અમદાવાદઃ રાજ્યના પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર છે. પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં બે વર્ષ બાદ ફરીથી બોટિંગ શરૂ થશે. સુરક્ષા સર્ટિફિકેશનના વિવાદના કારણે જૂન 2024થી નળ સરોવરમાં બોટિંગ બંધ હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિવાળી સુધીમાં નળ સરોવરમાં ફરીથી બોટિંગ શરૂ થશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા 100 યાંત્રિક બોટની ખરીદી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સ્થાનિક નાવિકોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવશે.
વડોદરાના હરણી દુર્ઘટના બાદ જૂન 2024માં નળસરોવરમાં બોટિંગ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી હતી. જે પાછળનું કારણ નળસરોવરમાં સ્થાનિક રીતે બનાવાયેલી બોટ લાયસન્સ અને રજિસ્ટ્રેશનના નિયમો પૂર્ણ કરતી નહોતી. આ સમસ્યાના ઉકેલ માટે પ્રવાસન વિભાગ અને વન વિભાગે સંયુક્ત રીતે માન્યતા પ્રાપ્ત પ્રમાણિત બોટ પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો, જેમાં અગાઉ લાયસન્સ ધરાવતા નાવિકોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
નાવિકો માટે રાહતના સમાચાર
બોટિંગ બંધ થવાને કારણે સીઝન દીઠ સામાન્ય રીતે રૂ. 50,000 જેટલી કમાણી કરતા નાવિકોની આજીવિકા સંકટમાં મુકાઈ હતી, કારણ કે તેમની બે સીઝન કોઈપણ વ્યવસાય વગર વીતી ગઈ હતી. હવે બોટિંગ ફરી શરૂ થવાથી નાવિકોને આર્થિક રાહત મળશે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.
સૂત્રો કહ્યું કે, બોટિંગની ગેરહાજરીના કારણે પ્રવાસીઓની સંખ્યા પર પણ અસર પડી હતી, જેના લીધે ઘણા પ્રવાસીઓ નળસરોવરના બદલે થોળ તળાવ તરફ વળ્યા હતા. જો કે પ્રવાસીઓ પિકનિક અને કિનારેથી પક્ષીઓ જોવા માટે નળસરોવર આવતા રહ્યા હતા, પરંતુ અભયારણ્યનું મુખ્ય આકર્ષણ સમાન બોટિંગ 2024 અને 2025ની આખી સીઝન દરમિયાન બંધ રહ્યું હતું.
નાવિકોનું કહેવું છે કે તેઓ ઓક્ટોબરથી માર્ચ સુધી ચાલતી પ્રવાસનની બે આખી સીઝન ગુમાવી ચૂક્યા છે. જેમાં દરરોજ 1200 થી 1400 પ્રવાસીઓ આવે છે. એક નાવિક પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓને નળ સરોવરમાં ફેરવીને સામાન્ય રીતે એક સીઝનમાં આશરે રૂ. 50,000 કમાઈ લેતો હોય છે.
ઉલ્લેખનીય છે કે 120.82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય છે, જ્યાં રોઝી પેલિકન, ફ્લેમિંગો, વ્હાઇટ સ્ટોર્ક, બ્રાહ્મણી બતક અને બગલા સહિત 250થી વધુ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ વસવાટ કરે છે.