ગાંધીનગર: ગુજરાતમાં ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ અંગે જણાવતા કૃષિ મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અરજીઓ આવકારવામાં આવી છે. આ તમામ ઘટકો હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર અરજી કરી શકશે. આ પોર્ટલ આજથી આગામી તા. 15 ઓક્ટોબર એટલે કે કુલ 12 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 15 દિવસ વધારવામાં આવી
આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ 09 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ વિવિધ સાંસદો, ધારાસભ્યો તથા ખેડૂત પ્રતિનિધિઓ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં 15 દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
24 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે
આ નિર્ણયના પરિણામે હવે રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે લંબાવેલી મુદત મુજબ આગામી તા. 24 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
સરકારી યોજનાઓની અરજી કરવા અપીલ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને સમયસર ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પરથી સરકારી યોજનાઓની અરજી કરવા અને ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદતનો મહત્તમ લાભ લેવા આગ્રહપૂર્વક અપીલ કરી છે.