રાજકોટઃ સહરાકી સંસ્થા પર વર્ચસ્વ જમાવવા માટે રાજકોટમાં ભાજપના જ બે દિગ્ગજ સામસામે આવ્યા છે. જયેશ રાદડિયા સામે ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ મેદાને છે. મળતી વિગત પ્રમાણે, રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરે યોજાશે. આ સંઘ બે તાલુકા પૂરતો મર્યાદિત હોય પણ સહકારી ક્ષેત્રની આ ચૂંટણી ભાજપના બે દિગ્ગજ સામસામે હોવાથી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બંને નેતાઓ પોતાના સમર્થકોને મહત્વના હોદ્દા અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે સહકારી ચૂંટણીઓમાં પણ પક્ષ તરફથી સત્તાવાર મેન્ડેન્ટ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પક્ષના કાર્યકરોની માંગ છે કે સંગઠનમાં સક્રિય હોય તેમને જ હોદ્દો મળવો જોઈએ, જ્યારે જયેશ રાદડિયાનું માનવું છે કે સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઈએ અને તે ખેડૂતો તથા પશુપાલકોના હિત માટે હોવું જોઈએ.
આ પ્રતિષ્ઠાભર્યા જંગમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ચેરમેન પદની રેસમાં છે, જેમને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાનું મનાય છે.બીજી તરફ, નીતિન ઢાંકેચાને જયેશ રાદડિયાનો ટેકો મળી રહ્યો છે. આ બંને નેતાઓ એક જ વિસ્તારના છે. આ ઉપરાંત આ ચૂંટણીને કેટલાક લોકો 2027ની વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડી રહ્યા છે.
રાજકીય નિષ્ણાતો મુજબ, જો આ સહકારી ચૂંટણીમાં રાદડિયાનું વર્ચસ્વ ઘટે તો કોરાટની રાજકીય પકડ મજબૂત બને તેમ છે. જેના કારણે આ ચૂંટણી બંને નેતાઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોધિકા સહકારી સંઘ લિ.ની કુલ 16 બેઠકો (મંડળી જૂથ: 15, વ્યક્તિગત જૂથ: 1) માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ઉમેદવારી ફોર્મ વિતરણ/ભરવાની મુદત 17 થી 20 ઓગસ્ટ છે. 21 ઓગસ્ટે ફોર્મ ચકાસણી થશે. 22 થી 27 ઓગસ્ટ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ઉમેદવારોની અંતિમ યાદી 29 ઓગસ્ટે જાહેર થશે. 8 સપ્ટેમ્બરે મતદાન અને 9 સપ્ટેમ્બર મતણગતરી થશે.