(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હાલમાં ૧૩.૯૮ લાખ મિલ્યન લિટર જેટલો પાણીનો સંગ્રહ છે, જે તેમની કુલ ક્ષમતાના ૯૬.૫૪ ટકા છે. પાણીનો આટલો જથ્થો ૧૭ મે, ૨૦૨૭ સુધી શહેરની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું છે. જોકે, ‘અલ નિનો’ની સંભવિત અસરને કારણે તાપમાન અને બાષ્પીભવન વધી શકે છે, જેનાથી પાણીનો જથ્થો અંદાજ કરતાં વધુ ઝડપથી ઘટી શકે છે. તેથી પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકારના નિર્દેશ બાદ જ પાછો ખેંચવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે પાલિકાની સામાન્ય સભામાં કહ્યું હતું.
પાલિકાના વિરોધપક્ષ નેતા કિશોરી પેડણેકરે મુંબઈમાં ૧૫મેથી લાગુ કરવામાં આવેલા ૧૦ ટકા પાણીકાપને પાછો ખેંચવાની માગણી પ્રશાસન સમક્ષ કરી હતી. સામાન્ય સભામાં તેણે મુંબઈના નાગરિકોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી, જેને તમામ પક્ષોના નગરસેવકોએ સમર્થન આપ્યું હતું.જોકે ભાજપના નગરસેવકોએ રાજ્યમાં રહેલા દુકાળને ધ્યાનમાં રાખીને સમજી વિચારીને નિર્ણય લેવાની સલાહ આપી હતી. તો પાલિકાના સભાગૃહ નેતા ગણેશ ખણકરે પાણીની ચોરીને રોકવા પર ભાર આપતા હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટમાં ૪૦ ટકા કર્મચારીઓની અછત હોવા પર પ્રશાસનને સવાલ કર્યો હતો.
સામાન્ય સભામાં પાણી પર ચાલી રહેલી ચર્ચા દરમ્યાન મેયરે ‘અલ નિનો’ની અસરને ધ્યાનમાં રાખીને પાણીકાપનો નિર્ણય રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા બાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યારે પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે જુલાઈમાં થયેલા રેકોર્ડ બ્રેક વરસાદને પગલે મુંબઈનું પાણીનું સંકટ મોટા પ્રમાણમાં ઘટી ગયું હતું. મે જૂન મહિનામાં જળાશયોમાં પાણીનું સ્તર સાત ટકા થઈ ગયું હતું પણ ૨૧ જુલાઈ સુધીમાં ભારે વરસાદને પગલે તે ૮૯ ટકા સુધી પહોંચી ગયું હતું. ફક્ત જુલાઈમાં જ પાણીમાં ૮૦ ટકાનો વધારો થયો હતો. જોકે ઑગસ્ટ અને સપ્ટેમબરમાં જળાશયોમાં માત્ર આઠ ટકા જેટલો જ વધારો થયો છે. જો જુલાઈમાં ભારે વરસાદ નહીં પડયો હોત તો મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ નિર્માણ થયું હોત. તેથી આગામી દિવસોમાં સમજી-વિચારીને આવતા વર્ષ સુધી ચાલી રહે તે પ્રમાણે તેનું આયોજન કરીને પાણીનો વપરાશ કરવો આવશ્યક છે.
નગરસેવકોએ જોકે મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ કરતા પણ વધુ પાણીકાપ હોવાની ફરિયાદ બાબતે અભિજિત બાંગરે કહ્યું હતું કે કાગળ પર ૧૦ ટકા પાણીકાપ હોવા છતાં મુંબઈના અનેક વિસ્તારોમાં ૫૦ ટકાથી પણ વધુ પાણીકાપ હોવાનો અનુભવ નાગરિકોને થઈ રહ્યો છે. તે માટે મુંબઈની પાણી વિતરણની વ્યવસ્થા જવાબદાર છે. શહેરમાં પાણી અલગ અલગ સ્રોતથી પાઈપલાઈનથી અને જળાશયના માધ્યમથી આવે છે. પણ મુખ્ય જળસ્રોત અને પાઈપલાઈનના નજીકના વિસ્તારમાં પાણી વધુ દબાણ સાથે આવે છે તો શહેરના છેવોડેના વિસ્તારમાં અને ઊંચાઈવાળા વિસ્તારમાં તથા ચાલીઓમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થાય છે. તેથી પાણીની સમસ્યા ગંભીર બની છે.
