સંજય છેલ
એયને પેટ ભરીને મસ્ત જમ્યા પછી હું લગભગ માનવતાવાદી બની જતો હોઉં છું. ભરેલું પેટ હંમેશાં માણસાઈના વિચારો આપે. એમાંયે બીજાના ઘરે જમ્યા પછી તો મારા મનમાં વધુ ને વધુ ઊંચા ને પવિત્ર વિચારો આપોઆપ આવવા લાગે! જોકે કેટલાક લોકો ભૂખ્યા હોય ત્યારે ઊંડું ચિંતન કરવા માંડે છે. અમુક સંત ફકીર મહાત્માઓને પેટ ભરાઈ જાય પછી દુરાચાર સૂઝે છે ને ખાલી પેટે જીવનની ફિલસૂફી!
મારી પ્રકૃતિ એ મહાત્માઓ સાથે બિલકુલ મેળ નથી ખાતી. હું ભૂખ્યો હોઉં ત્યારે પાણીપૂરી, ભેલપૂરીની દુકાન સિવાય મારા વિચારો આગળ વધતા જ નથી. જોકે એટલું નક્કી છે કે વિચારો પેટમાંથી જ જન્મે છે. પછી એ ભરેલું હોય કે પછી ખાલી! એટલે સૌથી મુખ્ય વાત આધ્યાત્મને નહીં પણ પોતાના પેટને સમજવાની છે. જો તમે તમારા પેટને બરાબર નહીં સમજો તો ભવસાગરમાં ભૂખ્યાપેટે ગોથાં ખાઈ શકો છો.
મારા એક ગાંધીવાદી નેતા મિત્ર શુદ્ધિ માટે વર્ષમાં એકાદ-બે વાર ઉપવાસ કરી નાખતા હતા. દરેક ઉપવાસ પછી એમની પાર્ટીની હાલત વધારે બગડી જતી. મેં સમજાવ્યું તો એમણે ઉપવાસ બંધ કરી દીધા ને થોડા જ સમયમાં પાર્ટીની હાલત તરત સુધરવા માંડી. મેં સમજાવ્યું કે ‘હવે પૉલિટિક્સમાં ઉપવાસથી નહીં, પણ માલ ખાવાથી સુધારો થાય છે.
એક મહિનો કોઈ બીજાનું ખાઈને જુઓ કે કમરમાં કેટલી વૃદ્ધિ થાય છે.’ નેતાએ ભોળાભાવે પૂછ્યું, ‘એટલે કે હરામખોરીથી તંદુરસ્તી મળે?’ મેં કહ્યું, ‘મોંમાં આંગળા નાખીને બોલાવો નહીં. ઉપવાસનું કંઈ ઠેકાણું નથી. તમે સોમવારના નામે ઉપવાસ રાખીને આખો દેશ સારું વિચારે છે કે ખરાબ, એનું રિસર્ચ કરીને રિપોર્ટ કઢાવો.’
એક સવારે સામેની ઝૂંપડીમાં રહેતી સ્ત્રી એના છોકરાને એટલા માટે ઢીબતી હતી, કારણ કે એ રોટલી માગી રહ્યો હતો. છોકરાએ વિચાર્યું કે ભૂખ સહન કરવા કરતાં માર ખાવામાં વધારે ત્રાસ છે. એ ભૂખ્યો જ મા-બહેનની ગાળો આપી નાસી ગયો. હવે મને એ છોકરાથી ડર લાગે છે કે મને જમતો જોઈને ગાળો ના આપી બેસે!
એકવાર દોસ્તના લગ્નપ્રસંગે ભરપૂર થાળી જમીને ઊંઘતા ઊંઘતા વિશ્વકલ્યાણની ઊંચી ઊંચી કલ્પનાઓના ઘેનમાં ઘોરતો હતો કે ભાઈ અચાનક મળવા આવ્યા. શું છે કે મારા જેવો જે લેખક નોકરી નથી કરતો તે એવી ગાય હોય છે જેને કોઈ પણ પકડીને મફતમાં દોહી શકે. હું સમજી ગયો કે આ સજ્જનને ચા માટે દૂધની જરૂર પડી ગઈ છે એટલે મને દોહવા અર્થાત્ જ્ઞાન મેળવવા આવ્યા છે.
એમના હાથમાં એક પાઠ્યપુસ્તક હતું. કહેવા લાગ્યા, ‘સૉરી, થોડી મદદ કરશો? આમાંથી કબીરદાસનાં પદોનો અર્થ સમજાવશો?’
