Mon Aug 31 2026

Logo

ભારતે હૉકીમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપની બહાર ફેંકી દીધું

Amstelveen   2026-08-19 22:01:36
Author: Ajay Motiwala
ભારતે હૉકીમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપની બહાર ફેંકી દીધું

બન્ને દેશ વચ્ચે 16 વર્ષે વિશ્વ કપમાં મુકાબલો થયો અને ભારત 5-3થી શાનથી જીત્યું

ઍમ્સ્ટલ્વીનઃ ભારતે ગઈ કાલે અહીં પાકિસ્તાન (Pakistan)ને મેન્સ હૉકી (Hockey)ના એફઆઇએચ વર્લ્ડ કપમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં 5-3થી પરાસ્ત કરીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. ગ્રૂપ-ડીમાંથી ભારત અને ઇંગ્લૅન્ડ બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પાકિસ્તાન માટે આ મૅચ જીતવી અત્યંત જરૂરી હતી, પણ એનો ઘોર પરાજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન 2010ની સાલ બાદ (16 વર્ષે) હૉકીના વર્લ્ડ કપમાં ફરી સામસામે આવ્યા અને એમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલ, અભિષેકના પણ બે ગોલ તેમ જ વાઇસ-કૅપ્ટન હાર્દિક સિંહના એક ગોલની મદદથી ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો.

ભારતે પ્રથમ મૅચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની બીજી મૅચમાં ભારતનો 2-4થી પરાજય થયો હતો. પાકિસ્તાન આઠ વર્ષે વર્લ્ડ કપમાં ફરી રમ્યું અને ભારતે એની વહેલી એક્ઝિટ કરાવી દીધી.

ઍમ્સ્ટલ્વીનના વૅગ્નર સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન 1973ની સાલ બાદ (53 વર્ષે) ફરી એક વખત વર્લ્ડ કપમાં સામસામે આવ્યા અને એમાં ભારતે વિજયીડંકો વગાડ્યો. 1973માં વિશ્વ કપની સેમિ ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે 1-0થી વિજય થયો હતો.