Thu Sep 10 2026

Logo

મેસીની 23 વર્ષની કરીઅરમાં પહેલો બનાવઃ લીગ રાઉન્ડમાં જ ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ!

Miami   2026-08-13 19:57:59
Author: Ajay Motiwala
મેસીની 23 વર્ષની કરીઅરમાં પહેલો બનાવઃ લીગ રાઉન્ડમાં જ ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ!

માયામી (અમેરિકા): ફૂટબૉલ જગતના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ છેલ્લા એક મહિનામાં મોટા બે આઘાત સહન કરવા પડ્યા ત્યાં બુધવારે તેણે ત્રીજો આંચકો સહેવો પડ્યો હતો. 19મી જુલાઈએ ન્યૂ જર્સીમાં ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં સ્પેન સામે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં મેસી (Messi)ની કૅપ્ટન્સીમાં આર્જેન્ટિનાનો 0-1થી પરાજય થયો એના ત્રણ અઠવાડિયા બાદ (સાતમી ઑગસ્ટે) મેસીના પિતાનું અવસાન થયું હતું અને બુધવારે મેસીએ 23 વર્ષની કરીઅરમાં પહેલી જ વખત લીગ રાઉન્ડના સ્તરે જ પોતાની ટીમને ટૂર્નામેન્ટની બહાર થતી જોવી પડી.

ઇંગ્લૅન્ડના ફૂટબૉલ-લેજન્ડ ડેવિડ બેકહૅમની સહ-માલિકીવાળી ઇન્ટર માયામી (Inter Miami) ટીમની કૅપ્ટન્સી મેસી સંભાળી રહ્યો છે અને આ ટીમનો બુધવારે લીગ્સ કપમાં ક્લબ લીઓન નામની ટીમ સામે 2-3થી પરાજય થયો હતો. એ સાથે, મેસીની ટીમ લીગ સ્ટેજ (League Stage)માં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી અને ક્લબ લીઓને નૉકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. મેસી આ મૅચમાં એકેય ગોલ નહોતો કરી શક્યો.

આ ટૂર્નામેન્ટમાં મેસીની ટીમે ત્રણ મૅચ રમીને માત્ર ત્રણ પૉઇન્ટ મેળવ્યા છે. મેસીના પિતા ઝોર્ઝ મેસીનું ગયા અઠવાડિયે 68 વર્ષની વયે નિધન થયું હતું. મેસીને સફળ કારકિર્દી બનાવવામાં તેના પિતાની બહુ મોટી ભૂમિકા હતી. મેસીએ બુધવારે જ સોશ્યલ મીડિયામાં પિતાને અંજલિ આપતા જણાવ્યું હતું કે `તમારા વિના હું કરીઅરમાં કેવી રીતે આગળ વધીશ એ જ નથી સમજાતું. હું તમારા વગર હવે લાંબા સમય સુધી રમીશ કે નહીં એમાં મને જ શંકા છે.'

શનિવારે મૉન્ટેરી ક્લબની ટીમ સામે ઇન્ટર માયામીનો 1-2થી પરાજય થયો હતો. બુધવારે ક્લબ લીઓન સામેની મૅચમાં પહેલાં તો મેસી બેન્ચ પર જ બેઠો હતો અને સેક્નડ હાફમાં રમવા આવ્યો હતો. 54મી મિનિટ સુધી માયામીની ટીમ 2-1થી આગળ હતી, પણ બીજા હાફમાં લીઓનના ડેનિયલ આર્સિલાના બીજા ગોલ અને યુઆન પાબ્લો ડૉમિન્ગ્વેઝના ગોલની મદદથી લીઓને 3-2થી મૅચ જીતી લીધી હતી.