મેં કહ્યું, ‘તમે કોઈ પરીક્ષા આપવાના છો?’
એમણે કહ્યું, ‘અરે ના, ના. મારી વાઇફ પરીક્ષા આપવાની છે.’
મેં કહ્યું, ‘તો તમારે શું કામ દોહાના અર્થ સમજવા છે?.’
એમણે કહ્યું, ‘હું સમજી લઉં પછી પત્નીને સમજાવી દઈશ.’
મેં પૂછ્યું, ‘એ પોતે કેમ નથી સમજી લેતાં?’
ભાઈ ચૂપ થઈ ગયા. મેં વિચાર્યું, કાં તો આ મને મૂર્ખ સમજે છે અથવા પોતાની પત્નીને ચાલુ! એને શંકા છે કે એની વાઇફને કબીરજી સમજાવતાં સમજાવતાં, હું ભર્તૃહરિનું શૃંગારશાસ્ત્ર સમજાવવા લાગું.
મેં કહ્યું, ‘જુઓ, તમે સાહિત્યના વિદ્યાર્થી નથી. હું જે સમજાવીશ એનું 50 ટકા તમને સમજાશે. એમાંથી 25 ટકા જ પત્નીને તમે કહી શકશો. પાસ થવા માટે કમસે કમ 33 ટકા જોઈએ. એટલે તમે અર્થ સમજાવશો તો એ ફેલ થઈ જશે.’
એમણે થોડી વાર વિચારીને કહ્યું, ‘હં રાઇટ. મારી પત્નીએ જ સમજવું જોઈએ.’
મેં ધીમેથી કહ્યું, ‘આ પુસ્તકમાં તો શૃંગારિક કવિવિદ્યાપતિ પણ છે.’ એમણે તરત જ કહ્યું, ‘રહેવા દો. એ તો અશ્ર્લીલ છે. એ હું સમાજાવી દઈશ.’
મેં મનમાં કહ્યું, ‘અલ્યા, તું કબીરજીને કેટલો સમજે છે? એમને બરોબર સમજો તો વિદ્યાપતથીયે ખતરનાક લાગે.‘મન ફૂલા ફૂલા ફિરે જગ મેં કૈસા નાતા રે’-જો ધ્યાનથી તારી પત્ની સમજી લે તો તારી મૅરિડ લાઇફની વાટ લાગી જાય!’
એક આચાર્ય અમને હિન્દી કાવ્ય ભણાવતા, એમને પણ અશ્ર્લીલતાનો બહુ ખોફ હતો. જ્યાં પણ સુંદર કાવ્યપંક્તિઓ આવતી તેઓ મોઢું બગાવીને કહેતા, ‘આને જવાદો, અશ્ર્લીલ છે.’ જોકે છોકરીઓને અલગથી એ પંક્તિઓ સમજાવવા માટે તે સદાતત્પર રહેતા. કેટલાક લોકો માટે દરેક સુંદરતા અશ્ર્લીલતા છે. જે કુરૂપ છે, એ જ પવિત્ર છે. કુરૂપતા સિવાય પવિત્રતાની કલ્પના જ એમનાથી થતી નથી.
વરસો પહેલાં હું ‘વસુધા’ મૅગેઝિન કાઢતો. એક સજ્જન પોતાની કવિતાઓ આપવા આવ્યા. મેં પૂછ્યું, ‘આ તમે લખી છે?’
તે બોલ્યા, ના, ‘વાઇફે’ લખી છે. જરા જોઈ લોને.’
‘ઠીક છે.’
‘તો તમારા મૅગેઝિનમાં છાપી દો.’
મેં કહ્યું, ‘નહીં છપાય.’
‘કેમ?’
મેં કહ્યું, ‘નબળી છે.’
તે બોલ્યા, ‘જે ખરાબી હોય એ તેમને જણાવી દો. જે સુધારા તમે કહેશો, હું મારી પત્નીને કહી દઈશ. એ સુધારી લેશે.’
મેં કહ્યું, ‘આ કવિતા છે. ગણિત નથી કે હું દાખલો ઉકેલવાની રીત સમજાવી દઉં ને તમે સમજી લો. આ તો જેણે લખ્યું છે એ જ સમજી શકે.’
તે ફરી આગ્રહ કરવા લાગ્યા.
