Fri Sep 04 2026

Logo

અમેરિકાએ ગુજરાતને કેમ જોખમી સ્થળ ગણાવ્યું ? ચીન સાથે શું છે ગુજરાતનું કનેક્શન ?

2026-08-19 08:59:00
Author: Vimal Prajapati
અમેરિકાએ ગુજરાતને કેમ જોખમી સ્થળ ગણાવ્યું ? ચીન સાથે શું છે ગુજરાતનું કનેક્શન ?

અમદાવાદ / વોશિંગ્ટન સીટીઃ અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા તાજેતરમાં 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ' શીર્ષક હેઠળ એક વિસ્ફોટક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર પીટર નવારો દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલા 100% ભારે ટેરિફથી બચવા માટે ચીન થર્ડ-પાર્ટી દેશોના માર્ગે પોતાનો સામાન US માર્કેટમાં ઘૂસાડી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ રિપોર્ટમાં ગુજરાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

શું છે આ 'ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ' રિપોર્ટ?

આ રિપોર્ટમાં ભારતના ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત, પુણે અને ચેન્નાઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે વૈશ્વિક વેપાર જગતમાં ચર્ચા જગાડી છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વોરના કારણે ચીની સામાન પર ભારે કરાધાન છે. આનાથી બચવા માટે ચીન પોતાના માલને પડોશી કે અન્ય સહયોગી દેશોના પોર્ટ્સ પર મોકલે છે. ત્યાં તે સામાનનું રી-પેકિંગ થાય છે, 'મેઇડ ઇન ચાઇના'ના ટેગ હટાવીને સ્થાનિક દેશનું લેબલ લગાવી દેવાય છે અને ત્યારબાદ આ માલ ઓછા ટેરિફ સાથે અમેરિકી બજારમાં પહોંચાડી દેવાય છે.

 

ગુજરાતના મેન્યુફેક્ચરિંગ બેલ્ટ પર શું આરોપ છે?

અમેરિકી અહેવાલ મુજબ, ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચીનથી આવતા એન્જિન પંપ અને કોમ્પ્રેસર ઉતારવામાં આવે છે. અહીં તેના લેબલ બદલી 'ઇન્ડિયન પ્રોડક્ટ' તરીકે યુએસ મોકલાય છે. આ કારણે સિનસિનાટી, ડેટન અને કોલંબસ જેવા અમેરિકી પ્રોડક્શન સિટીઝની સપ્લાય ચેઇન અને સ્થાનિક રોજગારી પર વિપરીત અસર પડી રહી છે. પીટર નવારો દ્વારા તૈયાર કરાયેલા 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ' રિપોર્ટમાં આ આખી મોડેસ ઓપરેન્ડી ઘણા ઉદાહરણો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

 

સ્વાભાવિક છે કે, ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી છે. અનેક પ્રકારના વૈશ્વિક વેપાર માટે ગુજરાતના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે હવે અમેરિકાએ ગુજરાતને નિશાન બનાવીને ભારત પર આક્ષેપ કર્યો છે. ચાઈના ટેરિફથી બચવા માટે ગુજરાતનો ઉગયોગ કરીને પોતાનો સામાન અમેરિકા પહોંચાડે છે, જેના કારણે અમેરિકા ભારતથી નારાજ થયું છે. જેમાં ખાસ કરીને ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકાના આવા આક્ષેપથી ડરવાની જરૂર નથી, વૈશ્વિક વેપારમાં આવા આક્ષેપો થતા રહે છે.