બોકસ
૫૦૦ એમએલડી પાણીની અછત
મુંબઈમાં પ્રતિદિન લગભગ ૪,૬૦૦ મિલ્યન લિટર પાણીની માગ સામે હાલમાં લગભગ ૪,૧૦૦ મિલ્યન લિટર પાણી મળે છે, જેના કારણે સામાન્ય સંજોગોમાં પણ દરરોજ લગભગ ૫૦૦ મિલ્યન લિટર પાણીની અછત રહે છે. પાલિકાના અધિકારીઓને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને પાઇપલાઇન ફાટવા કે ગળતરની સમસ્યાના પ્રકરણમાં સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચોવીસ કલાક કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યોે છે.
બોકસ
પાણીનો વેડફાટ
પાણીના પ્રતિદિન થઈ રહેલા વેડફાટ બાબતે અભિજિત બંગારે જણાવ્યું હતું કે મુંબઈના કુલ પાણીના લગભગ ૩૨-૩૫ ટકા પાણીનો વેડફાટ ગળતર અને ચોરીને કારણે થાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ બગાડમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાથી પણ લગભગ ૪૦૦ મિલ્યન લિટર પાણી બચાવી શકાય છે.
બોકસ
૨૦૩૦ સુધી વધારાનું પાણી મળશે
મુંબઈને ૨૦૩૦ સુધીમાં ૧,૦૪૦ મિલ્યન લિટરનો વધારાનો પાણી પુરવઠો કરવાનું શકય બનશે. મુંબઈના પાણીના પુરવઠામાં વધારો કરવા માટે આયોજિત પ્રોજેક્ટમાં ગારર્ગાઈ ડેમમાંથી ૪૪૦ મિલ્યન લિટર, મનોરી ડિસેલિનેશન (મીઠા પાણીમાં રૂપાંતર) પ્રોજેક્ટમાંથી ૪૦૦ મિલ્યન લિટર અને વર્સોવા ડિસેલિનેશન પ્રોજેક્ટમાંથી આશરે ૨૦૦ મિલ્યન લિટર પાણીનો સમાવેશ થાય છે. જો આ પ્રોજેકટ ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થઈ જાય, તો તેનાથી લગભગ ૧,૦૪૦ મિલ્યનનો વધારો થવાની અપેક્ષા છે, જેનાથી શહેરની પુરવઠા ક્ષમતા વધીને લગભગ ૫,૧૪૦ મિલ્યન લિટર સુધી પહોંચી જશે.
બોકસ
રિચાર્જ અને પુન:ઉપયોગ પર ધ્યાન
પાલિકાએ વૈકલ્પિક સ્ત્રોતો તરીકે કૂવાને રિચાર્જ, પાણીનો પુન:ઉપયોગ અને વરસાદી પાણીના સંગ્રહ (રેઈનવોટર હાર્વેસ્ટિંગ)ને પ્રોત્સાહન આપવાનું પણ આયોજન કરી રહ્યું છે. તે નવી ઇમારતોમાં વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈઓના કડક અમલીકરણ પર ભાર મૂકી રહ્યું છે. તેમ જ પાણીનાં ટેન્કરો માટે નવી પૉલિસી પણ તૈયાર કરવામાં આવી છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીના પુરવઠાનું નિયમન કરવા અને સંભવિત ગેરરીતિઓ રોકવા માટે એક નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે અને મંજૂરી બાદ એકાદ-બે મહિનામાં તે અમલમાં આવવાની હોવાનું એડિશનલ કમિશનરે જણાવ્યું હતું.