સાશા
બે વખત વિશ્વ વિજેતા બની ચૂકેલું ભારત વન-ડેમાં હાલમાં વર્લ્ડ નંબર-વન છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્તમાન વન-ડે સિરીઝમાં 1-0થી આગળ છે.
ટી-20માં ભારત 2026માં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. હાલમાં ભારત આ ફૉર્મેટમાં વર્લ્ડ નંબર-વન છે.
કલ્પના કરો કે કોઈ દેશના ક્રિકેટ કૅલેન્ડરમાં એવો સમય આવે ખરો કે જ્યારે એની એક કે બે નહીં, પણ પાંચ-પાંચ ક્રિકેટ ટીમ અલગ-અલગ સિરીઝ કે ટૂર્નામેન્ટમાં રમી રહી હોય અથવા પૂર્વતૈયારીમાં વ્યસ્ત હોય? આ હકીકત છે અને એ પણ ભારત આ સુખદ વાસ્તવિકતા અનુભવી રહ્યું છે.
ભારતની એક ટી-20 ટીમ એશિયન ગેમ્સમાં રમી રહી છે, બીજી ટીમ એક આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલાની તૈયારી કરી રહી છે, ત્રીજી ટીમ વન-ડે છે જે ઘરઆંગણે સિરીઝમાં રમી રહી છે, ચોથી ટેસ્ટ ટીમ છે જે ઉપલબ્ધ પ્રતિભાઓથી સંગીન સ્થિતિમાં આવી રહી છે અને પાંચમી ટીમમાં એવા ખેલાડીઓ છે જેઓ રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ મેળવવા થનગની રહ્યા છે. આ સ્થિતિમાં ભારતની પહેલી ટીમ કેટલી મજબૂત છે એ સવાલ નથી. મોટો પ્રશ્ન એ છે કે પહેલી ટીમની પાછળ બીજી કેટલી ‘ટીમ ઇન્ડિયા’ ઊભી છે?
સપ્ટેમ્બર, 2026નું ભારતીય ક્રિકેટનું બૅકગ્રાઉન્ડ કંઈક આવું જ છે. 16મી સપ્ટેમ્બરે બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણી તેમ જ ટી-20 સિરીઝ માટે અલગ-અલગ ટીમની ઘોષણા કરી હતી. એક-દિવસીય ટીમની કૅપ્ટન્સી શુભમન ગિલને સોંપાઈ અને એ ટીમમાં રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બૅટિંગ-લેજન્ડ, કે. એલ. રાહુલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ તથા યશસ્વી જયસ્વાલનો સમાવેશ હતો.
બીજી તરફ, ટી-20 ટીમનું સુકાન શ્રેયસ ઐયરને સોંપાયું અને તેની ટીમમાં અભિષેક શર્મા, ઇશાન કિશન, સંજુ સૅમસન, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા.
વાત અહીં જ નથી અટકતી. એશિયન ગેમ્સની પહેલાં, અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ 3-0થી જીતનાર ટી-20 ટીમમાં પણ શ્રેયસના સુકાનમાં મોટા ભાગે એશિયન ગેમ્સવાળી ટીમના જ ખેલાડીઓ હતા. શુભમન ગિલ ટેસ્ટ ટીમનો સુકાની છે, જ્યારે પાંચમી ટીમમાં એવા ખેલાડીઓ છે જેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ચમક્યા પછી હવે આંતરરાષ્ટ્રીય મૅચોમાં ઝળકવા મનોમન તૈયારી કરી ચૂક્યા છે.
એશિયન ગેમ્સની ટી-20 ટૂર્નામેન્ટ ત્રીજી ઑક્ટોબર સુધી ચાલશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણી પણ ત્રીજી ઑક્ટોબર સુધી ચાલશે. પહેલી ટીમની ફાઇનલ એ દિવસે સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બીજી ટીમની શ્રેણીની અંતિમ મૅચ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પૂરી થશે. ભાવાર્થ એ છે કે ભારતની બે ફૉર્મેટની ટીમ એક સાથે પોતપોતાની શ્રેણીમાં રમી રહી છે અને એક સાથે પૂરી કરશે.
હવે ડોમેસ્ટિક ટીમોની વાત કરીએ. આગામી ઇરાની કપ માટેની રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમનું નેતૃત્વ રિષભ પંત સંભાળશે. બીજી રીતે કહીએ તો તીવ્ર હરીફાઈને કારણે ટીમ ઇન્ડિયામાં નિયમિત રીતે જગ્યા ન મેળવી શકનાર ખેલાડી ડોમેસ્ટિક ટીમનું નેતૃત્વ સંભાળશે.
