Wed Aug 19 2026

Logo

ફિલ્મ અને શો વિના પણ આગામી પાંચ વર્ષ આ રીતે અમિતાભ બચ્ચન કરશે કરોડોની કમાણી...

2026-08-17 19:06:41
Author: Darshana Visaria
Article Image

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે સાથે રિયલ એસ્ટેટ રોકાણમાં પણ મોખરે છે. બિગ બીએ મુંબઈના પોશ વિસ્તાર ગણાતા અંધેરી વેસ્ટમાં આવેલી પોતાની કમર્શિયલ પ્રોપર્ટીના ત્રણ આખા ફ્લોર જાણીતી ન્યુટ્રિશન બ્રાન્ડને ભાડે આપ્યા છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ ડીલ હેઠળ અમિતાભ બચ્ચનને માસિક રૂપિયા 33 લાખ અને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 21.88 કરોડનું તોતિંગ ભાડું મળશે. 

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રોપર્ટી અંધેરી વેસ્ટના ઓશિવારામાં લિંક રોડ પર આવેલી જાણીતી સિગ્નેચર બિલ્ડિંગ ના ત્રણ ટોપ ફ્લોર પર આવેલી છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 8,428 ચોરસ ફૂટ જેટલું છે. ભાડાના દરની વાત કરીએ તો કારપેટ એરિયા મુજબ દર મહિને આશરે રૂપિયા 392 પ્રતિ ચોરસ ફૂટ જેટલો થાય છે. 

કંપનીએ ભાડા પેટે રૂપિયા 1.98 કરોડની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી છે. એગ્રીમેન્ટ મુજબ દર વર્ષે ભાડામાં પાંચ ટકાનો વધારો થશે. આ લીઝ ડીલ સાથે કંપનીને બિલ્ડિંગમાં નવ ગાડીઓ માટે ડેડિકેટેડ પાર્કિંગ સ્પેસ પણ મળશે. આ પાંચ વર્ષની લીઝ 15મી ઓગસ્ટ, 2026થી અમલમાં આવી છે.

અમિતાભ બચ્ચને વર્ષ 2023માં પણ લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં પોતાની ચાર કમર્શિયલ ઓફિસ યુનિટ્સ ગ્લોબલ મ્યુઝિક કંપની વોર્નર મ્યુઝિક પ્રાઈવેટ લિમિટેડને દર મહિને રૂપિયા 17.30 લાખના ભાડે આપી હતી. અહીંયા તમારી જાણકારી માટે કે મુંબઈ સિવાય પણ અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં પણ મોટું રોકાણ કર્યું છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બીએ આ પહેલાં માર્ચ, 2026માં અયોધ્યામાં રૂપિયા 35 કરોડમાં 2.67 એકર જમીન ખરીદી હતી.