(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ‘પેડસ્ટ્રીયન ફર્સ્ટ’ ઝુંબેશ હેઠળ લાલબાગ વિસ્તારમાંથી છ અનધિકૃત દુકાનો, ૪૩ ફેરિયાઓને પાલિકાના ‘એફ સાઉથ’ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને હટાવવામાં આવ્યા હતા.પાલિકાએ ફૂટપાથને અવરોધમુક્ત અને રાહદારીઓ માટે સરળ બનાવવા માટે ‘પેડસ્ટ્રીયન ફર્સ્ટ’ ઝુંબેશ અમલમાં મૂકી છે. આ ઝુંબેશ અંતર્ગત ‘એફ સાઉથ’ વોર્ડે બુધવાર, ઓગસ્ટ, ૨૦૨૬ના લાલબાગ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ કદની ફૂટપાથમાં અવરોધ ઉભો કરતી દુકાનો સહિત ફેરિયા સામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરી હતી.
હાઈકોર્ટના નિર્દેશો અનુસાર પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ મુંબઈની ફૂટપાથ પરના અનધિકૃત ફેરિયાઓ અને અતિક્રમણોને તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથને અવરોધ મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. તે મુજબ બુધવારે લાલબાગ અને તેની આસપાસના વિસ્તાર તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ પર ફૂટપાથ પર અવરોધ ઊભો કરતી છ અનધિકૃત દુકાનો, ૨૪ કામચલાઉ તાડપત્રી શેડ, ત્રણ અનધિકૃત કટ્ટા અને ૪૩ ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિસ્તારમાં સફાઈ પણ કરવામાં આવી હતી.