Wed Sep 02 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ 100 ગ્રામ સહાનુભૂતિ મળશે?

2026-08-19 10:19:00
Author: Sanjay Chhel
હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ 100 ગ્રામ સહાનુભૂતિ મળશે?

સંજય છેલ

કમાલની વાત છે કે આજના જમાનામાં હજી બ્રેકિંગ ન્યૂઝ નથી ફેલાયા કે મારા પગનું હાડકું ભાંગી ગયું છે! અખબારમાં ઘણા ધમાકેદાર સમાચારો ને નાની-નાની વાતો છપાતી રહે છે, જેમ કે ક્યાંક ઇરાન-અમેરિકાનું યુદ્ધ તો ક્યાંક એક પત્નીએ બીજા પતિને ત્રીજીવાર મારી નાખ્યો વગેરે વગેરે..

આ બધા વચ્ચે  મારા પગ ભાંગવાના સમાચારને જાણીબૂઝીને દબાવવામાં આવ્યા છે. આમાં મને કોઈ વિદેશી તાકાતનું કાવતરું લાગે છે. વળી છેક મોરિશિયસમાં વિશ્વ હિન્દી સંમેલન યોજવાનો શું ફાયદો? મારી પાસે હજુ સુધી ત્યાંના પ્રધાનમંત્રી શિવસાગરજીનો આમંત્રણ પત્ર પણ નથી આવ્યો, છતાં હું મોરિશિયસ હિંદી સંમેલનમાં જવાનો જ હતો, પણ યાત્રાના 3 દિવસ પહેલાં જ મારો પગ ભાંગી ગયો. 

હું પૂછું છું કે બીજા કયા હિન્દી લેખકનો પગ ભાંગ્યો છે? કોણ પોતાની ભાષા માટે પગ તોડાવે? ઍક્ચ્યુઅલી, મારા આ ભાંગેલા પગનું હિન્દી આંદોલનમાં મોટું મહત્ત્વ છે. મેં ભલે સારું નહીં લખ્યું હોય, પણ કમસે કમ  સારી રીતે પગ તો તોડાવ્યો છેને? બાકીના લેખકો કેટલા બકવાસ છે કે જે ના તો સારું લખે છે કે ના તો હાથ-પગ તોડાવવાની તસ્દી લે છે.

કોઈ અકસ્માત કે નુકસાન થાય ત્યારે બિચારો લેખક શું ઇચ્છે? થોડીઘણી પ્રસિદ્ધિ. હું એવું ક્યાં કહું છું કે મારો કોઈ મહાન લેખક તરીકે પ્રચાર કરો? હું તો બસ એટલું જ ઇચ્છું છું કે મારા પગ ભાંગવાની વાત સમાજમાં ફેલાય અને સાથે સાથે એવી પણ ચર્ચા થાય કે હું એક લેખક છું. બસ. જાણ્યે અજાણ્યે મેં ઘણાને કવિ બનાવ્યા છે. એક જમાનામાં હું અખબારમાં કામ કરતો હતો. ત્યાં એક સજ્જન કવિતા લખતા, પણ એમને કોઈ કવિ માનતા નહોતા. 

એક રાત્રે એમના ઘરે ચોરી થઈ ગઈ. મેં એ સમાચારને હેડિંગ આપ્યું: ‘કવિના ઘરે ચોરી’. બીજા દિવસે કવિ મારી પાસે આવ્યા ને બહુ ખુશ હતા! કહેવા લાગ્યા કે હું તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. મેં પૂછ્યું કે શું ચોરાયેલો સામાન પાછો મળી ગયો? એમણે કહ્યું, ‘ના..ના.. પણ તમે મને કવિ તરીકેની ઓળખ આપી, મારું નામ રોશન કર્યું.’ એમને એમના ચોરાયેલા માલનું જરાય દુ:ખ નહોતું. 3-4 હજારનો સામાન ગયો તો શું થયું? પણ એ નુકસાનના જોરે ‘કવિ’ તરીકે સમાજમાં જાણીતા તો થઈ ગયા. પ્રખ્યાત થવા તે કૂતરા પાસે પણ કરડાવે, જેથી છાપાંમાં છપાય કે ‘કવિને કૂતરો કરડ્યો’.

