Mon Oct 05 2026

Logo

ગુજરાતીઓમાં ફિટનેસનો ક્રેઝ: સપ્લિમેન્ટ માર્કેટ રૂ. 1,000 કરોડને પાર, વિટામિન-પ્રોટીનની ખરીદીમાં 38% નો જંગી ઉછાળો

2026-09-30 08:20:40
Author: Mayur Patel
ગુજરાતીઓમાં ફિટનેસનો ક્રેઝ: સપ્લિમેન્ટ માર્કેટ રૂ. 1,000 કરોડને પાર, વિટામિન-પ્રોટીનની ખરીદીમાં 38% નો જંગી ઉછાળો

AI (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ: ગુજરાતીઓ હેલ્થ અને ફિટનેસ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. જેના કારણે વિટામિન્સ અને પ્રોટીનનું વેચાણ વધી રહ્યું છે. ગુજરાતમાં સપ્ટિમેન્ટ માર્કેટ રૂ. 1000 કરોડને પાર પહોંચી ગયું છે.  લોકો પોષણ, ફિટનેસ અને પ્રિવેન્ટિવ હેલ્થ માટે સપ્લિમેન્ટ્સ તરફ વળતાં છેલ્લાં ચાર વર્ષમાં આ માર્કેટમાં 38.3 ટકાનો વધારો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ 2022 MAT માં આ માર્કેટ રૂ. 756.3 કરોડનું હતું, જે વધીને ઓગસ્ટ 2026 MAT માં રૂ. 1,046 કરોડ પહોંચ્યું હતું. જેમાં સૌથી મોટો હિસ્સો વિટામિન્સનો હતો, જેનું વેચાણ રૂ.332.1 કરોડથી 37.2% વધીને રૂ. 455.6 કરોડ થયું હતું. આ સેગમેન્ટે વાર્ષિક વેચાણમાં રૂ.123.5 કરોડનો ઉમેરો કર્યો હતો અને છેલ્લા એક વર્ષમાં 10.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે દર્શાવે છે કે આ વધારો માત્ર શરૂઆતના વર્ષો પૂરતો સીમિત ન રહેતાં સતત જળવાઈ રહ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું કે, પોષણ અને પ્રિવેન્ટિવ હેલ્થ બાબતે લોકોમાં જાગૃતિ નોંધપાત્ર રીતે વધી છે. પ્રોટીનનું સેવન હવે માત્ર જિમ કે ફિટનેસ પ્રેમીઓ પૂરતું સીમિત નથી રહ્યું, જ્યારે મલ્ટીવિટામિન્સ સામાન્ય હેલ્થ મેનેજમેન્ટના ભાગરૂપે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિટામિન B12 અને D3 ની ઉણપ પણ સામાન્ય બની ગઈ છે, જેના કારણે લોકો જાતે આગળ વધીને સપ્લિમેન્ટ્સ લેવા લાગ્યા છે.  વિટામિન્સની માંગનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. પરંપરાગત મલ્ટીવિટામિન અને મિનરલ કોમ્બિનેશન રૂ.103.4 કરોડ સાથે સૌથી મોટી કેટેગરી છે,

પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત ડેમોગ્રાફિક પ્રોફાઇલ પણ બદલાઈ રહી છે. વસ્તીનો એક મોટો હિસ્સો હવે મોટી ઉંમર તરફ વધી રહ્યો છે, અને મિલેનિયલ્સ પણ ઉંમર વધવાની સાથે લાઈફસ્ટાઈલ સંબંધિત જોખમો પ્રત્યે વધુ સભાન થઈ રહ્યા છે. જીવનના પાછલા વર્ષોમાં સક્રિય, ફિટ અને ચાલતા-ફરતા રહેવાની ઇચ્છા વધી રહી છે, જે ગ્રાહકોને કોઈ બીમારી આવ્યા પછી નહીં પરંતુ તે પહેલાં જ પોષણ અને સપ્લિમેન્ટ્સ વિશે વિચારવા પ્રેરિત કરી રહી છે.

પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં પણ ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ જેવો જ વ્યાપક વધારો જોવા મળ્યો છે. આ કેટેગરી ઓગસ્ટ 2022 MAT રૂ.57.4 કરોડ હતી, જે ઓગસ્ટ 2026 MAT માં 22.5 ટકા વધીને રૂ. 70.3 કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન વેચાણમાં આશરે રૂ.13 કરોડનો વધારો થયો હતો અને છેલ્લા એક વર્ષમાં 2.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે,મસલ બિલ્ડિંગ, પોષણની ખામી દૂર કરવા, વજન ઘટાડવા અને લાંબા ગાળે વધુ સારા સ્વાસ્થ્ય માટે પોષણનું સંતુલન જાળવવાની જાગૃતિ વધતાં ઓટીસી (OTC - કાઉન્ટર પરથી સીધા ખરીદી શકાય તેવા) પ્રોટીન સપ્લિમેન્ટ્સનું માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. સાધારણ અંદાજ મુજબ, માત્ર ગુજરાતમાં જ OTC પ્રોટીન સપ્લિમેન્ટ્સના વપરાશનું માર્કેટ રૂ. 800 કરોડથી રૂ. 1,000 કરોડનું હોઈ શકે છે. આ માત્ર જિમ કલ્ચરને કારણે નથી, પરંતુ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને પોષણ જરૂરિયાતો પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિનું પરિણામ છે. સોશિયલ મીડિયા અને ક્વિક કોમર્સ  સાથે પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા ખરીદીના આ નિર્ણયોને વધુ વેગ આપી રહી છે.