Wed Aug 19 2026

Logo

ભારતીય સેના માટે એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ તૈયાર, લદ્દાખ અને સિયાચીન માટે જથ્થો રવાના

2026-08-17 21:47:08
Author: Chandrakant Kanoja
Article Image

બીના: ભારતીય સેનાની કાર્યક્ષમતા વધારવામાં માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લદ્દાખ અને સિયાચીન જેવા ઊંચાઈવાળા અને અત્યંત ઠંડા પ્રદેશો માટેના વિશેષ 'એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ' (EWG)ડીઝલનો જથ્થો બીપીસીએલએ બીના રિફાઇનરીમાંથી રવાના કર્યો છે. 

ડીઝલ સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવામાં આવ્યું 

બીપીસીએલના જણાવ્યા અનુસાર, આ પ્રથમ કન્સાઈનમેન્ટને લેફ્ટનન્ટ જનરલ મુકેશ ચઢ્ઢા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ  પ્રસંગે ભારતીય સેના, રેલ્વે અને બીપીસીએલના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ડીઝલ બીપીસીએલના કોર્પોરેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (સીઆરડીસી) અને બીના રિફાઇનરીના સહયોગી પ્રયાસો દ્વારા સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે.

EWG ડીઝલની મુખ્ય વિશેષતાઓ 

EWG ડીઝલની મુખ્ય વિશેષતામાં  ભારે ઠંડીમાં પણ એન્જિન તરત જ શરૂ થાય છે. તેમજ શૂન્યથી નીચે તાપમાને પણ ઈંધણ જામતું નથી અને સરળતાથી કાર્ય કરે  છે. તેમજ પડકારજનક ભૂપ્રદેશો અને ઊંચાઈ પર પણ  એન્જિન સંપૂર્ણ પાવર સાથે કામ કરશે. તેમજ આ ડીઝલ એન્જિનનું જીવન લંબાવે છે અને જાળવણી ખર્ચ ઘટાડે છે. આ ડીઝલ -60°C તાપમાનમાં પણ સારી રીતે કાર્ય કરી શકે છે. 

આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો

બીપીસીએલના ડિરેક્ટર  શુભંકર સેને જણાવ્યું હતું કે આ શોધ 'આત્મનિર્ભર ભારત' પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમણે નોંધ્યું હતું કે આ ડીઝલ દેશની વ્યૂહાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.આ  દરમિયાન, બીના રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આને  ટીમવર્કની જીત ગણાવી અને ખાતરી આપી કે રિફાઇનરી ભવિષ્યમાં દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઇંધણનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખશે.