Wed Aug 19 2026

Logo

અમદાવાદમાં ઔદ્યોગિક વિસ્તારમાં આત્મહત્યાના કેસોમાં ઉછાળો, 46થી વધુની વયજૂથમાં દર 4 દિવસે એક મોત

2026-08-18 09:52:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


અમદાવાદ: શહેરમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યના બનાવ સામે આવતા રહે છે. શહેરમાં 46થી વધુ વયજૂથમાં દર 4 દિવસે એક આત્મહત્યાનો કેસ નોંધાઈ રહ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2026 વચ્ચે અમદાવાદમાં 46 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ઓછામાં ઓછા 98 આત્મહત્યાના કેસ નોંધાયા છે, જે શહેરમાં પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા દરમિયાન વધતી માનસિક કટોકટી દર્શાવે છે.

શહેર પોલીસના 731 આત્મહત્યા અને અકસ્માતે મોતના કેસોના વિશ્લેષણ અનુસાર, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોમાં દર ચાર દિવસે આત્મહત્યાનો એક કેસ નોંધાયો છે. આ વયજૂથમાં નોંધાયેલા 98 કેસોમાંથી 73 મૃતકો 46થી 60 વર્ષની વયના પ્રૌઢો હતા, જ્યારે 25 મૃતકો 60 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન હતા.

સમગ્ર ડેટામાં મોટાભાગે યુવા વર્ગ (સરેરાશ વય 32.7 વર્ષ) જોવા મળે છે, પરંતુ મોટી ઉંમરના લોકોમાં સતત નોંધાતા આવા કિસ્સાઓ જાહેર આરોગ્ય ચર્ચાઓમાં ભાગ્યે જ ધ્યાને આવતી ગંભીર સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. પોલીસ ડાયરીમાં વરિષ્ઠ અને પ્રૌઢોના મોતમાં લાંબી બીમારીથી કંટાળીને તથા અગ્મય કારણોસર એમ બે મુખ્ય કારણો વધુ જોવા મળ્યા હતા

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઉંમર સંબંધિત અશક્તિ અથવા અચાનક આર્થિક અને પારિવારિક પરિવર્તનોનો સામનો કરતા લોકો જીવન ટૂંકાવતા પહેલાં ભાગ્યે જ કોઈ સંકેત આપે છે. મોટાભાગના કિસ્સામાં લોકો પોતાના ઘરે જ આત્મહત્યા કરી લે છે. પોલીસ રેકોર્ડ મુજબ, યુવાનોમાં આત્મહત્યા તીવ્ર માનસિક તણાવ સાથે જોડાયેલી હોય છે, જ્યારે વરિષ્ઠોમાં આત્મહત્યા પાછળ કાયમી એકલતા અને શારીરિક પીડા મુખ્ય કારણ હોય છે.

પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે 46 થી 60 વર્ષના લોકો આર્થિક જવાબદારીઓ અને બગડતી તબિયતના કારણે મનોમન પીડાતા હોય છે. જ્યારે 60થી વધુ વયના વૃદ્ધોમાં લાંબી ગંભીર બીમારીઓ, પરાધીનતા અને પરિવારના સપોર્ટનો અભાવ આત્મહત્યાના મુખ્ય કારણો બનીને ઊભરે છે. સૂત્રો મુજબ અસહ્ય શારીરિક પીડા અને લાંબી બીમારીઓ વૃદ્ધોમાં ડિપ્રેશનનું સીધું કારણ બને છે. વૃદ્ધાવસ્થાની સામાન્ય સંભાળમાં માનસિક સ્વાસ્થ્યને ભાગ્યે જ આવરી લેવામાં આવતું હોવાથી, સામાજિક રીતે અલગ થઈ જવું, ભૂખ ન લાગવી અથવા હતાશા વ્યક્ત કરવી જેવા સંકેતોને વૃદ્ધાવસ્થાના સામાન્ય લક્ષણો ગણીને નજરઅંદાજ કરવામાં આવે છે.


અમદાવાદમાં આત્મહત્યાના કેસોમાં ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ મોખરે

જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન અમદાવાદ શહેર પોલીસે નોંધેલા 731 કેસોના વિશ્લેષણ મુજબ, પૂર્વ વિસ્તાર અને ઔદ્યોગિક પટ્ટામાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. તમામ પોલીસ મથકોમાં ઓઢવ 59 કેસ સાથે મોખરે રહ્યું હતું. ત્યારબાદ નારોલમાં 55, રામોલમાં 49 અને અમરાઈવાડીમાં 40 કેસ નોંધાયા હતા. આ ચારેય ઔદ્યોગિક અને શ્રમિક રહેણાંક વિસ્તારોમાં મળીને કુલ 185 કેસ નોંધાયા હતા.  પૂર્વના અન્ય વિસ્તારમાં પણ વધુ કેસ નોંધાયા હતા. નિકોલમાં 34 કેસ, વટવામાં 31 કેસ અને ખોખરામાં 21 કેસ નોંધાયા બતા. તેની સામે ઉત્તર અને પશ્ચિમ પટ્ટામાં ચાંદખેડામાં 27, સોલામાં 27 અને સાબરમતીમાં 26 કેસ નોંધાયા હતા.

ઓઢવ, નારોલ, વટવા અને અમરાઈવાડીમાં વધુ કેસ હોવાનું કારણ અહીંની વસ્તી ગીચતા, ઓછી આવક ધરાવતી વસાહતો અને પરપ્રાંતીય ફેક્ટરી કામદારો તથા રોજમદારોની મોટી સંખ્યા છે. નિષ્ણાતોના મતે, આર્થિક અસ્થિરતા, કામના લાંબા કલાકો, પારિવારિક સપોર્ટનો અભાવ અને ગીચ વસવાટ આ વિસ્તારોના લોકોને તીવ્ર માનસિક તણાવ તરફ ધકેલે છે.