પણ પછી મેં મારા તરફથી કોઈ કચાશ નહીં છોડી. ગમે તે વિષય પર લખું, એમાં મારા ભાંગ્યા પગનો ઉલ્લેખ અચૂક કરી દઉં. પછી ભલે એમાં થોડી બેવકૂફી દેખાય. આવું ભોળપણ એ સાહિત્યનું જરૂરી લક્ષણ છે... લોકો પૂછે નહીં તો પણ હું સામેથી જ પત્ર લખતો- ‘પ્રિય ભાઈ, તબિયત સુધારા પર છે. હવે થોડો ઘણો ચાલી શકું છું.’

એક દિવસ કાનપુરથી એક સજ્જન આવ્યા. જે આગળ જઈને દુર્જન સાબિત થયા. હું તો ફૂલાઈ ગયો કે આટલે દૂરથી લોકો મારી ખબર કાઢવા આવે છે! મેં પૂરી અદાથી એમને કહ્યું, હવે પગ ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે. બાકી દુ:ખાવો તો હજી છે જ. એ  વિચારમાં પડી ગયા ને પૂછવા લાગ્યા,

તમે કોની વાત કરો છો? કોના પગમાં દુ:ખાવો છે?
આ સાંભળીને મારી હાલત કફોડી થઈ ગઈ! મેંએમને વિગતવાર કહ્યું ત્યારે માંડ માંડ સમજ્યા ને બોલ્યા, અરે! મને તો ખબર જ નહોતી. મેં પૂછ્યું, ‘કેમ? કાનપુરમાં તમને ગિરીરાજ કિશોર કે કામતાનાથે નથી કહ્યું? 

પેલા ભાઈએ કહ્યું, ના ભાઈ! હું તો એમને ઓળખતોય નથી.
મને થયું કે પેલા બંને સાહિત્યકારો કાનપુરમાં કરે છે શું? કોઈ એમને ઓળખતુંયે નથી? પેલાએ કહ્યું, અમે તો અહીં તિવારીજીના છોકરા સાથે દીકરીનાં લગ્ન નક્કી કરવા આવ્યા છીએ. અમને કોઈએ કહ્યું કે તમે તિવારીને બરોબર ઓળખો છો, એટલે થયું તમારો અભિપ્રાય પૂછીએ. આ સાંભળતાં જ મારા મગજનો પારો છટક્યો અહીં એક લેખકનો પગ ભાંગ્યો છે ને આને લગ્નની પડી છે? મને તો થયું કે એ છોકરીનું સગપણ ગમે તેમ કરીને તોડાવી નાખું ને જઈને કહી દઉં કે પેલો છોકરો શરાબી ને જુગારી છે પણ એટલી મારી હિંમત નહીં થઈ.

સાચી સહાનુભૂતિ ખાલી દયા ખાવા ખાતર જ નથી અપાતી, ઘણીવાર તો એવી ચટપટી હોય કે સાંભળીને મોંમાં પાણી આવી જાય! હિંદીના મહાન કવિ ‘નિરાલા’ના અવસાન પછી એક જાણીતા સાહિત્યકારે મને કહેલું- બિચારા નિરાલાજી, જીવનભર દુ:ખ વેઠીને આખરે મોતને ભેટ્યા. આટલી મહાન પ્રતિભાનો આટલો કરુણ અંત? પહેલાં લાગ્યું કે એ ભાઈ સ્વ. નિરાલાજી માટે દુ:ખી થઈ રહ્યા છે, પણ પછી તરત જ બોલ્યા  હવે તો મરે જ ને! બધાં પાપ તો ખુલ્લેઆમ કરતા હતા - દારૂ, વેશ્યાગમન... સાંભળીને મને થયું કે મારી સામે કોઈ રોગી બેઠો છે જે અંદરથી સાવ સડી ગયો છે.

સહાનુભૂતિનું પણ એક અજબ સંકટ હોય છે. એકવાર એક સજ્જનના પરમ મિત્ર હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. ડૉક્ટરોએ કહી દીધેલું કે હવે એ માંડ અડધો કલાકના મહેમાન છે.

