Thu Oct 01 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ તમારા સંતાનને સરકારી નોકરી ઈચ્છો કે ટૅક્સી ડ્રાઈવર બનાવશો ?

2026-09-30 07:35:21
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ તમારા સંતાનને સરકારી નોકરી ઈચ્છો કે ટૅક્સી ડ્રાઈવર બનાવશો ?

ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશમાં 2027ના માર્ચમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી જીતવા માટે યોગી આદિત્યનાથ પૂરી તાકાત લગાવી રહ્યા છે અને વચનોની લહાણી કરી રહ્યા છે. તેમાંથી એક વચન  વિધાનસભા ચૂંટણી પહેલાં એક લાખ સરકારી નોકરીઓ આપવાનું પણ છે. યોગીએ વચન આપતાં તો આપી દીધું પણ એક લાખ સરકારી નોકરીઓનો વેત કઈ રીતે કરવો તેની ગડમથલમાં અટવાયેલા છે ત્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ઉત્તર પ્રદેશના યુવાનોને બહુમૂલ્ય સલાહ આપી છે. 

ઉત્તર પ્રદેશ સરકારની ભારત ટૅક્સી યોજનાનો પ્રારંભ કરાવવા માટે લખનઊમાં યોજાયેલા સત્તાવાર કાર્યક્રમમાં પાઠક સાહેબે યુવાનોને એવી સલાહ આપી કે, યુવાનોએ સરકારી નોકરીઓ પાછળ દોડવાને બદલે ટૅક્સી ચલાવીને કમાણી કરવી જોઈએ. ‘સરકારી નોકરી કે ચક્કર મેં મત પડો’ એવી સલાહ સાથે પાઠક સાહેબે જ્ઞાન પણ પિરસ્યું કે, ટૅક્સી ચલાવવાથી યુવાનોને માત્ર આજિવિકા જ નહીં મળે પણ પરિવાર સાથે વિતાવવા માટે સમય પણ મળશે, યુવાનોને બપોરના વિરામ દરમિયાન તેમના પરિવાર સાથે સમય વિતાવવાની આઝાદી પણ મળશે. 

પાઠક સાહેબે આ આઝાદી કઈ રીતે મેળવવી એ માટેની ટિપ્સ પણ આપીને કહ્યું કે, બપોર પહેલાં તમારા ઘરની નજીકની છેલ્લી સવારી લો કે જેથી ઘરે જઈ શકાય. એ પછી બે કલાક જમવામાં, આરામ કરવામાં અને તમારા બાળકો સાથે વિતાવો અને પછી ફરીથી નીકળીને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરો. પાઠકે ઉપસ્થિત ‘ભારત ટૅક્સી સર્વિસ’ના ડ્રાઇવરો સહિતનાં લોકોને બીજું પણ ઘણું જ્ઞાન આપ્યું છે. આટલું બધું જ્ઞાન આપણને પચશે નહીં તેથી તેની વાત નથી કરવી પણ બ્રજેશ પાઠકની વાતો આપણા માથે કેવા નમૂના થોપાયેલા છે તેનું એક નાનકડું ઉદાહરણ છે. 

બ્રજેશ પાઠકના જ્ઞાનની સોશ્યલ મીડિયા પર મજાક ઊડી રહી છે. સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષો પણ તૂટી પડ્યા છે. યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ભાજપ યુવાનોને ટૅક્સી ડ્રાઈવર બનવાની સલાહ આપીને તેમની મજાક ઉડાવી રહ્યો હોવાની કોમેન્ટ્સ પણ થઈ રહી છે. કેટલાકે વળી દેશના સૌથી મોટા રાજ્યની નાયબ મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ આવી સલાહ કઈ રીતે આપી શકે એવો સવાલ કરીને આશ્ચર્ય અને આઘાત પણ વ્યક્ત કર્યાં છે. 

પાઠકની વાત આઘાતજનક છે પણ આશ્ર્ચર્યજનક નથી કેમ કે ભાજપના નેતાઓ યુવાનોએ  રોજગારી માટે શું કરવું એ માટે  પાઠક કરતાં પણ આઘાતજનક વાતો પહેલાં પણ કરી ચૂક્યા છે. આપણે આખો ચોપડો ખોલવો નથી પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ભાજપના શિરમોર નેતાઓએ આપેલી સુફિયાણી સલાહની જ વાત કરીશું તો પણ સમજાશે કે, પાઠકે તો બિચારાએ પ્રમાણમાં સારો રસ્તો બતાવ્યો છે. 

નરેન્દ્ર મોદીએ 2019માં યુવાનો પકોડા વેચીને કમાણી કરી શકે એવું સૂચન કરેલું. મોદી સરકારે 2014માં સત્તા હાંસલ કરી ત્યારે દેશમાં દર વરસે બે કરોડ નવી રોજગારી ઊભી કરવાનું વચન આપેલું પણ 2019 સુધીમાં દેશમાં 10 કરોડ નવી રોજગારી ઊભી ના થઈ તેની ટીકા થતી હતી ત્યારે મોદીએ દાવો કરેલો કે, પોતાની સરકાર અનેક મોરચે રોજગારી ઊભી કરી છે અને યુવાનો પકોડા વેચે તેને પણ રોજગારી જ કહેવાય. 

