ભાટી. એન.
રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના નિર્મળ, નિ:સ્વાર્થ અને અતૂટ પ્રેમનું પર્વ. બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે ત્યારે માત્ર દોરો જ નથી બાંધતી, પરંતુ ભાઈની સુખાકારી, દીર્ઘાયુષ્ય અને સલામતી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. એક સમય હતો જ્યારે સાદો રેશમી દોરો કે નાનો કાચો દોરો પણ પ્રેમની લાગણી સાથે રાખડી બની જતો; આજે સમય બદલાયો છે અને રાખડીમાં પણ અવનવી કલ્પનાઓ, રંગો, આકારો અને આકર્ષક ડિઝાઇનનો સમન્વય જોવા મળે છે.
હાલ બજારોમાં રક્ષાબંધનની રોનક છવાઈ ગઈ છે. રંગબેરંગી રાખડીઓથી શણગારેલી દુકાનો ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સુંદર ઝલક રજૂ કરી રહી છે. નાનાં બાળકો માટે કાર્ટૂનથી લઈને વિવિધ આકર્ષક આકારોની રાખડીઓ અને ભાઈઓ માટે ખાસ પસંદગીની રાખડીઓ બજારમાં જોવા મળે છે. શ્રાવણ માસ એટલે તહેવારોની હારમાળા. રક્ષાબંધન બાદ સાતમ, આઠમ અને જન્માષ્ટમી જેવા પર્વોની ઉજવણી સાથે ગામેગામ મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમોની પણ શરૂઆત થશે. સમગ્ર વાતાવરણમાં ભક્તિ, આનંદ અને ઉત્સવની રંગત છવાઈ જશે.
રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેનના સ્નેહની એવી અમર પ્રેમકહાની છે, જેમાં બાળપણની યાદો, લાગણી, લાગવગ અને જીવનભરનો સાથ સમાયેલો છે. બહેનની રાખડી ભાઈના કાંડે બંધાય છે, પરંતુ તેની લાગણી સીધી હૃદય સુધી પહોંચે છે. ભાઈ પણ બહેનના માન-સન્માન અને સુખની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. તા. 28/08/2026, શુક્રવારના રોજ ઉજવાતું આ પવિત્ર પર્વ દરેક ભાઈ-બહેનના જીવનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને લાગણીના નવા રંગો ભરી દે તેવી શુભકામનાઓ.