Mon Oct 05 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ: દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો યુવા પેઢીના ભવિષ્ય માટે કોંગ્રેસ રાજ્યવ્યાપી જનઆંદોલન કરશે: અમિત ચાવડા

2026-08-19 19:06:12
Author: Pooja Shah
ભાવનગર લઠ્ઠાકાંડ: દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો યુવા પેઢીના ભવિષ્ય માટે કોંગ્રેસ રાજ્યવ્યાપી જનઆંદોલન કરશે: અમિત ચાવડા

અમદાવાદઃ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ગાંધીજીનું ગુજરાત છે, જ્યાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. પરંતુ હપ્તા લેતી આ સરકારના શાસનમાં દારૂબંધીના કાયદાના રોજેરોજ લીરેલીરા ઉડી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં અનેક વખત લઠ્ઠાકાંડ થયા છે અને ઝેરી તથા નકલી શરાબના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં સરકાર આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. 

 ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના કારણે બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. આ બે લોકોના મોત માટે જવાબદાર કોણ, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. 


ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના કારણે થયેલા મોત માટે સીધી જવાબદારી પોલીસ તંત્રની તો છે જ, પરંતુ તેની સાથે આ સરકારના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારની નાક નીચે દારૂ વેચાય અને ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થાય, તો જવાબદારી માત્ર નાના અધિકારીની નક્કી કરીને સરકાર પોતાની જવાબદારીથી બચી શકે નહીં. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વારંવાર જાહેર કાર્યક્રમો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દારૂના અડ્ડાઓ પર જઈને જનતા રેડ કરી છે અને વિધાનસભામાં પણ વારંવાર દારૂબંધી, દારૂના ગેરકાયદે વેપાર અને ડ્રગ્સના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

આવનારા દિવસોમાં પણ જો આ સરકાર હપ્તાની લાલચમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ નહીં કરે, તો ગુજરાતની નવી યુવા પેઢીને દારૂ અને ડ્રગ્સના નશાથી બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી જનઆંદોલનના સ્વરૂપમાં મેદાનમાં ઉતરશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર પણ દેખાવી જોઈએ. દારૂબંધીના કાયદાનો કડક અને સંપૂર્ણ અમલ કરાવવાની આ લડાઈ કોંગ્રેસ જનતાની સાથે રહીને અંત સુધી લડશે, તેમ ચાવડાએ જણાવ્યું હતું.