અમિત શાહે પણ કોમેન્ટ કરેલી કે, દેશમાં પ્રવાસનો વિકાસ થાય છે તેના કારણે રોજગારી ઊભી થાય છે ને યુવાનો મગફળી વેચીને પણ રોજગારી કમાઈ શકે છે. ભાજપના બીજા નેતાઓએ પણ આવાં નિવેદનો આપ્યાં જ છે ને એ બધાંની વાત માંડી શકાય તેમ નથી પણ કહેવાનો અર્થ એ કે, દેશના વડા પ્રધાન કક્ષાની વ્યક્તિ યુવાનો પકોડા વેચીને કમાણી કરી શકે એવી સલાહ આપતા હોય તો પછી પાઠક તો કઈ વાડીના મૂળા? 

મોદીના નિવેદન સામે ભારે હોહા થઈ પછી ભાજપે એમ કહીને વાતને વાળવાનો પ્રયત્ન કરેલો કે, મોદી કહેવા માગતા હતા કે, કોઈ કામ મોટું નથી કે કોઈ નાનું નથી ને પકોડા વેચીને પણ કમાણી કરી શકાય છે. વાત સાચી છે, કોઈ કામ નાનું નથી જ હોતું પણ કઈ વ્યક્તિ નાના કામનાં સપનાં જુએ? કઈ વ્યક્તિ પોતાના સંતાનને પકોડા વેચીને કમાણી કરાવવા માગે? પકોડા વેચનાર કે મગફળી વેચનાર પણ કમાણી કરે જ છે અને ગૌરવભેર જીવે જ છે પણ દેશના વડા પ્રધાન તરીકે તમે યુવાનોને પકોડા વેચીને કમાણી કરવાની સલાહ કઈ રીતે આપી શકો? કમ સે કમ સપનાં તો મોટાં બતાવો. 

મોદી સહિતના નેતાઓની યુવાનોને પકોડા, મગફળી કે ટૅક્સી ચલાવીને રોજગારી મેળવવાની સલાહ તેમની પોતાની જ વાતોથી વિરોધાભાસી પણ છે. એક તરફ મોદી સહિતના નેતા ભારત વિશ્વગુરુ બની ગયું હોવાની વાતો કરે છે ને બીજી તરફ ટૅક્સી ચલાવીને રોજગારી મેળવવાની સલાહો આપે છે. ટૅક્સી ચલાવનારા યુવાઓનો દેશ વિશ્વગુરુ કઈ રીતે કહેવાય? એક તરફ આપણે સેમીકંડક્ટર ને ચિપ્સના ઉત્પાદન દ્વારા આર્થિક પ્રગતિનાં સપનાં લોકોને બતાવીએ છીએ ને બીજી બાજુ ટેક્સી ચલાવીને રોજગારી મેળવવાની સૂફિયાણી સલાહો આપીએ છીએ. સવાલ એ છે કે, ભાજપ આખરે આ દેશને શું બનાવવા માગે છે?  ટૅક્સી ચલાવતા યુવાનોનો દેશ કે ચિપ્સ બનાવતા યુવાનોનો દેશ ? 

ભાજપના નેતા આવી બકવાસ વાતો કરે છે કેમ કે તેમની પાસે રોજગારી આપવા માટેની કોઈ બ્લુપ્રિન્ટ નથી, કોઈ વિઝન નથી. કેન્દ્રમાં છેલ્લાં 12 વર્ષથી ભાજપની સરકાર છે અને આ 12 વર્ષમાં ભાજપે જેના થકી દેશ નક્કર વિકાસ કરી શકે, દુનિયામાં પોતાની નોંધ લેવડાવી શકે એવું કોઈ નક્કર મોડલ જ રજૂ કર્યું નથી. કોઈ વાર ભાજપ સરકાર આત્મનિર્ભર ભારતની ને મેઈક ઈન ઈન્ડિયાની વાતો કરે છે તો કોઈ વાર ભારતને દુનિયાના મોટા દેશોની કંપનીઓનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાતો કરે છે. 

કોઈ વાર ચીન સાથે સહકારની વાતો કરે છે તો કોઈ વાર ચીનના માલનો બહિષ્કાર કરવાની વાતો કરે છે. કોઈ વાર યોગ, આયુર્વેદ સહિતની ભારતીય પરંપરાઓનું માર્કેટિંગ કરીને આર્થિક સધ્ધરતાની વાતો કરે છે તો કોઈ વાર સેમીકંડક્ટર-ચિપ્સમાં અવ્વલ બનવાની વાતો કરે છે. આ બધું પાછું વાતો જ રહે છે ને આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ એ જ ખબર પડતી નથી. 

આ બધી વાતો કરીને  2014માં ભાજપ સત્તામાં આવ્યો ત્યારે દર વરસે બે કરોડ નવી રોજગારી પેદા કરવાની ને ભારતને 2035 સુધીમાં ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાની વાતો તો ભાજપે સાવ ભુલાવી જ દીધી છે. આ બંને મુદ્દે હવે ભાજપ કશું બોલતું નથી ને 2047માં વિકસિત ભારતનું ગાજર લટકાવી દીધું છે.