Sat Sep 05 2026

Logo

નર્મદા ACBની મોટી કાર્યવાહી, રૂપિયા 40,000ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ ઝડપાયા

2026-08-19 11:39:00
Author: Vimal Prajapati
નર્મદા ACBની મોટી કાર્યવાહી, રૂપિયા 40,000ની લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ ઝડપાયા

ભરૂચઃ એકબાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી અનેક દવાઓ અને ખાદ્ય પદાર્થો માર્કેટમાં વેચાઈ રહ્યાં છે, તેમાં કાર્યવાહી કરવાને બદલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ લાંચ લેવા માંગે તો? આવી જ ઘટના ભરૂચમાં બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દવાના નવા હોલસેલ લાઈસન્સ આપવાના બદલામાં રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ-1ના અધિકારી (પ્રકાશ નાનકરામ પોસનાની, મદદનીશ કમિશનર ) અને વર્ગ-2ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેનને નર્મદા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

એક જાગૃત નાગરિકે ભરૂચ સ્થિત મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરી હતી. આ લાઈસન્સની મંજૂરીની પ્રક્રિયા માટે આરોપી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે ફરિયાદીને જણાવ્યું હતું કે, ‘તમારા લાઈસન્સની કામગીરી થઈ જશે, પરંતુ તેના માટે સાહેબને રૂપિયા 40,000 થી રૂપિયા 50,000 આપવા પડશે’. એટલે કે સ્પષ્ટરૂપે સરકારી કર્મચારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.

ACBએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી

ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તારીખ 18 ઓગસ્ટ 2026ના રોજ ACBની ટીમે ભરૂચ કચેરી ખાતે મદદનીશ કમિશનરના ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા જ બંને અધિકારીઓને ACBની ટીમે સ્થળ પર જ પકડી પાડ્યા હતા. ACBએ લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી બંને અધિકારીઓ સામે પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.