મેં કહ્યું, ‘હું એમને જ કહીશ.’
તે ચિંતાતુર થઈને બોલ્યા, ‘એ કેવી રીતે આવશે?’
‘કેમ? વાઇફને ચાલવામાં પ્રૉબ્લેમ છે?’ મેં પૂછ્યું,
‘ના... ના... વાત એમ છેને કે એ ‘જરા વાઇફ’ છે ને!’
હું ચકરાઈ ગયો કે ‘એ જરા વાઇફ છે ને!’ એટલે શું?
મને થયું કે એની પત્ની બીમાર પડે ને ડૉક્ટર પાસેથી સ્ટેથોસ્કોપ લઈને આ ભાઈ એની પોતાની છાતી પર મૂકતો હશે?
ડૉક્ટર પણ કહેતો હશે કે બીમાર તો તમારી પત્ની છે!
ને આ કહેતો હશે, હા, પણ મને જ તપાસી લો... ‘એ જરા વાઇફ છે ને’!
ડૉક્ટર કહેતો હશે, ‘એમની જીભ જોવી છે.’
આ પોતાની જીભ બહાર કાઢતો હશે, ‘મારી જ જીભ જોઈ લો. એ જરા વાઇફ છે ને!’
મેં એમને સમજાવ્યું, ‘જુઓ ભાઈ, આ કવિતાઓ લઈ જાઓ. પતિવ્રતાઓએ આવી ઝંઝટમાં ન પડવું જોઈએ.’
પોતાની સ્ત્રીની પ્રગતિ ચાહનારા ઉત્સાહી પુરુષો સાથે અનેક વાર પનારો પડ્યો છે. એ બધાની મૂંઝવણ સમજું છું ને સહાનુભૂતિ પણ રાખું છું.
સફળ સ્ત્રીના પતિ કહેવડાવવાનું ગૌરવ સારું કહેવાય, પણ પેલી ‘જરા વાઇફ‘ આગળ વધે કેવી રીતે? કેટલાક લોકો વાઇફની આંખો પર પટ્ટી બાંધીને એને આગળ લઈ જવા માગે છે. જ્યારે પટ્ટી ખૂલે ત્યારે એ કહે, ‘અહા, જોયું ડાર્લિંગ, તમે તો કેટલા આગળ વધી ગયાં!’
આમાં કંઈ ખરાબ નથી. ફક્ત એટલું જ કે માણસ જિંદગીભર વાઇફના કુલીનું કામ કરે રાખે છે. હું જાણું છું આવી વાતોથી લોકો નારાજ થાય છે.
થોડા દિવસો પહેલાં આવા જ લોકો મારાથી નારાજ થઈ ગયેલા. એક સાંસ્કૃતિક સંસ્થાનો વાર્ષિકોત્સવમાં મને બોલવેલો. નાટ્યસંગીતના રંગારંગ પ્રોગ્રામ પછી સંસ્થાવાળાઓ સાથે ચા પીતાં મેં પૂછ્યું, ‘વર્ષમાં કેટલાં નાટક ભજવો છો?’
તે બોલ્યા, ‘વધારે નથી થઈ શકતાં. શું છે કે સ્ત્રી પાત્રો માટે સારા ઘરની સ્ત્રીઓ નથી મળતી.’
‘તો તમારી પત્નીઓને સ્ટેજ પર ઉતારોને? તમારી પત્નીઓ જો નાટકમાં કામ કરશે તો બીજાઓની પણ આવશે. તમારામાંથી કેટલાની પત્ની સ્ટેજ પર આવે છે?’
‘કોઈની નહીં.’
મેં કહ્યું, ‘આપણી આ જ મુશ્કેલી છે કે આપણે હંમેશાં બીજાની પત્નીને શોધીએ છીએ. બીજાની સ્ટેજ પર આવી જાય, પોતાની ન આવે. બીજાની ન આવે તો કહીએ કે બહુ પછાત લોકો છે. આપણે પછાત નથી? આપણે તો વાઇફનું જાણે અથાણું બનાવીને ઘરમાં મૂકી રાખી છે.’
એ લોકો નારાજ થઈ ગયા, પણ મને સારું લગાડવા કહ્યું કે ‘તમે એકદમ સાચું કહો છો.’ જોકે એમની આંખો કહેતી હતી, એ કેવી રીતે આવશે? એ ‘જરા વાઇફ’છે ને!