Fri Oct 02 2026

Logo

મગજ મંથનઃ ખુરશી માણસને મોટો દેખાડે છે, મોટો બનાવતી નથી

2026-09-30 07:45:16
Author: Vitthal Waghasiya
મગજ મંથનઃ ખુરશી માણસને મોટો દેખાડે છે, મોટો બનાવતી નથી

વિઠ્ઠલ વઘાસિયા

માણસના મૂલ્યાંકનનાં ત્રાજવાંમાં બે શબ્દ સતત ઝળહળતા રહે છે -  Possessions અને Position.  

Possessions એટલે માણસ પાસે રહેલી સંપત્તિ, માલિકી, ભૌતિક સાધનો અને સુવિધાઓ જ્યારે Position એટલે તેનું સ્થાન, હોદ્દો, સામાજિક દરજ્જો, સત્તા કે પ્રતિષ્ઠા. જીવનમાં બંને જરૂરી છે, પરંતુ સવાલ એ છે કે આ બંને માણસ માટે છે કે માણસ બંને માટે? સંપત્તિ હાથમાં હોય તો સમૃદ્ધિ, પણ સંપત્તિ માથામાં ચઢી જાય તો વિનાશ. પદ પર બેસવું સિદ્ધિ છે, પરંતુ પદ પરથી ઊતર્યા પછી પણ લોકોના દિલમાં રહેવું એ સાચી સફળતા છે.

જોકે આજના યુગે માણસની સફળતાની વ્યાખ્યા જ બદલી નાખી છે. માણસ કેવો છે તેના કરતાં તેની પાસે કેટલું છે એ વધુ પુછાય છે. તેણે જીવનમાં શું મેળવ્યું છે તેના કરતાં તે ક્યાં પહોંચ્યો છે એ વધુ જોવામાં આવે છે. ઘર કેટલું મોટું? કાર કેટલી મોંઘી? બૅન્ક બૅલૅન્સ કેટલું? વ્યવસાય કેટલો મોટો? ઓળખાણ કેટલી ઊંચી? હોદ્દો કેટલો મોટો?

અલબત્ત, સંપત્તિ ખરાબ નથી, સંપત્તિનું વ્યસન ખરાબ છે. માણસે ધન કમાવું જોઈએ, ઘર બનાવવું જોઈએ, પરિવારને સુવિધા આપવી જોઈએ, ભવિષ્ય સુરક્ષિત કરવું જોઈએ. આર્થિક સક્ષમતા જીવન ની અગત્યની જરૂરિયાત છે. સંપત્તિ માણસને સ્વાવલંબી બનાવે છે અને અનેક સંભાવનાઓના દરવાજા ખોલે છે, પરંતુ મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે જ્યાં સંપત્તિ સાધન ન રહેતાં જીવનનું સાધ્ય બની જાય છે. આવક વધે તો જીવનશૈલી વધે, જીવનશૈલી વધે તો ખર્ચ વધે અને ખર્ચ વધે એટલે વધુ કમાવાની દોડ શરૂ થાય. આ દોડનો અંત ક્યાં છે? 

આજે માણસ પાસે સુવિધાઓ વધી છે, પરંતુ સંતોષ ઘટ્યો છે. સાધનો વધ્યાં છે, પરંતુ સમય ઘટ્યો છે- સંપર્ક વધ્યા છે, પરંતુ સંબંધ ઘટ્યા છે. જ્યારે સંપત્તિ આપણા હાથમાં હોય ત્યારે તે સાધન છે. જ્યારે સંપત્તિ આપણા મનમાં વસે ત્યારે તે બંધન બની જાય છે.
સમૃદ્ધિનો સાચો અર્થ વધુ મેળવવામાં નથી-  મેળવેલી વસ્તુઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં છે.

* પોઝિશન: ખુરશી કેટલી ઊંચી કે માણસ કેટલો ઊંચો?
પોઝિશનની વાત આવે ત્યારે સમાજનું એક બીજું વાસ્તવિક ચિત્ર સામે આવે છે. માણસને પદ મળે એટલે તેની આસપાસના લોકોની સંખ્યા વધી જાય છે. ફોન વધુ આવે છે, મુલાકાતીઓ વધે છે, સલામ કરનારાઓ વધે છે અને ક્યારેક માણસને પોતાનું જ કદ ખુરશીના કદ જેટલું મોટું લાગવા લાગે છે. હકીકતમાં ખુરશી માણસને મોટો દેખાડે છે,મોટો બનાવતી નથી. હોદ્દો માણસને સત્તા આપી શકે, પરંતુ સન્માન નહીં. સત્તા ભય પેદા કરી શકે, પરંતુ વિશ્વાસ નહીં. પદ માણસને અધિકાર આપે છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ આવે છે. પદ લોકોને નજીક લાવી શકે, પરંતુ હૃદયમાં સ્થાન મેળવવા માટે તો માણસાઈ જરૂરી છે.

આજે સત્તાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ કાલે સામાન્ય નાગરિક બની શકે છે. આથી પદ છોડ્યા પછી પણ લોકો પ્રેમથી યાદ કરે તો સમજવું કે વ્યક્તિએ પદ નહીં, માણસાઈ કમાઈ હતી.

આજના સમાજમાં સંપત્તિના વારસદારો સરળતાથી મળી જાય છે, પરંતુ સારા નામનો વારસો માત્ર નામથી મળતો નથી. પિતાની પ્રતિષ્ઠા પુત્રને તૈયાર મળી શકે નહીં. પરિવારની સામાજિક ઓળખ કદાચ મદદરૂપ બને, પરંતુ પોતાની વિશ્વસનીયતા પોતે ઊભી કરવી પડે. સંપત્તિની ચાવી વારસામાં મળી શકે છે; સફળ જીવનની ચાવી વારસામાં મળતી નથી.

જો પોઝિશન મેળવવાની દોડમાં માતા-પિતાને સમય નથી, જો પૈસા કમાવાની દોડમાં સંતાનોને સાંભળવાનો સમય નથી, જો પ્રતિષ્ઠાની પાછળ દોડતા જીવનસાથીને સમજવાનો સમય નથી - તો આવી સફળતા સામે એક દિવસ મન પોતે જ પ્રશ્ર્ન કરશે : ‘આ બધું કોના માટે?’

વિશ્વાસપાત્ર મિત્ર, સુખ-દુ:ખમાં ઊભું રહેતું કુટુંબ, સ્નેહ આપતાં માતા-પિતા, સમજણ ધરાવતો જીવનસાથી, સંસ્કારી સંતાનો અને સમાજમાં વિશ્વાસ - આ સંપત્તિની કોઈ બજારકિંમત નથી.

જીવનની બૅલૅન્સશીટમાં માત્ર સંપત્તિની કૉલમ ન હોવી જોઈએ. તેમાં સમય, સંબંધો, વિશ્વાસ, સદાચાર, સેવા અને સંતોષની કૉલમ પણ હોવી જોઈએ, કારણ કે માણસની સાચી નેટવર્થ તેની મિલકત નહીં, તેની માનવતા છે.