં ફૂડ બિઝનૅસ ઓપરેટરો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી રહ્યું છે. તેમ જ એનર્જી પીણાં તથા આલ્કોહોલિક પીણાંના ઉત્પાદકો પર દરોડા પણ પાડી રહ્યું છે.