આખી વાતને નજર સમક્ષ રાખીએ તો એક અસાધારણ તથ્ય સામે આવશે. ભારત પાસે માત્ર એક મજબૂત આંતરરાષ્ટ્રીય ટીમ નથી. ભારત પાસે ખેલાડીઓની સ્ક્વૉડની એવી ડેપ્થ છે જેમાંથી એક જ સમયે ઘણી ઉચ્ચ-સ્તરિય ટીમ અલગ-અલગ શ્રેણીમાં રમી શકે. આવું હાલમાં બીજા કોઈ દેશ પાસે નથી. ભારતીય ક્રિકેટની આ જ સૌથી મોટી તાકાત છે. વધુ મહત્ત્વની વાત એ છે કે આ બધી ટીમ અચાનક ઊભી નથી થઈ. વર્ષોથી બની રહેલા માળખાને કારણે આ શક્ય બન્યું છે.
1994-’95માં ઑસ્ટ્રેલિયાએ એક ટ્રાયેન્ગ્યુલર વન-ડે ટૂર્નામેન્ટમાં ‘બી’ ટીમ મોકલી હતી જેમાં રિકી પૉન્ટિંગ, મૅથ્યૂ હેડન, માઇકલ બેવન, ડેમિયન માર્ટિન અને જસ્ટિન લૅન્ગર જેવા ખેલાડીઓ સામેલ હતા. જોકે પછીથી આ જ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાની મુખ્ય ટીમમાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ પ્રખ્યાત થયા હતા. 1970 અને 1980ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝ પાસે પણ આવા અનેક સ્ટાર ખેલાડીઓ હતા જેઓ પછીથી ખ્યાતનામ બન્યા હતા.
રણજી ટ્રોફીથી લઈને વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, ઇન્ડિયા-એ સુધીના સ્તરની સ્પર્ધાઓ તેમ જ અન્ડર-19 ક્રિકેટ, રાજ્યોની વિવિધ ટૂર્નામેન્ટ અને સૌથી વિશેષ આઇપીએલ. આ તમામ ટૂર્નામેન્ટોએ ખેલાડીઓને પ્રતિભાશાળી બનાવવાની વિપુલ તક આપી છે.
એક સમય હતો જ્યારે પ્રતિભાશાળી ખેલાડીને રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચવા લોઢાના ચણા ચાવવા પડતા હતા. ખેલાડી જો નૅશનલ ટીમ સુધી પહોંચે તો એ બહુ મોટી ઘટના મનાતી હતી. હવે ભારત પાસે એટલા બધા ટૅલન્ટેડ ખેલાડીઓ થઈ ગયા છે કે તેમને એક ટીમમાં સમાવવા શક્ય નથી એટલે અલગ-અલગ ફૉર્મેટની ટીમમાં તેમને સ્થાન મળી શકે છે.
ટી-20 ફૉર્મેટ અને આઇપીએલને લીધે પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સંજોગો સંગીન બન્યા છે. આઇપીએલે ભારતીય ખેલાડીઓને દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે કે તેમની સામે રમવાની તક ઊભી કરી આપી છે. માનસિક દબાણમાં કેવી રીતે સારું પ્રદર્શન કરવું એ તેઓ આઇપીએલમાંથી શીખ્યા છે. જે ખેલાડીમાં જેવી ટૅલન્ટ હોય એને ખીલાવવા ઘણી તકો મળે છે અને સાથે પુષ્કળ પૈસા પણ.
આઇપીએલને લીધે અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોને કારણે વિવિધ પ્રકારની ભૂમિકાવાળા ખેલાડીઓ પાસે ઘણા વિકલ્પો છે. આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન, મૅચ-ફિનિશર, વિકેટકીપર-બૅટ્સમૅન, ફાસ્ટ બોલર કે સ્પિનર અને ઑલરાઉન્ડર. આ તમામ પ્રકારની ભૂમિકાવાળા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચવા સમાન તક મળી રહી છે. આનો અર્થ એવો નથી કે ભારતની પાંચેય ટીમ મજબૂત છે. પાંચમાંથી કોઈ પણ ત્રણ ટીમને મજબૂત બનાવી શકાય એટલા ખેલાડીઓ ઉપલબ્ધ હોય છે.
આજે સુખદ સ્થિતિ એ છે કે પાછલી પેઢીના ખેલાડીઓ રોહિત શર્મા તથા વિરાટ કોહલી નવી પેઢીના ખેલાડીઓ સાથે રમી રહ્યા છે અને નવી પેઢીના ખેલાડીઓની એક આખી ટી-20 ટીમ પણ બની છે. એ સિવાય, બીજા અસંખ્ય ખેલાડીઓ સિલેકટરોને રીઝવવા આઇપીએલમાં કે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં ચમકી રહ્યા છે.
2026-’27ની સીઝનમાં ભારત બાવીસ આંતરરાષ્ટ્રીય મૅચો રમશે જેમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે વગેરેની ટીમોનો સામનો કરવાનો રહેશે. આ બાવીસ મૅચો માટે સિલેક્ટરોએ અલગ-અલગ ફૉર્મેટની મજબૂત ટીમો તૈયાર રાખવી પડશે જે કામ ભરપૂર ટૅલન્ટ જોતાં તેમના માટે અઘરું તો નહીં જ હોય. ઊલટાનું, કોને ટીમમાં સમાવવા અને કોને ડ્રૉપ કરવા એવી મૂંઝવણ તેમને થશે એમાં બેમત નથી.