Wed Aug 19 2026

Logo

ભાજપ સરકારે ખાણ માફિયાઓ પર તૂટી પડેલા ક્લાસ 1 અધિકારીની બદલી કરતાં લોકો ભડક્યા, બદલી રોકવા આંદોલન શરૂ

2026-08-18 10:45:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરનારા અને પ્રજાલક્ષી કાર્યો માટે જાણીતા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ચોટીલા પંથકના આશરે 15 ગામના લોકોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.

સ્થાનિકોએ એચ.ટી. મકવાણાને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત્ રાખવાની માંગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે, તેઓનો કાર્યકાળ પુરો કરવા દો'

એચ.ટી. મકવાણાએ અનેક સરકારી જમીનો મુક્ત કરાવી

ચોટીલા, થાન અને મૂળી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા એચ.ટી. મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ખનન અને અનેક દબાણો દૂર કરીને સરકારી જમીનો મુક્ત કરાવી હતી. આ ઉપરાંત, તેમણે શિક્ષણ, આરોગ્ય, મધ્યાહન ભોજન અને રેશનિંગમાં ચાલતી ગેરરીતિઓ પણ અટકાવી છે. ગુનેગારો પાસેથી ગરીબોની જમીન છોડાવવા અને ઘરવિહોણા પરિવારોને જમીન ફાળવવા જેવા કાર્યોથી સ્થાનિકોને મોટી રાહત મળી હતી. તેમણે વિવિધ વહીવટી વિભાગોની કામગીરીનું નિયમિત માર્ગદર્શન પણ કર્યું હતું.

એચ.ટી. મકવાણા કર્મયોગી અધિકારી 

સ્થાનિકોનું કહેવું છે કે, એચ.ટી. મકવાણા સાચા અર્થમાં કર્મયોગી અધિકારી છે. ઉમરડાના રહેવાસીએ જણાવ્યું હતું કે, સાહેબે છેલ્લા 15-18 મહિના દરમિયાન ડેપ્યુટી કલેક્ટરના પદની ગરિમા અને શક્તિનો પરિચય આપ્યો છે. તેઓ દિવસના 18 થી 20 કલાક સતત ભૂખ્યા રહીને કામ કરે છે અને ઘણીવાર બપોરનું ભોજન પણ સાંજે 5 વાગ્યે લેતા હોય છે. આવી નિષ્ઠા ધરાવતા અધિકારીનો કાર્યકાળ પૂરો ન કરી તેમને અહીં જ યથાવત રાખવા જોઈએ.

ભૂ-માફિયાઓમાં ફફડાટ 

એચ.ટી. મકવાણાએ ચોટીલામાં ચાર્જ સંભાળ્યા બાદ અનેક સાહસિક નિર્ણયો લીધા છે. તેમણે ચોટીલા અને થાન પંથકમાં ચાલતી ગેરકાયદેસર ખાણો અને ખનીજ માફિયાઓની કેડ ભાંગી નાખી છે. નળખંબાના સરપંચ કિરીટ પનારાએ જણાવ્યું કે, સાહેબે ભૂ-માફિયાઓમાં કાયદાનો ડર પેદા કર્યો છે.

કિંમતી સરકારી જમીનો મુક્ત કરાવી

વધુમાં, પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ અનેક દબાણો દૂર કરી કિંમતી સરકારી જમીનો મુક્ત કરાવી છે. ગુનેગારોના કબજામાંથી ગરીબોની જમીન છોડાવવી અને ઘરવિહોણા પરિવારોને જમીન ફાળવવા જેવા કાર્યોથી તેઓ લોકોમાં અત્યંત લોકપ્રિય બન્યા છે. શિક્ષણ, આરોગ્ય, મધ્યાહન ભોજન અને રેશનિંગમાં ચાલતી ગેરરીતિ અટકાવી વહીવટી પારદર્શિતા લાવી છે.

SDM એચ.ટી.મકવાણાની ટ્રાન્સફર

ગુજરાત સરકારે રવિવારે 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી.