અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં ખળભળાટ મચાવતા એક મોટા છેતરપિંડી કેસમાં ED દ્વારા અત્યંત કડક પગલાં ભરવામાં આવ્યા છે. કેશવ નારાયણ ગ્રુપ, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સહિતના અસંખ્ય બિલ્ડરો વિરુદ્ધ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપો સાબિત થતાં EDએ આશરે રૂ.129.80 કરોડની મહામૂલી સ્થાવર મિલકતો એટેચ કરી લીધી છે. નવરંગપુરા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદોના આધારે કેન્દ્રીય એજન્સી દ્વારા આ મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
5 પોલીસ મથકોમાં નોંધાયેલી FIRના આધારે તપાસ તેજ
અમદાવાદના DCB ક્રાઈમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથક ખાતે નોંધાયેલી કુલ 5 FIRના આધારે ED દ્વારા મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. આરોપીઓ સામે 'ભારતીય ન્યાય સંહિતા, 2023' (BNS) ની વિવિધ કલમો હેઠળ અગાઉ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે.
તપાસ દરમિયાન એ વાતનો ખુલાસો થયો છે કે આ કૌભાંડકારો દ્વારા છારોડી, શેલા અને કડી જેવા પોશ વિસ્તારોમાં આવેલા પ્રોજેક્ટ્સમાં રોકાણકારો અને મકાન ખરીદનારાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની કાયદેસરની RERA મંજૂરી કે N.A. પરમિશન વગર જ મિલકતોનું આડેધડ માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. છારોડી પ્રોજેક્ટમાં આશરે 250 જેટલા રોકાણકારો અને અક્ષર અનંત પ્રોજેક્ટમાં અન્ય 44 ખરીદારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.
પ્રી-લોન્ચ ઓફર અને ઊંચા વળતરની લાલચ અપાઇ
EDની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સામાન્ય ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો, વેપારીઓ અને મધ્યમ વર્ગના પરિવારો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાની રિયલ એસ્ટેટ યોજનાઓને અધિકૃત પ્રોજેક્ટ્સ તરીકે રજૂ કરી આકર્ષક ‘પ્રી-લોન્ચ’ ભાવે ફ્લેટ તેમજ દુકાનો ઓફર કરી હતી. આ સાથે રોકાણકારોને 54% થી 100% સુધીના ઊંચા ફિક્સ્ડ રિટર્નનું વચન પણ આપ્યું હતું.