અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે બળબળતા તાપનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને થરાદ પંથકમાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટરની રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. આગામી 1 ઓક્ટોબરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, સીએમ કરશે વધામણા
નર્મદા ડેમ છલોછલ ભરાવાની આડે હવે માત્ર 8 સેન્ટીમીટર બાકી છે, ત્યારે તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે ઓછા વરસાદ વચ્ચે પણ સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા નીરોથી છલોછલ થવાની તૈયારીમાં છે, જેને લઈને રાજ્યભરમાં ખુશીની લહેર છવાઈ છે. આ ભગીરથ સિદ્ધિ અને જળ સંચયના વધામણા કરવા માટે આજે સાંજે 4:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.
રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. 35.2°C સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગરમાં 34.3°C, રાજકોટમાં 34.2°C અને અમદાવાદ-વડોદરામાં 33.6°C મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ મુજબ, ડીસા અને નલિયામાંથી ચોમાસાની વાપસીની લાઇન પસાર પણ થઈ ચૂકી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પણ ટૂંક સમયમાં વાપસીની રેખા પસાર થશે. રાજ્યમાં આગામી છ દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં 10 ટકા વરસાદની ઘટ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો 89.16 ટકા વરસાદ વરસ્યો છે. જે પાછલા ત્રણ વર્ષની તુલનામાં ઓછો છે. 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ પડ્યો હતો. કચ્છમાં 57.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ મધ્યમાં 89.67 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના 75 ડેમમાં 25 ટકાથી ઓછો જળ સંગ્રહ
નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 71.71 ટકા જળસંગ્રહ છે. 33 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 36 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 28 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 34 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે.