Wed Sep 16 2026

Logo

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પર ટેસ્ટિંગનું કામ શરૂ, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે

2026-08-19 17:58:26
Author: Pooja Shah
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પર ટેસ્ટિંગનું કામ શરૂ, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે

અમદાવાદઃ વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ એક વર્ષ પહેલા જુલાઈ મહિનામાં તૂટી પડ્યો હતો અને 20 જણે જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ નવા બ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી વિગતો અનુસાર બ્રિજ તૈયાર થઈ ગયો છે અને તેનું ટેસ્ટિંગ કામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ આ નવો બ્રિજ ખુલ્લો મુકાશે.

9મી જુલાઈ,2025ના રોજ લગભગ 40 વર્ષ જૂનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ 12 મહિનાના સમયગાળામાં લગભગ બ્રિજ તૈયાર થઈ ગયો છે. રૂ. 200 કરોડના ખર્ચે નવો બ્રિજ બન્યો હોવાની માહિતી મળી હતી. બ્રિજના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

બ્રિજના નિર્માણ દરમિયાન અંદાજે 300 જેટલા શ્રમિકોએ દિવસ-રાત કામગીરી કરી હતી. બ્રિજનું કામ પૂરું થયું છે ત્યારે હવે લોડ ટેસ્ટિંગ સહિતના પરિક્ષણો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સેફ્ટી સર્ટિફિકેશન સાથેની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજ ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે. બ્રિજ ખુલ્લો મૂકાતા આણંદ અને વડોદરા વચ્ચેનો વાહનવ્યવહાર સરળ અને ઝડપી બનશે.