Tue Oct 06 2026

Logo

'કેન્સર મારી હિમ્મત ન તોડી શક્યું', બ્રેસ્ટ કેન્સરથી ઝઝૂમી રહેલી પંકજ ભદૌરિયાએ હવે મહિલાઓને કરી આવી અપીલ

2026-08-19 18:58:09
Author: Mumbai Samachar Team
'કેન્સર મારી હિમ્મત ન તોડી શક્યું', બ્રેસ્ટ કેન્સરથી ઝઝૂમી રહેલી પંકજ ભદૌરિયાએ હવે મહિલાઓને કરી આવી અપીલ

નવી દિલ્હીઃ માસ્ટરશેફ ઇન્ડિયાની પહેલી વિજેતા અને પ્રખ્યાત સેલિબ્રિટી શેફ પંકજ ભદૌરિયા હાલમાં જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. થોડા સમય પહેલા તેમણે કહ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. આ સમાચાર મળ્યા પછી તેમના ચાહકોએ તેમના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. 

હવે પંકજે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી પોતાના આરોગ્ય અને તેની સફર વિશે વાત કરી હતી. આ સાથે જ તેણે મહિલાઓને હેલ્થ ચેકઅપમાં આનાકાની નહીં કરવાની અપીલ પણ કરી હતી. 

પંકજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં તેણે લખ્યું હતું કે 'કેન્સરે મારા શરીરની પરીક્ષા લીધી, પરંતુ મારી હિંમત હારી નહીં. હવે હું એક હેતુ સાથે જીવું છું.' એક તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે 'કેન્સર મારા જીવનનું એક ચેપ્ટર બની ગયું છે, પરંતુ આ મારી સંપૂર્ણ વાર્તા ક્યારેય નહિ હોય. આ સફરે મારા શરીરને પારખ્યું, પરંતુ સાથે મને મજબૂત પણ કરી અને જીવનને એક નવો હેતુ પણ આપ્યો.' 

પંકજે આગળ લખ્યું જેમ જેમ હું સારી થવા તરફ આગળ વધી રહી છું તેમ હું દરેક દિવસનો આભાર માની, હિંમત અને આનંદ સાથે જીવવા માંગુ છું. પોતાની પોસ્ટમાં પંકજે મહિલાઓને ખાસ અપીલ કરતા કહ્યું કે નિયમિત ચેકઅપ કરાવતા રહો, બીમારીની વહેલી ખબર પડવાથી ફર્ક પડે છે. 

થોડા સમય અગાઉ પંકજે સોશિયલ મીડિયા પર હોસ્પિટલથી એક વિડિયો અને તસ્વીર શેર કરતા જણાવ્યું હતું કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. તેમના અનેક મેડિકલ ટેસ્ટ થઈ ચુક્યા છે. આ મુશ્કેલીના સમયમાં તેમને લોકોની પ્રાર્થનાઓની જરૂર છે. 

પંકજ ભદૌરિયા લખનઊની એક સ્કૂલમાં લગભગ 16 વર્ષ સુધી અંગ્રેજી ભાષાની ટીચર રહી હતી. શિક્ષણ આપવું તેમનો વ્યવસાય હતો, પરંતુ રસોઈ બનાવવી તેમનો જુસ્સો હતો.  વર્ષ 2010માં જયારે ભારતમાં પહેલીવાર માસ્ટરશેફ ઇન્ડિયા શરૂ થયું, ત્યારે તેમણે તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. શોમાં જવા માટે તેમણે પોતાની 16 વર્ષ જૂની નોકરી છોડવી પડી હતી. 

આ નિર્ણય સરળ નહોતો. તે સમયે ઘણા લોકોએ કહ્યું કે ટીવી શો માટે આટલી જૂની નોકરી છોડવું યોગ્ય નથી. જો શોમાં સફળ નહીં થાય તો આગળ શું કરશે. પરંતુ પંકજે પોતાના સપના પર વિશ્વાસ રાખ્યો અને તે 'માસ્ટરશેફ ઇન્ડિયા'ના પહેલી સિઝનમાં જ દેશની પ્રથમ માસ્ટરશેફ વિજેતા બની ગઈ હતી. 

ત્યાર બાદ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો અને તેમણે પોતાની અલગ જ ઓળખાણ ઉભી કરી હતી. 'પંકજ કા જાયકા', 'કિફાયતી કિચન', '3 કોર્સ વિથ પંકજ' અને 'રસોઈ સે પંકજ ભદૌરિયા કે સાથ' જેવા કાર્યક્રમો દ્વારા તે ઘરે ઘરે પહોંચી હતી. આગળ તેમણે કુકિંગથી જોડાયેલા પુસ્તકો પણ લખ્યા અને નવા લોકોને ટ્રેનિંગ આપવા માટે કુકીંગ ઇન્સ્ટિટ્યૂટ પણ શરૂ કર્યું હતું.