સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના યુવા ખેડૂતે પોતાની કોઠાસૂઝથી માત્ર 10 રૂપિયામાં નિંદામણ નાશક બનાવ્યું છે. ખેતરમાં નિંદામણ દૂર કરવા ૧૫ લીટર ગૌમૂત્રમાં એક કિલો મીઠું નાખીને છંટકાવ કર્યો હતો. જેનું પરિણામ દવા જેટલું જ અસરકારક પ્રાપ્ત થયું છે. સુરેન્દ્રનગરના ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આવા જ અનેક પ્રયોગો કરીને બે એકર જમીનમાં મોડલ ફાર્મ તૈયાર કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના યુવા ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી એક અનોખો પ્રયોગ કર્યો છે. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી નિંદામણનાશક તૈયાર કર્યું, જેના તેમને દવા જેટલા જ અસરકારક પરિણામ પ્રાપ્ત થયા છે. તેમણે ૧૫ લીટર ગૌમૂત્રના સ્પ્રે પંપમાં ૧ કિલો મીઠું મેળવીને શેઢા-પાળે ઉગેલા નિંદામણ પર છંટકાવ કર્યો હતો. આ પ્રયોગથી માત્ર પાંચ જ દિવસમાં મોટાભાગનું નિંદામણ સૂકાઈ ગયું હતું. જ્યાં પહેલા રાસાયણિક દવાનો ખર્ચ પંપ દીઠ રૂ. ૪૦૦ થતો હતો. ગૌમૂત્ર ઘરમાંથી જ હતું, ત્યારે તેમને માત્ર રૂ.૧૦ની મીઠાનો જ ખર્ચ થયો હતો.. જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર કરાયેલા આ અખતરાથી પ્રભાવિત થઈને સુરેન્દ્રનગર 'આત્મા' પ્રોજેક્ટના ડિરેક્ટર ભરત પટેલે તેમના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે રાજ્યના અન્ય ખેડૂતોને આ પ્રયોગ સૂચવ્યો છે.
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ
પરેશભાઈના પિતાજી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળતા હતા. પરેશભાઈએ ખેતી સંભાળ્યા પછી ગીર ગાયો રાખી, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને ૨૦૧૬થી પ્રાકૃતિક કૃષિ તરફ પગરણ માંડ્યા. ૨૦૧૮-૧૯થી તેમણે જમીનમાં કોઈ પણ કેમિકલ નાખવાનું બંધ કરી દીધું. તેમની પાસે રહેલી કુલ ૧૩ એકર જમીનમાંથી હાલ ૪.૫ એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાંથી ૨ એકરમાં ખાસ 'મોડેલ ફાર્મ' તૈયાર કર્યું છે. આગામી ૩ થી ૪ વર્ષમાં પોતાની તમામ ૧૩ એકર જમીનને પ્રાકૃતિક કૃષિમાં ફેરવવાનો તેમનો સંકલ્પ છે.

પાક પરિવર્તન અને સારી આવક આપતું સચોટ આયોજન
પરેશભાઈ ચોમાસામાં કપાસ અને તલ સાથે મગ તથા શિયાળામાં ચણા, જીરું, ધાણા, મેથી તેમજ ગલગોટા અને પ્રખ્યાત 'વઢવાણી મરચાં'નું ઉત્પાદન કરે છે. કપાસમાં વીઘે માંડ ૩૦ થી ૩૫ મણના ઉત્પાદન સામે તેમણે માત્ર ૧૦ ગુંઠા જમીનમાં ગલગોટાનું વાવેતર કરી ૧૦૦ મણથી વધુ ઉત્પાદન મેળવ્યું. સ્થાનિક માર્કેટમાં રોજ સવારે તાજા ફૂલો પહોંચાડીને રૂ. ૬૦/કિલોના ભાવે તેઓ રૂ. ૧ થી ૧.૨૫ લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે.
આ ઉપરાંત, તેમણે દોઢ એકરમાં ગૌમૂત્ર અને છાણથી 'રેસિડ્યુ ફ્રી' જીરું પકવ્યું હતું. જીરાનો સામાન્ય બજાર ભાવ જ્યારે રૂ. ૫,૦૦૦ પ્રતિ મણ હતો ત્યારે આણંદ લેબોરેટરીથી સર્ટિફાઇડ પરેશભાઈના ખેતરનું જીરું સુરતમાં રૂ. ૮,૫૦૦ અને નાસિક, ઔરંગાબાદ તથા પુણેમાં રૂ. ૧૦,૦૦૦ પ્રતિ મણના અસાધારણ ભાવે વેચાણ થયું હતું.
સંસ્કાર, પ્રકૃતિપ્રેમ અને આદર્શ જીવનસાથીનો સહયોગ
૩૪ વર્ષીય પરેશભાઈએ ધોરણ ૭ સુધી અભ્યાસ કર્યા બાદ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત મુંબઈ જ્ઞાનપીઠ ખાતેથી ૭ વર્ષ સુધી તપોવન પદ્ધતિમાં શિક્ષણ મેળવ્યું, જ્યાંથી તેમને ગૌમાતા, પ્રકૃતિ અને જમીન પ્રત્યે ઊંડો પ્રેમ જાગ્યો હતો. લગ્ન સમયે પણ તેમણે એવી જ શરત મૂકી હતી કે તેમને ખેતીમાં સાથ આપે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાથે ઉભી રહે તેવી યુવતી સાથે જ લગ્ન કરશે. આજે તેમનાં ધર્મપત્ની ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈને બીજામૃત અને જીવામૃત જેવા પ્રાકૃતિક ઘટકો જાતે બનાવીને તેમની સફળતાના સાચા સાથી બન્યા છે.
સરકારી પ્રોત્સાહન અને સન્માન
પાકમાં રોગ-જીવાત સામે રક્ષણ માટે તેઓ ગૌમૂત્ર, દૂધ, ગોળ અને આંકડાના બોળાનો ઉપયોગ કરે છે, જ્યારે અળસિયા અને હ્યુમસ વધારવા જીવામૃત-ઘન જીવામૃત વાપરે છે. તેમની આ કોઠાસૂઝ બદલ 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા 'બેસ્ટ તાલુકા ફાર્મર એવોર્ડ' અને રૂ. ૧૦,૦૦૦નો પુરસ્કાર મળ્યો છે. મોડેલ ફાર્મ વિકસાવવા બદલ રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૩,૫૦૦ની સહાય તથા જીવામૃત બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી અને પાકા તળિયાના બાંધકામ માટે પણ સરકારી મદદ પ્રાપ્ત થઈ હતી.
સુરેન્દ્રનગરના યુવા ખેડૂતની કોઠાસૂઝ : મોંઘીદાટ નિંદામણ નાશક દવાઓ સામે માત્ર 10 રૂપિયાનો ઉપાય કારગત નીવડ્યો #agriculture #surendranagar pic.twitter.com/9biTA2Bzs1
— મUऱ (@mayurkhunt83) August 20, 2026