અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા ભયાનક અને ચોંકાવનારા કેસનો પર્દાફાશ કર્યો છે, જેની કહાની કોઈ મોટા પડદાની સસ્પેન્સ ક્રાઈમ ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે. પોતાની પત્ની પરની અંગત અદાવતનો બદલો લેવા માટે એક પતિએ પોલીસને હત્યાની ખોટી બાતમી આપી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ઝીણવટભરી તપાસમાં બાતમીદાર પોતે જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો. આ એક જ સિક્રેટ કૉલને કારણે વર્ષ 2022માં આચરાયેલા એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ ક્રૂર મર્ડરનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ચાલો જાણીએ સમગ્ર મામલો...
પત્ની પ્રત્યેની અદાવતમાં રચાયું હતું આ ષડયંત્ર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા તેમની પૌત્રી ઉર્મિલા ઉર્ફે જયા અને તેના કૌટુંબિક ભાઈએ મળીને કરી છે અને શબને મકાનમાં દાટી દીધું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીમાં જણાવેલા કૌટુંબિક ભાઈને અટકાયત કરીને કડક પૂછપરછ કરી હતી. જોકે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે તે નિર્દોષ હતો. આથી પોલીસનો શંકાનો કાંટો સીધો બાતમીદાર માધવદાસ ભક્તિરામ સાધુ તરફ વળ્યો હતો.
આરોપીએ શા માટે આપી હતી ખોટી બાતમી?
તપાસમાં ખુલાસો થયો કે, માધવદાસની પત્ની ઉર્મિલા છેલ્લા 8 મહિનાથી તેનાથી અલગ રહેતી હતી અને જતી વખતે રોકડ, દાગીના તથા પુત્રને સાથે લઈ ગઈ હતી. પત્ની પ્રત્યેની આ અદાવતમાં માધવદાસે પત્ની અને તેના ભાઈને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આ ખોટી સ્ટોરી ઊભી કરી હતી. માધવદાસની કડકાઈથી પૂછપરછ કરાતાં તેણે કબૂલ્યું કે, શાંતાબેનની હત્યા તેણે પોતે તેની પત્ની ઉર્મિલા સાથે મળીને જ કરી હતી.
હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે બંનેએ અત્યંત ભયાનક રસ્તો અપનાવ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે શાંતાબેનના મૃતદેહને પહેલા એક બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે બેરલમાંથી શબ બહાર કાઢીને જમીનમાં ઊંડો ખાડો ખોદીને દાટી દેવાયું હતું. પોલીસે જ્યારે માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયાની સામસામે રાખીને સઘન પૂછપરછ કરી, ત્યારે બંનેએ વર્ષ 2022માં જ આચરેલી અન્ય બે દર્દનાક હત્યાઓની પણ કબૂલાત કરી હતી.
અન્ય બે ઘટનાનો પણ ભેદ ઉકેલાયો
ભગવતીબેન ટી.બી.ની ગંભીર બીમારીથી પીડાતા હતા. આરોપી દંપતીએ તેમના મોઢા પર ઓશીકું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહ દફનાવી દીધો હતો. ત્યાર બાદ માધવદાસની સગી માતા મંજુલાબેન સાધુની પણ હત્યા કરવામાં આવી હતી. મંજુલાબેન લકવાની બીમારીથી પીડાતા હતા. આ બંનેએ પોતાના જ ઘરે માતાના મોઢા પર ઓશીકું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બાદમાં સામાન્ય મૃત્યુ ખપાવી અગ્નિસંસ્કાર કરી દીધા હતા.
સત્ય આખરે બહાર આવીને જ રહે!
ગુનો કર્યો હોય તો ભલે સત્વરે સજા ના મળે પરંતુ સત્ય ક્યારેય છુપાઈ શકે નહીં! આ કેસમાં પણ એવું જ બન્યું છે. જે પોતે શાણો બનીને પોલીસને ગેરમાર્ગે દોરવા માગતો હતો, તે જ માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરાફતમાં છે. વર્ષ 2022ના આ ત્રણેય હત્યાના બનાવોમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.