પેલાએ ઑફિસમાંથી અડધા દિવસની રજા લીધી અને મરનાર મિત્રની સ્મશાનયાત્રામાં જવા તૈયાર થઈને ઘરમાં બેસી રહ્યા. પણ 23 કલાક વીતી ગયા છતાંય કોઈ ખબર નહીં! એટલે પેલા ખીજાઈને બોલ્યા, આ તે કેવી મુસીબત? આપણને તો કહેલું કે અડધા કલાકમાં ખેલ ખતમ! પણ 33 કલાક થઈ ગયા પણ ઓલી બાજુથી કોઈ પત્તો જ નથી! મરનારની પણ આ હદ બહારની બેદરકારી કહેવાય!

બીમારીની અસીમ કૃપાઓથી લોકો શું શું નથી મેળવી લેતા હોતા. મારા એક કવિ મિત્ર જે સમાજસેવક પણ હતા ને વળી ખાસ્સા લોકપ્રિય પણ ખરા, તે ગંભીર રીતે બીમાર પડ્યા.. જ્યારે પણ કોઈ સ્ત્રી એમની ખબર પૂછવા આવે, એટલે તરત જ તેઓ માથું પકડીને નિ:સાસો નાખવા લાગે: ઓહ, મારું માથું ફાટી જશે એવું લાગે છે! પેલી સ્ત્રી સહજભાવે જ તરત આવીને તેમનું માથું પ્રેમથી દબાવવા લાગતી. જે સ્ત્રીઓના પ્રેમ માટે તેઓ યુગોથી તરસતા હતા, તેમની પાસે જ તેમણે માથું  દબાવવાનું સુખ મેળવી લીધું! પણ રોજનું આ જાઈને કવિની પત્નીએ ગુસ્સાથી કહી દીધું,

આ તમારું માથું ફક્ત કોઈ સ્ત્રી આવે ત્યારે જ કેમ દુ:ખવા લાગે છે? જ્યારે હું આસપાસ હોઉં છું ત્યારે તો ક્યારેય નથી દુખતું! મારા મિત્ર પણ એવા પહોંચેલા હતા કે તરત બોલ્યા, અરે પાગલ! તને જોઈને તો મારું મોત પણ ભાગી જાય છે, તો પછી આ માથાનો શું હિસાબ?

એક દિવસ એક અજાણ્યો માણસ મને બહુ ગમી ગયો. એણે કહ્યું, અરે, આ પગ-બગની ચિંતા શું કરો છો? સૌ સારાવાનાં થઈ જશે. બોલો, નવું કંઈક લખી રહ્યા છો? મેં જવાબ આપ્યો, હા ભાઈ, રેડિયો પર લોકસભાની ચૂંટણીના તાજાં પરિણામો સાંભળી રહ્યો છું ને સાથે સાથે લખી પણ રહ્યો છું- મારી ઘરની સામે પેલું મોટું ઝાડ ઊભું છે ને? જરા સરખી પવનની લહેરખી આવે છે તો એનાં પાંદડાં એવી રીતે ખરી પડે છે જેમ સત્તાપક્ષના ઉમેદવારો ચૂંટણીમાં પછડાઈ રહ્યા હોય! અને જે પીળા પડેલાં પાંદડા દેખાય છે ને, સમજો કે એમની જામીન પણ જપ્ત થઈ ગઈ છે!

પેલા ભાઈએ આશ્ચર્યથી કહ્યું, અરે વાહ, તમે તો એકદમ રાજકીય કટાક્ષ લખી રહ્યા છો! 
મેં કહ્યું, કરેક્ટ, આ દેશમાં કટોકટી અને સેન્સરશિપના ત્રાસથી હુંયે બીજા કાયર લેખકોની જેમ ચૂપચાપ બેસી રહ્યો હતો. હવે મારાથી ચૂપ નથી રહેવાતું. મારે જગતને જણાવવું જ પડશે કે મારો પગ ભલે ભાંગ્યો હોય પણ માટીપગો નથી. અસલી બહાદુર લેખક તો ફક્ત હું જ છું, હોં?